Abtak Media Google News

26 નવેમ્બર 2008, ક્યારેય ભુલાય તેમ નથી. દેશના આર્થિક પાટનગર મુંબઈને આતંકીઓએ દીધેલો ઘા આજે પણ રુંવાડા ઉભા કરી દે છે. મુંબઇની આત્માને આતંકવાદીઓએ નુકસાન પહોંચાડવા કરેલા તે નાપાક પ્રયાસને હવે 13 વર્ષો વીતી ગયા છે છતાં તે લોહિયાળ રાત દુઃસ્વપ્ન બની સતાવે છે.

અનેક જગ્યાઓ પર હુમલો

મુંબઈમાં ઘુસેલા આતંકવાદીઓ એ તે રાત્રે ખૂની ખેલ ખેલ્યો હતો. છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન ઉપરાંત આતંકીઓએ તાજ હોટલ, હોટલ ઓબેરોય, લિયોપોલ્ડ કેફે, કામા હોસ્પિટલ અને દક્ષિણ મુંબઈની અનેક જગ્યાઓ પર હુમલો શરૂ કર્યો હતો. મધ્યરાત્રિ સુધીમાં મુંબઈના ઘણા વિસ્તારોમાં હુમલાઓ થઈ રહ્યા હતા. શહેરમાં ચાર સ્થળોએ એન્કાઉન્ટર ચાલી રહ્યા હતા. પોલીસ ઉપરાંત અર્ધ સૈનિક દળો પણ આતંકવાદીને રોકવા જોડાયા હતા.

ઘણા બધા સ્થળો પર થયેલા આ હુમલાથી બધાએ આશ્ચર્યચકિત કર્યા હતા. આને કારણે આતંકવાદીઓની સંખ્યાનો અંદાજ કાઢવો મુશ્કેલ હતો. મુંબઇમાં લગભગ 60 કલાક સુધી લોહિયાળ રમત રમતી વખતે 10 આતંકવાદીઓએ 164 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને સેંકડો ઘાયલ થયા હતા.

Screenshot 1 17

મુંબઇ શહેર આતંકીઓ દ્વારા હચમચી ઉઠ્યું હતું. તેણે સર્વત્ર અંધાધૂંધી ઉભી કરી હતી. ગભરાટ અને મૃત્યુનો ભય શહેરના દરેક ભાગમાં સ્પષ્ટ જોઇ શકાયો હતો. પોલીસ અને સુરક્ષા દળોએ મુંબઇમાં 11 સ્થળોએ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી હતી. આતંકવાદીઓ 26 નવેમ્બરના રોજ દરિયાની એક બોટ પરથી ભારતમાં પ્રવેશ્યા હતા. પોલીસે બળી ગયેલી બોટને પણ બહાર કાઢી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.