Abtak Media Google News

૫૨૦૦ બાકીદારોને નોટિસ ફટકારાઈ: વ્યાજ માફી યોજનાનો લાભ લેતા ૧૫૦૬ વેપારીઓ: મહાપાલિકાએ રૂા.૧.૨૪ કરોડનું વ્યાજ માફ કર્યું

રાજકોટ મહાનગરપાલિકામાં હાલ વ્યવસાય વેરામાં વ્યાજમાફી યોજના ચાલી રહી છે જે અંતર્ગત કુલ આજ સુધીમાં ૧૫૦૬ વેપારીઓએ આ યોજનાનો લાભ લેતા મહાપાલિકાની તિજોરીમાં ૧.૬૭ કરોડ ઠાલવી દીધા છે. વેપારીઓનું રૂા.૧.૨૪ કરોડનું ચડતર વ્યાજ માફ કરવામાં આવ્યું છે. બાકી વેરો ભરવા માટે ૫૨૦૦ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. ૩૧મી ઓગસ્ટ સુધીમાં વ્યવસાય વેરો ભરપાઈ ન કરનાર મોટા બાકીદારોનાં બેંક ખાતા સીઝ કરવામાં આવશે.

રાજય સરકારની યોજના અંતર્ગત હાલ વ્યવસાય વેરામાં વ્યાજ માફી યોજના ચાલી રહી છે જે આગામી ૩૧મી ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. શોપધારકો, શો-રૂમ, કારખાના, કંપનીઓ, ભાગીદારી પેઢી, બેંકો, શાળા-કોલેજો, હોસ્પિટલો, શરાફી મંડળીઓ, વિવિધ ટ્રસ્ટ, જોબવર્ક કરતી પેઢીઓ, ડોકટરો, વકીલ, સીએ અને આર્કિટેક સહિતની કેટેગરી વ્યવસાય વેરો ભરવા માટે સમાવેશ થાય છે. ૫૨૦૦ બાકીદારોને વ્યવસાય વેરો ભરવા નોટીસ ફટકારવામાં આવી છે. આગામી દિવસોમાં નોંધાયેલા કરદાતાઓ પાસેથી વ્યવસાય વેરાની વસુલાત ન થાય તો નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. જોગવાઈ મુજબ બાકીદારોની મિલકત સીલ કરી શકાતી નથી. આવામાં તેઓનાં બેંક ખાતા સીઝ કરવામાં આવશે. વ્યવસાય વેરામાં વ્યાજ માફી યોજના ચાલુ થયાનાં આજ દિવસ સુધીમાં ૧૫૦૬ આસામીઓએ તેનો લાભ લીધો છે. મહાપાલિકાને રૂા.૧.૬૭ કરોડની આવક થવા પામી છે. ૧.૨૪ કરોડનું વ્યાજ માફ કરવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં વ્યવસાય પેટે કુલ ૧૦.૩૫ કરોડની આવક થવા પામી છે. મહાપાલિકા વિસ્તારમાં આવેલી પેઢીઓ, વ્યાવસાયિક એકમોને વ્યવસાય વેરો ભરવા અને વ્યાજ માફી યોજનાનો લાભ લેવા જે-તે વોર્ડ ઓફિસ ખાતે સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.