સેન્સેકસમાં ૮૦૦ પોઈન્ટની અફરા-તફરીથી રોકાણકારોના શ્ર્વાસ અધ્ધર

બજાર ખુલતા જ તેજીએ રફતાર પકડ્યા બાદ વેચવાલીના માહોલ વચ્ચે બજાર ૨૦૦ પોઈન્ટ સુધી ગગડી ગયું

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસના પ્રથમ સત્રમાં શેરબજારમાં તેજીનું તોફાન જોવા મળ્યા બાદ બપોર સુધીમાં બજાર પટકાયું પણ હતું. અગાઉ તેજી જોવા મળ્યા બાદ અગાઉ ૪૦૦ પોઈન્ટ ઉંચકાયા બાદ બજારમાં ૨૦૦ પોઈન્ટથી ઉંડો કડાકો પણ બોલી ગયો હતો. એકંદરે બજારમાં ૮૦૦ પોઈન્ટની અફરા-તફરી મચી જતા રોકાણકારોના શ્ર્વાસ અધ્ધર થઈ ગયા હતા. બજાર ખુલ્યા બાદ આજે પણ એકાએક ૪૦૦ પોઈન્ટ જેટલો ઉછાળો જોવા મળતા રોકાણકારોમાં હર્ષો ઉલ્લાસ જોવા મળ્યો હતો. લાંબા સમયે સેન્સેકસ-નિફટીમાં તેજી જોવા મળી હતી. સમયાંતરે આવેલી વોલીટાલીટીને છેલ્લા દોઢ મહિનાથી સેન્સેકસ કાપવામાં સફળ રહ્યું છે. જો કે ત્યારબાદ પ્રોફીટ બુકિંગનું પ્રેશર વધ્યું હતું. જેના પરિણામે બજાર ગગડી ગયું હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. આજે ઈન્ડુસીન બેંક, ટાટા સ્ટીલ, એકસીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ સહિતની કંપનીઓના શેરમાં ૧.૭૭ ટકાથી લઈ ૩.૧૦ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. પરંતુ પ્રોફીટ બુકિંગના પ્રારંભે આ કંપનીઓના શેરોમાં પ્રેશર પર જોવા મળ્યું હતું. આ લખાય છે ત્યારે સેન્સેકસનો હાઈ ૪૦,૯૭૬નો છે જયારે લો ૪૦,૧૫૦નો રહ્યો છે. આજે સેન્સેકસ ૪૦,૪૬૭ના આંક પર ખુલ્યું હતું જોકે આજે પ્રારંભિક તબકકે નેગેટીવ વાતાવરણ રહ્યું હતું. બજાર ખુલતા જ લેવાલીનો માહોલ જણાયો હતો. ત્યારબાદ વેંચવાલી પણ વધુ પ્રમાણમાં થઈ હતી. નિફટી ૧૨ હજારની સપાટી તોડવામાં સફળ રહી હતી. આ લખાય છે ત્યારે નિફટી ૧૧૯૨૩ના આંક પર ૨૬ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહી છે. બેંકિંગ ક્ષેત્રમાં લેવાલીના કારણે બેંક નિફટી ૨૪,૫૭૨ની સપાટીથી વધી હતી. અત્યારે બેંક નિફટી ૨૬૦ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ છે. મીડ કેપ અને સ્મોલ કેપના શેરમાં લેવાલીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ આજે ડોલર સામે રૂપિયો પ્રારંભીક સત્રમાં મહદઅંશે મજબુત જણાયો હતો. પરંતુ ત્યારબાદ ડોલરે મજબૂતાઈ પકડી હતી અને રૂપિયો ૦.૧૨ પૈસા તૂટી ગયો હતો. અલબત બજાર ખુલતા જ આજે આજે ખુલતાની સાથે જ ડોલર સામે રૂપિયો ૦.૦૭ પૈસા જેટલો મજબુત રહ્યો હતો જોકે ડોલરની સરખામણીએ અન્ય કરન્સી વધુ મજબુત જોવા મળી હોવાનું ફલિત થાય છે.

Loading...