Abtak Media Google News

બાણશય્યા પર સૂતેલા ગંગાપૂત્ર ભીષ્મ પિતામહે કૌરવ-પાંડવોને શિખામણનાં કહેલા અંતિમ વચનોની યાદ આપતી મકર સંક્રાંત (પતંગના પર્વ)ના થનગનાટ: પક્ષીઓની પાંખો કાપતા દોરાઓ વાપરવામાં ઘોર પાપ !

દેશ આકરા સમયમાંથી પસાર થતો હોવાનો ખૂદ સુપ્રીમ કોર્યનો એકરાર! પ્રજાસત્તાક-દિનની ઉજવણી માટેની હોંશનો અભાવ ! વિશ્ર્વ શાંતિ અને વિશ્ર્વ યુધ્ધ વચ્ચે તીવ્ર સ્પર્ધા પ્રતિ માનવજાતની મીટ: શાંતિના પારેવાંની ભીતરમાં ઘેરો ફફડાટ: ચબૂતરાના અજબ જેવો માહોલ: પતંગ પ્રવીણો ઉત્સવ ઘેલા !

 

ગુજરાત-રાજકોટના ગઝલ સમ્રાટશ્રી અમૃત ‘ઘાયલ’એ વર્ષો પહેલા લખ્યું હતુ. ‘કહે છે રંગમાં આવો, પરંતુ રંગ એ લાવી નથી શકતો, પડી છે બેડીઓ એવી કે ખખડાવી નથી શકતો…’

તેમની જ એક બીજી ગઝલપંકિત અત્યારે યાદ આવે છે.

‘ભરી દરબાર બેઠો છું, છતા ભેંકાર લાગે છે, સકળ સંસાર ભૂતાવળતણો ઓથાર લાગે છે !’…..

આપણા દેશના એક મહત્વના તહેવાર મકરસંક્રાંત-ઉત્તરાયણ’ના આગમનના પડઘા બેસી ગયા છે. આ તહેવારની એક બીજી ઓળખ છે પતંગ પર્વ ‘પતંગો’નો એક ઈતિહાસ છે.

આ ઈતિહાસ રોમાંચક છે.

કેટલાય પતંગ રસિયાઓએ પતંગોને અવનવા આકાર આપવામાં, એને નવાં નવા સ્વરૂપો આપવામાં અને રંગરંગીલા બનાવવામાં તેમના ભેંજાને કામે લગાડયા છે.

પતંગો અને દોરાનું એક જબરૂ માર્કેટ છે. તે ભલે મોટો ગૃહ ઉદ્યોગ સમું રહ્યું છે, પણ એમાં કરોડો રૂપિયાનું ‘ટર્નઓવર’ થાય છે. પતંગોની દુનિયા છેક, તાપાન, ચીન, હોંગકોંગ અને જયાં જયાં ગુજરાતી સમાજની અવનવી ભાત પ્રવર્તે છે. ત્યાં સઘળે વ્યાપ્ત છે.

પતંગની પતંગપ્રિય માણસો સાથે જબરી આત્મીયતા છે. નાના બાળકો, કિશોરો અને યુવાનો પતંગોની દુનિયા સાથે ઓતપ્રોત રહે છે.

પતંગોની ઋતુ તા.૧૪મી જાન્યુઆરી મકરસંક્રાત-ઉત્તરાયણથી શરૂ થાય છે. પરંતુ એનો ઉત્સવભીનો થનગનાટ તો અગાઉથી શરૂ થઈ જાય છે. પતંગો અને દોરાઓની તૈયારી તો ઘણે ભાગે બારેમાસ રહે છે.

મૂસ્લીમોનો એક મોટો વર્ગ આ ધંધામાં પરોવાયો છે. અને તેના કુટુંબીઓ પણ તેમની આવડત મુજબ એમાં ઓતપ્રોત રહે છે.

પતંગોત્સવનાં દિવસે લાખો લોકો તેમના ઘરની અગાસીઓ પર અને ખૂલ્લાં મેદાનોમાં પહોચી જાય છે. અને ગીત-સંગીત તેમજ ખાણીપીણીની ચીજો આરોગતા આરોગતા પતંગોની મોજ માણે છે.

અહી એક અતિ કરૂણાજનક બાબત એ છે કે, કાચ પાયેલા અને બીજાઓનાં પતંગોને કાપી શકે તથા સ્પર્ધા કરી શકે એવા દોરાઓ આકાશમાં ઉડતા અને સવારે પોતાના માળાઓ (ઘર)માંથી બહાર નીકળે ત્યારે અને સાંજને વખતે માળાઓમાં પાછા ફરે ત્યારે પતંગોની સાથે અથડાઈ જાય છે. એ વખતે પતંગોના કાચ પાયેલા દોરા વડે એમની પાંખો કપાઈ જાય છે.

પંખીઓનાં સર્જનહાર પણ પરમેશ્ર્વર હોય છે.એમ આપણો સમાજ માનતો રહ્યો છે. પંખીઓની કપાતી અને લોહીથી ખરડાતી પાંખોની પીડા તેઓ વેઠી શકતા નથી. આવી અથડામણમાં પક્ષીઓ મરી જતા પણ હોય છે.

માણસો-મનુષ્યોની મોજમજા માટે પક્ષીઓ તેમના કશાજ વાંક કે દોષ વિના પક્ષીઓનાં અકાળે મૃત્યુ થાય એમાં જેવું તેવું પાપ નથી જે કાંઈ ઈશ્ર્વરને નગમે એવું કાંઈપણ કરીએ ત્યારે ‘પાપ’ થયા વિના રહેતું નથી જે કોઈ એવું કશું જ ખોટુ ન થવા, દે તે પૂણ્ય પામે છે. એવું આપણા ધર્મગ્રંથોમાં દર્શાવાયું છે. પાંજરાપોળો જીવદયાનું ઘણુ મોટુ કામ કરે છે, એમાં આપણે તન-મન-ધનથી સાથ-સહાય આપવા જોઈએ, એવું દયાભીનું કારૂણ્યા દાખવવું એ ઈશ્ર્વરને ગમતું પૂણ્યનું કાર્ય છે. મકરસંક્રાંતનું પર્વ પૂણ્યપર્વ છે. દાનપૂણ્યનો મહિમા ગાતું આ પર્વ છે.

અત્યારે આપણો દેશ આકરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. એવી ટકોર ખૂદ સુપ્રીમ કોર્ટે કરી છે. અને હિંસક વાતાવરણ ન સુધરે કોર્ટની કાર્યવાહી નહિ કરવાનું તેમણે જણાવી દીધું છે ?

મકરસંક્રાંતીના પર્વના દિને મૃત્યુ પામે તે નિશ્ર્ચિત મોક્ષ પામે છે. એવું હિન્દુધર્મમાં પ્રસ્થાપિત થયું છે. ગંગાપુત્ર દેવવ્રત-ભીષ્મપિતામહને ઈચ્છામૃત્યુનું વરદાન મળ્યું હતુ મહાભારતનાં યુધ્ધમાં અર્જુનના બાણવડે તેઓ વિધાયા હતા એ વખતે પ્રાણ જાય તેના બદલે તેમણે મોક્ષગતિ પામવા ઈચ્છા મૃત્યુના વરદાનનો ઉપયોગ કર્યો હતો અને સૂર્ય મકરરાશિમાં પ્રવેશે ત્યાં સુધી, એટલે કે ઉત્તરાયણ સુધી ટકી રહેવા તેમણે અર્જુનને બાણ-શૈયા (બાણોની પથારી કરીને તેના ઉપર સૂવડાવવાની લાગણી વ્યકત કરી હતી.

વચ્ચેના સમયકાળમાં યુધિષ્ઠિર અને અન્ય કુટુંબીઓએ તેમની નીકટમાં રહીને તેમના રાજનીતિ અંગેના અને ધર્મકર્મના વચનામૃતો સાંભળ્યા હતા.

ભાઈ-ભાઈ પોતાનો રાજભાગ મેળવવા, રાજગાદી મેળવવા યુધ્ધે ચઢે તે વાતે તેમણે અણગમો દર્શાવ્યો હતો. યુધ્ધ અને તેને લીધે થતા મહાવિનાશને તેમણે ધિકકાર્યો હતો. દ્રૌપદીનાં વસ્ત્રાહરણ સુધીની મતિભ્રષ્ટતાને મહાપાપનાં પરિણામ સમી ગણાવી હતી અને ભવિષ્યમાં કદાપિ આવી ધૃષ્ટતાનું પરિવર્તન નહિ જ થાય એવી પ્રતિજ્ઞા લેવાનો પડઘો પાડયો હતો. તેમણે યુધ્ધના ઓથાર વખતે એની નૈતિકતા પૂરેપૂરી જળવાય એ જોવાનો બોધ આપ્યો હતો.

યુધ્ધખોરો શ્રી કૃષ્ણને ઓળખી ન શકયા અને તેમની સમજાવટને સાચી રીતે પારખી ન શકયા એને કમનશીબ ગણાવી અને તેને માટે મતિભ્રષ્ટતાને કારણભૂત ગણાવીને એવા અંતિમ શબ્દો કહ્યા હતા કે, મતિભ્રષ્ટતા સર્વનાશ નોતરશે, એ ન ભૂલતા.

મકરસંક્રાંતિના પર્વની ઉજાણી અને પતંગોત્સવની મોજમજા તથા ઉન્માદમાં ભીષ્મપિતામહનો આ સંદેશ આપણે ન ભૂલીએ એમાં જ દેશનું અને માનવજાતનું ભલું ગણાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.