Abtak Media Google News

મીઠા ઉદ્યોગ કરતા અનેકગણા ચડિયાતા ઝીંગા ઉછેર ઉધોગ માટે વર્ષ ૧૯૯૨થી માછીમારો સરકાર પાસેથી જમીન માગી રહ્યા છે:  રજૂઆતોનો ધોધ પરંતુ પરિણામ શૂન્ય

મોરબી જિલ્લો ૩૫ કીમી જેટલો દરિયાકાંઠો ધરાવે છે. આ દરિયાકાંઠે ઝીંગા ઉદ્યોગો વિકસિત થઈ શકે તેમ છે. ઝીંગા ઉદ્યોગ મીઠા ઉદ્યોગ કરતા વધુ રોજગારી અને વધુ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. ઝીંગા ઉદ્યોગ માટે જમીન આપવા માછીમારો ૧૯૯૨ થી આજ સુધી સરકારને રજૂઆતો કરી રહ્યા છે.

પરંતુ સરકાર દાદ આપતી નથી. ઝીંગા ઉછેર માટે જમીન આપવામાં સરકારનું ઉદાસીન વલણ હોવાનો માછીમારો આક્ષેપ કરી રહ્યા છે. મોરબીમાં ૩૫ કીમી દરિયાકાંઠો છે. જેમાં માળીયા મિયાણામાં સૌથી વધુ દરિયા કાંઠાનો વિસ્તાર છે. જ્યારે મોરબી તાલુકામાં ઝીંઝુડા, ઉડબેટ-શામપર, પાડાબેકર વગેરે દરિયાકાંઠાનો વિસ્તાર છે.

હાલ અનેક માછીમારો ઝીંગા ઉછેર કેન્દ્ર સાથે જોડાયેલા છે. પરંતુ દરિયાકાંઠે જે જમીનો આવેલી છે તે ઝીંગા ઉછેરને સાનુકૂળ છે. પરંતુ આ જમીન આપવામાં સરકાર ભારે ઉદાસીન વલણ દાખવી રહ્યું છે. વર્ષ ૧૯૯૨થી માછીમારો દરિયાકાંઠે આવેલી જમીનો ઝિંગા ઉછેર માટે સરકાર સમક્ષ માંગી રહ્યા છે. માછીમારોએ જમીન માટે અરજીઓનો ધોધ વ્હાવ્યો છે.

મીઠા ઉદ્યોગ કરતા ઝીંગા ઉદ્યોગ વધુ વિકસિત થઈ શકે તેમ છે. ૧૦૦ એકર જમીનમાં જેટલા મીઠાનું ઉત્પાદન થઈ શકે તેટલા ઝીંગાનું ઉત્પાદન માત્ર ૧૦ એકર જમીનમાં જ થઈ શકે છે. માળિયાના બોકડી ગામ પાસેના દરિયાકિનારાની ૨૧૯ હેકટર જમીન ઝીંગા ઉછેર માટે સાનુકૂળ છે. આ રીતે મોરબી તાલુકામાં પણ દરિયાકિનારે ઝીંગા ઉછેર માટે સાનુકૂળ જમીનો આવેલી છે.  મત્સ્ય ઉદ્યોગના અધિકારી કે.વી.રામાણી કહે છે કે માળીયાના ૨૨ લોકો ઝીંગા ઉછેર માટે જમીનની માંગણી કરી રહ્યા છે. જેમાં ૮ અરજીઓ કલેકટરના અભિપ્રાય માટે પેન્ડિંગ છે. જ્યારે ૧૪ અરજીઓ મામલતદાર પાસે પેન્ડિંગ છે.

એક અંદાજ પ્રમાણે ઝીંગા ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૩૧ કરોડનું છે. ઝીંગા ઉદ્યોગ હજી વિકસિત થાય તો અનેક લોકોને માળીયામાં રોજી રોટી મળશે અને સરકારને પણ વધુ આવક થાય તેમ છે. પરંતુ સરકાર જમીનની ફાળવણી કરતી ન હોવાથી આ ઝીંગા ઉદ્યોગ વિકસિત થઈ શકતો નથી.  જોકે માળિયામાં વર્ષ ૨૦૧૨ માં માસ્ટર મેપિંગ થયું હતું. તંત્રએ કાર્યવાહી કરી હતી. પરંતુ હજી સુધી જમીન ફાળવવામાં આવી નથી.

માળીયાના દરિયા કિનારા આસપાસ ઝીંગા ઉદ્યોગની વિપુલ તકો રહે છે. હજારો લોકોને રોજગારી મળે તેમ છે. જો કે બનાસનું પાણી દરિયામાં આવે ત્યારે સુરજબાગ પુલથી ખારા ઘોડા સુધી ઝીંગાની ખેતી થાય છે. અને અંદાજે ૨૦૦ કરોડનું ટર્ન ઓવર થાય છે. પરંતુ આ બનાસનું પાણી આવે ત્યારે જ શક્ય બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.