ખાખડાબેલામાં ૩૦૭ના આરોપીએ સમાધાન માટે ધમકી દીધી

ગામમાં અવાર નવાર ઝઘડો કરવાની ટેવ ધરાવતા બે શખ્સો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાવામાં આવશે?

ભવિષ્યમાં કોઇ મોટો બનાવ બનવાની દહેશત: આવા લુખ્ખાઓ સામે પોલીસ પાસાનું શસ્ત્ર ઉગામશે?

પડધરી નજીક આવેલા ખાખડાબેલા ગામના ગરાસીયા પરિવાર વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલતી અદાવત અને હત્યાની કોશિષ અંગેના કેસમાં સમાધાન માટે ખાખડાબેલાના બે નામચીન શખ્સોએ ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. અવાર નવાર માથાકૂટ કરવાની ટેવ ધરાવતા માથાભારે બંને શખ્સો સામે પડધરી પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે. નાના એવા ખાખડાબેલામાં અવાર નવાર ઝધડો કરવાની ટેવ ધરાવતા બંને શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા તખ્તો ગોઠવવામાં આવી રહ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખાખડાબેલા ગામે રહેતા સહદેવસિંહ ચંદુભા જાડેજા નામના ૫૪ વર્ષના ગરાસીયા પ્રૌઢને તેના જ ગામના રસિકસિંહ દેવુભા જાડેજા અને રણજીતસિંહ દેવુભા જાડેજાએ હત્યાની કોશિષના ગુનામાં સમાધાન માટે બોલાવી ખૂનની ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ગત તા.૬-૫-૧૭ના રોજ સહદેવસિંહ જાડેજાને મકાનનું કામ ચાલુ હોવાથી ઘર પાસે રેતીનો ઢગલો હોવાથી રેતી હટાવી લેવા જેવી સામાન્ય બાબતે રસીકસિંહ દેવુભા જાડેજા અને તેના ભાઇ રણજીતસિંહ દેવુભા જાડેજા તલવારથી ઘનશ્યામસિંહ અને તેના ભાઇ યુવરાજસિંહ જાડેજા પર ખૂની હુમલો કર્યો હતો.

હત્યાની કોશિષના ગુનામાં કોર્ટ દ્વારા આકરી શરતો સાથે જામીન પર છુટકારો થયા બાદ પણ રસિકસિંહ જાડેજા અને રણજીતસિંહ જાડેજા અવાર નવાર કેસમાં સમાધાન કરવા માટે ઘાક ધમકી દેતા અને ગત તા.૧૭-૪-૧૮ના રોજ ઘનશ્યામસિંહ જાડેજા પર ટ્રેકટર ચડાવી હત્યાની કોશિષ થયાની અને ગત તા.૧૫-૩-૧૮ના રોજ યુવરાજસિંહને આંતરી હુમલો કરાયો હતો પરંતુ પોલીસ દ્વારા બંને ઘટનામાં માથાભારે શખ્સો સામે ગુનો ન નોંધી માત્ર અરજી મુજબ કાર્યવાહી કરી બંને માથાભારે શખ્સો સામે પોલીસ દ્વારા હળવાશથી કાર્યવાહી થતી હોવાથી ગઇકાલે ફરી બંને માથાભારે શખ્સોએ સહદેવસિંહ જાડેજાને કેસમાં સમાધાન કરવા ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.

નાના એવા ખાખડાબેલામાં અવાર નવાર હુમલા કરી ઝઘડો કરવાની ટેવ ધરાવતા રસિકસિંહ જાડેજા અને રણજીતસિંહ જાડેજા સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી તેઓ કોર્ટ દ્વારા લાદવામાં આવેલી શરતોનો ભંગ કરતા હોવાથી કડક કાર્યવાહી કરી પાસા હેઠળ જેલ હવાલે કરવાની માગ સાથે ખાખડાબેલામાં બંને માથાભારે સામે રોષ ભભૂકી રહ્યો છે બંને ભાઇઓએ આ પહેલાં એક પટેલ પરિવારની ખેતીની જમીન પડાવી લીધા અંગેના આક્ષેપ પણ થઇ રહ્યા છે.

Loading...