Abtak Media Google News

ચેમ્બરની વાર્ષિક કામગીરીનો અહેવાલ, ઓડિટેડ હિસાબો અને અંદાજપત્ર સભ્યો દ્વારા સર્વાનુમતે મંજુર

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવના અધ્યક્ષ સ્થાને ગઈકાલે યોજાયેલ ચેમ્બરની ૬૬મી વાર્ષિક સામાન્ય સભા કોરોના મહામારી તથા સાવચેતીના ભાગરૂપે સૌપ્રથમ વખત ઓનલાઈન યોજવામાં આવેલ જેમાં સમયસર કોરમ પુરૂ થઈ જતા એજન્ડા મુજબની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવેલ. ચેમ્બરના મંત્રી નૌતમભાઈ બારસીયાએ ગત તા.૨૫/૯/૨૦૧૯ની વાર્ષિક સભાની મિનીટસનું વાંચન કરેલ જે હાજર રહેલ સભ્યો દ્વારા સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ.

પ્રમુખ વી.પી.વૈષ્ણવએ સૌ સભ્યોને આવકારી ઉદબોધન કરતા રાજકોટ ચેમ્બર વેપાર-ઉધોગનું પ્રતિનિધિત્વ કરતી મહાજન સંસ્થા છે. સૌ સભ્યોના સાથ અને સહકારથી ચેમ્બર પોતાની સાખમાં વધારો કરી રહી છે. ચેમ્બર દ્વારા અલગ-અલગ સેકટરને લગતા સેમીનારો-મિટીંગો યોજી તેમજ વિવિધ પ્રશ્ર્નોની રજુઆતો કરી ૯૦ ટકા સફળતા મેળવેલ છે. કોરોનાના કપરા સમયગાળા દરમ્યાન ચેમ્બરે સારી કામગીરી કરેલ છે અને સૌ સભ્યોને એ સમયમાં સારો સાથ અને સહકાર પણ મળેલ છે. અમુક સભાસદોની ફરીથી લોકડાઉન કરવાની માંગણી ઉઠતા ચેમ્બર દ્વારા તમામ એસોસીએશનો સાથે મિટીંગ યોજી સૌના મંતવ્યો જાણી પાછું લોકડાઉન કરવું હિતાવહ નથી તેવો સૌનો સુર હતો તેમ જણાવી પ્રમુખએ કોરોનાને હળવાશમાં ન લેતા માસ્ક, સેનેટાઈઝ અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા અપીલ પણ કરવામાં આવેલ. સાથો સાથ વેપારીઓ તથા ઉધોગકારોને કોઈપણ જાતની મુશ્કેલી કે પ્રશ્ર્નો હોય તો ચેમ્બરને જાણ કરવી જેનું યોગ્ય અને સચોટ નિરાકરણ લાવીશું.

ત્યારબાદ ચેમ્બરના મંત્રી નૌતમભાઈ બારસીયા દ્વારા ૨૦૧૯-૨૦ના વર્ષ દરમ્યાન યોજવામાં આવેલ મિટીંગ-મુલાકાતો, સેમીનારો, ઓપન હાઉસ, અખબાર યાદીઓ વગેરે કાર્યવાહીનો અહેવાલ રજુ કરવામાં આવેલ. જેમાં મુખ્યત્વે એરલાઈન્સ માટે વિવિધ ફલાઈટો શરૂ કરવી. જીએસટીને લગતી વિવિધ રજુઆતો તથા સેમીનારો, પીજીવીસીએલ તથા સોલારના પ્રશ્ર્નો અંગે મિટીંગો તથા રજુઆતો, ખીરસરા ખાતે નવી જીઆઈડીસીમાં પ્લોટ ધારકોને પડતી મુશ્કેલી જેવા વગેરે વિવિધ સેકટરમાં ચેમ્બરના પ્રમુખ, હોદેદારો તથા કારોબારી સભ્યોએ ખુબ જ જહેમત ઉઠાવી તેની સફળ રજુઆતો કરેલ છે.

ત્યારબાદ ચેમ્બરના ટ્રેઝર ઉત્સવભાઈ દોશીની સંમતીથી વર્ષ ૨૦૧૯-૨૦ના ઓડીટેડ હિસાબો અને ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧નું અંદાજપત્ર રજુ કરેલ તથા ચાલુ વર્ષ માટે ઓડિટરની નિમણુકને સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ. વધુમાં પ્રમુખ વી.પી.વૈષ્ણવએ ચેમ્બરના તમામ સભ્યોનો ઓડિટેડ હિસાબો તથા અંદાજપત્ર વિગેરેને મંજુરી આપવા બદલ આભાર વ્યકત કરેલ તેમજ કોઈપણ સંસ્થાનો પાયો તેમના સભાસદો જ હોય છે અને સભ્યોના પ્રશ્ર્નો અંગે યોગ્ય રજુઆતો કરી તેનું નિરાકરણ લાવવાનો મુળભુત હેતુ છે. સાથો સાથ ગુજરાત ચેમ્બરના રીજીઓનલ સેક્રેટરી તરીકે પણ નિમણુક બદલ રાજકોટ ચેમ્બરનો તથા સભાસભદ મિત્રોનો આભાર માનેલ.

ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાએ જણાવેલ કે કોરોનાના કપરા સમયમાં સાવચેતીના ભાગરૂપે સૌપ્રથમ રાજકોટ ચેમ્બરની ઓનલાઈન વાર્ષિક સભા યોજવામાં આવેલ છે. નિકાસકારોને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત રાજકોટ ચેમ્બર તરફથી સર્ટીફીકેટ ઓફ ઓરીજીન ઓનલાઈન મળી રહે તેની પ્રોસીઝર ચાલી રહી છે જેના કારણે નિકાસકારોને ઘણો ફાયદો થશે. સરકાર દ્વારા નિકાસકારો માટેની એમઈઆઈએસ સ્કિમ બંધ કરવામાં આવી છે જે નુકસાનકારક છે જે બાબતે ચેમ્બરે રજુઆતો પણ કરેલ છે. ચેમ્બર દ્વારા ઘણા વર્ષોથી રાજકોટના રેલવે સ્ટેશન પર લગેજ સ્કેનરની માંગણી મુકેલ હતી તે સફળ થયેલ છે. વાર્ષિક સભાના અંતમાં આભારવિધિ ચેમ્બરના કારોબારી સભ્ય અમૃતભાઈ ગઢીયાએ કરેલ તેમજ સમગ્ર સભાનું સંચાલન મંત્રી નૌતમભાઈ બારસીયાએ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.