Abtak Media Google News

ધામળાજી નામના રાજવીએ ગામ વસાવ્યું હોવાથી નામ પડયું ધામળેજ: નાનકડી ધાર પર હાલ ચારેક ગુફાઓ જ બચી છે

ધામળેજ સમુદ્ર કિનારે આવેલું છે.કોડીનારથી ૧૦ કિ મી અને સુત્રાપાડાથી ૧૮ કિ મી દૂર છે.કહેવાય છે કે ધામળાજી નામના રાજવીએ આ ગામ વસાવ્યુ હોવાથી ધામળેજ તરીકે જાણીતુ બન્યું છે.કેટલાક એમ પણ માને છે કે ધોમ્યરુષીનો આશ્રમ હોવાથી ધામળેજ કહેવાયું છે.પરંતુ ઈતિહાસમાં આની નોંધ મળતી નથી.ધામળાજી નામના રાજાનો ઉલ્લેખ “સૌરાષ્ટ્રનો ઇતિહાસ પણ જોવા મળતો નથી. એવી રીતે અનેક રૂષિ મુનિઓની વચ્ચે ધોમ્યરૂષિના નામની કોઈ નોંધ સાપડતી નથી.એવું કહી શકાય કે ધમ્મ + ણેર =ધામણેર નું સમય જતાં અપભ્રંશ ધામણેર અને પછી ધામળેજ બોલાતું થયું હશે. બૌધ્ધ ધમ્મમાં  શામણેર શબ્દ  ભિખ્ખુઓ માટે બોલાય છે. આ શામણેર ભિખ્ખુઓ ચારિકા અર્થે ગામમાં જતા હશે. સમય જતાં શામણેર શબ્દનું લોકોએ ધામળેજ કર્યું હશે. એટલે શામણેર પરથી ધામળેજ નામ પડ્યું હોવાની સંભાવના વિશેષ યોગ્ય લાગે છે. અંહી મુખ્ય વસ્તી કારડીયા,કોળી અને દલિતોની છે. ગામ પ્રમાણમા ઠીક ઠીક મોટુ છે.અંહી મચ્છી મુખ્ય આહાર છે અને આજીવિકાનું સાધન પણ છે.

આજેવાત કરવી છે અંહી આવેલી બૌધ્ધ ગુફાઓની. ધામળેજથી લોઢવા તરફ ત્રણેક કિ મી ચાલો એટલે  ડાબી તરફ “પ્રાચીન ગુફા”  શ્રી નળેશ્વર મહાદેવ નામનું બોર્ડ આવે છે. આ પ્રાચીન ગુફાઓ એજ બૌધ્ધ ગુફાઓ છે. નાનકડી ધાર પર અંહી હાલ ચારેક ગુફાઓ બચી છે.જેમા આજે નળેશ્વર મહાદેવ બિરાજમાન છે. ગુફામાં સમયને અનુરુપ ફેરફાર કરેલો દેખાય છે.નળેશ્વરનુ મહાત્મય વધારવા તેને અનુરુપ ફેરફાર કરી હાલ બાલુનાથ કાશીનાથ જગ્યાની પુજા સંભાળી રહ્યા છે.જગ્યાનો કબજો છે.એટલે દસ્તાવેજનો સવાલ નથી. તેમના કહેવા મુજબ પહેલા અમે સહકુટુંબ રહેતાં હતાં પણ હવે મારા સિવાય અંહી કોઈ રહેતું નથી.

Img 20180827 Wa0017આ જગ્યા આમ તો થોરડી ગામની નજીક છે પણ ધામળેજની સીમમા આવેલ છે.અંહી જય નળેશ્વર સીમ શાળા મું : ધામળેજ  આવેલ છે.જે વિદ્યા ગ્રહણ કરવાનો અધિકાર વર્ણશ્રામની સમાજ વ્યવસ્થામાં હતો નહીં તે આજે અંહી વિદ્યમાન છે. એમને પણ બૌદ્ધ વિરાસત ઓળખવી બાકી છે. આ વિસ્તાર નળી કાદો તરીકે ઓળખાય છે. ચૂના પથ્થરમાં નળી જેવા ઊંડા કાણા હોવાથી લોકોએ નળીકાદો નામ પાડી દીધુ છે.

આ વિસ્તારમાં પુશ્કળ પ્રમાણમાં જમીનમાં ઊંડે સુધી ચૂના પથ્થર નીકળે છે.જેનો ઊપયોગ સિમેન્ટ બનાવવામાં કરવામાં આવે છે. અંહી ચારે તરફ ખાણો આવેલી છે. આજે ખનન ચાલું છે.ગુફાની પાછળના ભાગે આવેલી સીમમાંથી પથ્થર કાઢી ઊંડુ તળાવ બનાવી દીધું છે. ગુજરાતની સૌથી મોટી સિમેન્ટ બનાવવાની ફેકટરી અંબુજા સિમેન્ટ અને સિધ્ધી સિમેન્ટ અંહી આવેલી છે.પહેલા અંહી જોગ બેસાડતા હતાં.જોગ યાને બપોરના સમયે ગામના ઢોરને (ધણને) બેસવાની જગ્યા.

જગ્યામાં પ્રવેશો ત્યાં સામેજ ગુફા જોવા મળે છે.૫ ડ્ઢ ૭ લંબાઈ પહોળાઈ ધરાવતી આ ગુફાની અંદર એક બીજી નાની ગુફા છે.બિલકુલ સાદી ગુફા છે. અંદરની ગુફામાં પ્રવેશતા શિતળતાનો અનુભવ થાય છે . અંહી વિપશ્યના થતી હશે. આ ગુફાની જમણી બાજુ બોધિ વૃક્ષ છે.

લીલાછમ્મ બોધિ વૃક્ષના થડમાં અનેક મૂર્તિઓ ધરબાયને પડી છે. એમાની કેટલીક ઉપસી આવી છે. કેટલીક મૂર્તિઓમાં બહારથી કરેલાં સુધારા જોવા મળે છે. આ તમામ મૂર્તિના સુધારા સુચવે છે કે એ બૌધ્ધ મૂર્તિઓ હશે.પહેલી ગુફાની પાછળના ભાગે ભૂગર્ભમાં બે ગુફા આવેલી છે. બન્ને ગુફાની વચ્ચે પાણીનો કૂવો છે.હાલ કૂવામાં પાણી છે.એક ગુફા અર્ધ ગોળાકાર દેખાય છે.પરંતુ એ કોઈ કાળે બે ગુફા હશે જેને સાત સ્તંભ છે.

જે ૬ ડ્ઢ ૨૫ ની લંબાઈ પહોળાઈ ધરાવે છે.૭ ફૂટ ઊંચાઈ છે. જમીનથી ૩૦ પગથીયા નીચે છે. તળિયામાં સિમેન્ટ કરેલ છે. સ્તંભમાં પણ સિમેન્ટ લગાવેલ છે. ગુફાની દિવાલો અને છત મૂળ સ્વરુપે છે. આ મોટી ગૂફાની સામે આવેલી ગુફામાં નળેશ્વર મહાદેવની સ્થાપના જોવા મળે છે.આ ગુફા બૌધ્ધ કાલિન સ્થાપત્ય અને બૌધ્ધ શૈલીનો પ્રકાશ પાડે છે.ગુફામાં બે  ચોરસ સ્તંભ છે. ૭ ડ ૭ ની છે. ચારેક ફૂટ ઊંચી છે. ગુફામાં ઠંડક છે.

અંહી ભલે ફેરફાર કર્યો હોય પણ બૌધ્ધ ગુફા તેના અસલ સ્વરુપને ઊજાગર કરે છે. સાણા વાંકિયા, લોર , સોમનાથ પાટણ અને ખંઢેરીમાં આવેલી બૌધ્ધ ગુફા જેવી આ ગુફાઓ છે.ધામળેજની આ ગુફાઓ  ઈ.સ.પહેલી થી બીજી સદીમાં બનાવવામાં આવી હશે.થોડે દૂર સરસ્વતી નદી નીકળે છે.આ નદી બૌધ્ધ ગુફાઓની સાક્ષી રહી છે.એના કાંઠે અનેક બૌધ્ધ ગુફાઓ પહેલી થી ચોથી સદીમાં બનાવવામાં આવી છે.આ બન્ને ગુફાની બહારની બાજુ બદલાવ જોવા મળે છે.પહેલી ગુફાની ઊપરના ભાગે પણ મંદિર બનાવેલ છે.

ઊત્સાહથી પુજારી પોતાનું એક સમયનું રહેઠાણ બતાવવા ગુફાની ઊત્તર બાજુ ઊપરના ભાગે અમને લઈ જાય છે. અમારા આશ્ચર્ય વચ્ચે દૂર દૂર સુધી ખનન જોવાં મળે છે.બાજુમાં બાવળની કાંટ્યમાં એક ગુફા જોવાં મળે છે.ત્યાં જવું કઠિન લાગ્યું. પથ્થરનો કાદો જોતા એવું લાગ્યું કે અંહી ચાર નહી પણ અનેક ગુફાઓ આવેલી હશે.એટલે તો પ્રાચીન ગુફાનું નામ બોર્ડમાં નોંધવામાં આવેલ છે.

નીચેની ગુફામાં દિવાલ તૂટતા નૈરુત્ય ખૂણામાં ગાબડું પડી ગયું છે. જેમાં એક ઊંડુ ભોંયરુ છે.પુજારી કહે છે કે આ ભોંયરામાં અમારો  કૂતરો ગયો હતો તે ફરી પાછો બહાર આવ્યો નથી.ઘણા દિવસો  રાહ જોઈ પણ એ કદી બહાર ના આવ્યો અંતે અમે સાવચેતી ના ભાગરૂપે કાયમ માટે ભોંયરુ બુરી દીધું છે. આ સ્થળ સાથે પણ પૌરાણિક કથા જોડી દીધેલ છે.બાલુનાથના કહેવા પ્રમાણે  નળ અને દમયંતિના લગ્ન અંહી થયેલાં.

આ લગ્ન હંસે કરાવી આપેલા.આ હંસ જમવામાં સાચા અને એ પણ હિરાના મોતી ખાતો હતો.દમયંતિના સ્વયંવરમાં અગ્નિદેવ,વરુણદેવ,ઈન્દ્રદેવ વગેરે દેવો પરણવા આવ્યાં હતાં,સ્વયંવરમાં દમયંતિ આટલા બધા મુરતિયા જોયને વિમાસણમાં પડી જાય છે.હંસે  દમયંતિને મળી નળનું માંગુ નાખ્યું હતું.આટલા મુરતિયા વચ્ચે  નળને ઓળખવો કેમ!! બરાબર આ સમયે હંસ દમયંતિની વિહવળતા પારખી નળના ખોળામાં જઈ બેસે છે. દમયંતિ ઓળખી જાય છે કે એજ રાજા નળ છે.દમયંતિ રાજા નળને ફૂલમાળા પહેરાવી પતિ તરીકે પસંદ કરે છે.બધા દેવો કોપાયમાન થાય છે.ત્યાં તો નળ અને દમયંતિના લગ્ન થય ચૂક્યા હતાં. કથા સામે ઘણા સવાલ  ઉભા થઈ શકે છે.

નળ, દમયંતિ અને દેવાધિદેવો લગ્ન કરવા જે સ્થળે આવ્યાં હતાં ત્યાં માત્ર ગુફાઓ જ બચી છે.બાકીના બીજા અવશેષો કે નિશાનીઓ એકપણ જોવા મળતી નથી. બધે બને છે એમ રોટલા રળવા ધર્મની આડમાં આવી કથાઓ કરી કરી બિમાર સમાજનું નિર્માણ કરનારાનો તોટો નથી. સરકારની ચૂપકિદી પણ સવાલો ઊભા કરે છે. મોર્ય વંશથી શરુ થયેલો ભારતીય ઈતિહાસ તવારીખ સાથે ઊપલબ્ધ છે. પૌરાણિક કથાઓ પ્રમાણભૂત માનવાને કોઈ પ્રમાણો નથી.ત્યારે બૌધ્ધ કાલિન વારસાને જાળવવાની સરકારની ફરજ છે.

ધામળેજમાં આવેલી બૌધ્ધ ગુફાઓ પોતાની ઓળખને પ્રકાશિત કરે છે. એની બાંધણી, એની શૈલી,એની કોતરણી અને થોડેક દૂર  પસાર થતી  સરસ્વતી નદી એની ગવાહી પુરે છે.પથ્થરની ખાણોમા દબાયેલો ધમ્મઘોષ આજે પણ અંહીથી એક કિ મી દૂર આવેલા લાસના તળાવને એની ગાથાઓના ધ્વનિથી ભીંજવી રહ્યો છે. ત્યાંથી આવતાં દરિયાઈ પવન કહે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.