આંદોલનકારીઓનો મહાસંગ્રામ બજેટ સત્રને રણ મેદાન બનાવી દેશે

સંસદના શિયાળુ સત્રમાં કિસાન આંદોલનનો મુદ્દો વિપક્ષ માટે ‘દોડવું હતું ને મળ્યો ઢાળ’ જેવો બની રહેશે?

યે આગ કબ બુઝેગી… કૃષિ પ્રધાન ભારતમાં ખેતી અને ખેડૂતને સમૃદ્ધ, સદ્ધર અને વૈશ્ર્વિક સમોવડી બનાવવા માટે કૃષિ ક્ષેત્રે ધરમુળમાંથી ફેરફાર આવશ્યક છે ત્યારે કેન્દ્ર સરકારે બનાવેલા નવા ત્રણેય કૃષિ કાયદાનો ખેડૂતોએ શરૂ કરેલા વિરોધ અને આંદોલનનો ધુંધવાટ હજુ ઠરે તેવું લાગતું નથી. અત્યાર સુધી ખેડૂ અને સરકાર વચ્ચેનો ગણાતો આ પ્રશ્ર્ન હવે શાસક વિપક્ષના દ્વંદ યુદ્ધનો મુદ્દો બને તેવા સમીકરણો આકાર લઈ રહ્યાં છે. ખેડૂતોએ આ આંદોલનને ત્રણેય કૃષિ કાયદાઓ સરકાર પરત ન લઈ લે ત્યાં સુધી ચાલુ રાખવાનો રણટંકાર કર્યો છે અને સાથે સાથે દિલ્હીની સરહદ સુધી પહોંચી ચૂકેલો આ આંદોલનનું મહાસંગ્રામ સંસદના બજેટ સત્રને નિશાન બનાવવા સુધીની રણનીતિની જાહેરાતે આંદોલનકારીઓનો મહાસંગ્રામ બજેટ સત્રને રણમેદાન બનાવી દેશે તે વાત નિશ્ર્ચિત છે. ખેડૂત સંગઠનોએ આંદોલન લંબાવવાની રણનીતિ અમલમાં મુકી દીધી છે અને આગામી બજેટ સત્રને ટાર્ગેટ બનાવવાની જાહેરાત કરી છે.

ખેડૂત અને સરકાર વચ્ચે એક સાથે તબક્કાવાર સાત-સાત મંત્રણાઓ કોઈ પણ પરિણામ વગર પૂરી થઈ જવા પામી છે. કુલ ચાર માંગણીઓમાંથી ખેડૂત અને સરકાર વચ્ચે પરાર સળગાવવાના ગુનામાં સજા અને દંડની જોગવાઈ ઘટાડવી, ઈલેકટ્રીસિટી એમેડમેન્ટ બીલના બન્ને મુદ્દે સમાધાન શકય બન્યું હતું પરંતુ ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની ખેડૂતોની માંગ અને લઘુતમ ટેકાના ભાવોના બદલે ભાવ બાંધણાની માંગ ઉપર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે કોઈ સમાધાન થયું નથી. કૃષિ કાયદા સરકાર માટે હવે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો હોય તેમ કૃષિ કાયદાનો સરકાર માટે ફરજિયાત દાખલા જેવો થઈ ગયો છે.

સરકાર જો કૃષિ કાયદા મુદ્દે પાછી પાની કરે તો વિપક્ષને બળ મળી જાય. સરકાર માટે કૃષિ કાયદો પાછો ખેંચવો એટલે ‘ડોસી મરી જાય તેનો વાંધો નહીં પણ જમ ઘર ભાળી જાય તે ન ચાલે’ તેવો ઘાટ છે.

ખેડૂત સંગઠનોએ સરકાર સાથેની વાટાઘાટો દરમિયાન ચારેય માંગ સંપૂર્ણપણે પૂરી થાય તેવો હઠાગ્રહ રાખ્યો છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના ભાજપના વરિષ્ઠ નેતા સુરજીત જયાણી અને હરજીતસિંઘ ગરેવાલને ગઈકાલે સાંજે રાજ્યની સ્થિતિ જાણવા માટે ચર્ચા માટે મળ્યા હતા. આ બન્ને નેતાઓએ આંદોલનકારીઓ સાથે સંપર્કમાં પંજાબની સ્થિતિથી પોતે વાકેફ હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ ખેડૂત નેતા દર્શન પાલે જાહેરાત કરી હતી કે, ગુરૂવારની આગામી પૂર્વ અને પશ્ર્ચિમ દિલ્હીના રસ્તાઓ પર નીકળનારી ટ્રેકટર રેલીમાં ૨૫૦૦થી વધુ ટ્રેકટરો ભાગ લેશે. આ ટ્રેકટર રેલી પેરી, ફેરલ એકસ્પ્રેસ હાઈવે, કુંડી અને ટીકરીના રસ્તે દિલ્હીમાં પ્રવેશ કરશે. ૨૬મી જાન્યુઆરીએ પણ ટ્રેકટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૦ હજાર જેટલા ટ્રેકટરો આવશે અને આ ટ્રેકટરના ડ્રાઈવર તરીકે કેટલીક મહિલા પણ સામેલ થશે. જો કે પંજાબના ખાદ્ય અને પુરવઠા મંત્રી ભરત ભુષણે દાવો કર્યો છે કે, આ ત્રણેય કૃષિ કાયદાનો પંજાબમાં અમલ શરૂ કરવામાં કોઈ વિઘ્ન નથી.

ખેડૂતો અને સરકાર વચ્ચે ચાલી રહેલા આંદોલનની મડાગાંઠ ઉકેલાવાના બદલે રણસંગ્રામમાં બદલતી દેખાઈ રહી છે. શિયાળ તાણે સીમ ભણી, કુતરૂ તાણે ગામ ભણી’ની જેમ બન્ને પક્ષો પોતાની માંગમાં બાંધછોડ કરવા તૈયાર નથી. રૈયત અને રાજા વચ્ચેની આ લડાઈ હવે શાસક-વિપક્ષની રાજકીય લડાય બનવા તરફ આગળ વધી રહી છે.

સંસદના શિયાળુ સત્રમાં સરકારને ભીડવવા માટે ‘મોસાળે જમણ અને માં પીરસનાર’ જેવો ઘાટ હાથમાં આવી ગયો છે. આગામી બજેટ સત્ર સરકાર માટે ખેડૂત આંદોલનને લઈ મુશ્કેલીનો સામનો કરનારૂ બની રહેશે. ખેડૂતોનું આ આંદોલન હવે રાજકીય મહાસંગ્રામનું રૂપ લેવું તેવું દેખાઈ રહ્યું છે.

ખેડૂત આંદોલનનો સીધો ટાર્ગેટ સંસદનું સત્ર

કૃષિ બીલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન હવે સરકાર અને ખેડૂત વચ્ચેનો મુદ્દો નહીં પરંતુ શાસક-વિપક્ષનો રાજકીય મુદ્દો બની ગયો હોય તેમ સંસદના આગામી સત્રને રણસંગ્રામ બનાવવા માટે ખેડૂતોએ આ મુદ્દો હવે વિપક્ષોના હાથમાં સોંપવાની રણનીતિ અખત્યાર કરી છે. વિપક્ષ માટે પણ ખેડૂત આંદોલનનો આ મુદ્દો સરકારને ભીડવવા માટે ‘દોડવુ તું ને ઢાળ મળી ગયો’ જેવી પરિસ્થિતિ ઉભી કરનારો બન્યો છે.

Loading...