ઠાકોર સાહેબ માંધાતાસિંહજીના રાજયાભિષેકનો નગરજનોમાં અભૂતપૂર્વ ઉત્સાહ

રાજકોટના ૧૭માં રાજા તરીકે માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાની ૩૦મીએ શાસ્ત્રોકત વિધિથી રાજતિલક વિધી: રણજીતવિલાસ પેલેસમાં ર૭મીથી વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ

રાજકોટના ૧૭ના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાની તા.૩૦ને વસંત પંચમીના શુભ દિવસે રાજતિલક વિધી યોજાશે. જે અંતર્ગત રાજવી પરિવારના યુવરાજ સાહેબ જયદીપસિંહજીએ ‘અબતક’ મીડીયા હાઉસના મેનેજીગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે મુલાકાત લઇ રાજયાભિષેક અંતર્ગત યોજનાર વિવિધ કાર્યક્રમની રુપરેખા વર્ણવી હતી. આ તકે દિવ્યરાજસિંહ ગોહિલ, બહાદુરસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા અને રૂષિકેશ દેવમુરારી ઉ૫સ્થિત રહ્યા હતા.

રાજકોટના સત્તરમાં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાનું રાજતિલક અને રાજયાભિષેક ભવ્ય અને અભુતપૂર્વ રીતે તા.૩૦મી જાન્યુઆરીએ થવાના છે. આ અવસરે અનેક આયોજનો પણ છે. રાજકોટ રાજયમાં જ નહીં સમગ્ર દેશમાં રાજયાભિષેકનો આટલો મોટો ઉત્સવ નજીકના ભૂતકાળમાં ઉજવાયો નથી. એટલો ભવ્ય આ ઉત્સવ થવાનો છે. પરંતુ રાજકોટ રાજયના અગાઉના ઠાકોર સાહેબોની રાજતિલક વિધિ તો આ પહેલા પણ થઇ હતી. રાજકોટ રાજપરિવારે શાસ્ત્રોકત વિધી અને એ તમામ પરંપરાને માન હંમેશા આપ્યું છે.

ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજાનું અવસાન થયું એ પછી તા.ર૭મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે માંધાતાસિંહજી જાડેજા પારિવારિક રિવાજ અનુસાર ઠાકોર સાહેબની  ગાદી પર તો બિરાજી જ ગયા હતા હવે ધાર્મિક પરંપરા મુજબ એમનો રાજયાભિષેક અને તિલક વિધિ  રાજકોટની પ્રજા અને નિમંત્રીત મહાનુભાવોની વચ્ચે થઇ રહી છે. તા.ર૭મી જાન્યુઆરીથી વિવિધ કાર્યક્રમો શરુ થવાના છે ક્ષત્રીય ભાઇઓ-બહેનોના તલવાર રાસ, રણજીત વિલાસ પેલેસમાં જયોતિ પર્વ ઠાકોર સાહેબની નગર યાત્રા, જળયાત્રા, અને રાજયાભિષેક નિમિતે મહાયજ્ઞનો તો થવાનો છે.

રાજતિલક વિધિમાં સંતો, મહંતો અને ભાયાતો વિન્ટેજ કાર અને બગીમાં નગરયાત્રા

તલાવર રાસ અને દીપ પ્રાગટય વિક્રમ સર્જવાનો પ્રયાસ અને લોકડાયરો સહીત અનેક વિધ કાર્યક્રમો યોજાશે

રાજકોટ રાજવી પરિવારને ભવ્ય ભુતકાળ અને ઉજજવળ ઇતિહાસ ધરાવે છે. ત્યારે રાજકોટના ૧૭માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ ની રાજતિલક વિધી આગામી તા. ૩૦ જાન્યુઆરીને વસંત પંચમીએ યોજાવાની છે. જેમાં રણજીત વિલાસ ખાતે તા. ર૭ જાન્યુઆરીએ સાંજે દેહ શુઘ્ધી, દેહ વિધિ સ્નાન, વિષ્ણુ પુજન પ્રાયશ્ર્તિ વિધી થશે. જયારે તા. ર૮મી જાન્યુઆરીએ મંગળવારના રોજ સવારે ૯ થી ૧ કલાક રાજતિલક નિમીતે મહાયજ્ઞનો પ્રારંભ માતૃકા પુજન, અરણી મથન દ્વારા અગ્નિ સ્થાપન જયારે બપોરના ૩ થી ૬.૩૦ કલાકે મહાયજ્ઞનો મંત્રોનો પ્રધાન હોમ, જળયાત્રા અને સાંય પૂજન ધાર્મિક સાથે વિધિ યોજાશે. તા.ર૮મી જાન્યુઆરીના બપોરના ૧ર થી ર કલાક દરમ્યાન ક્ષત્રીય દિકરા-દિકરીઓ પરંપરા અને શૌર્યના નિદર્શન સમા તલવાર રાસ યોજી અને વિક્રમ સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવશે.

તા.ર૮મી જાન્યુઆરીએ બપોરના ૩.૩૦ થી સાંજના ૬.૩૦ કલાકે ભવ્ય અને ઐતિહાસિક નગરયાત્રા, વિન્ટેજ કાર, જુની બગીચો, ઘોડા, હાથી અને બળદ ગાડા સાથે ઢોલ, બેન્ડ અને શરણાઇની સુરાવેલી સાથે પેલેસ રોડ, કેનાલ રોડ, ભુતખાના ચોક, માલવીયા પેટ્રોલ પંપ, યાજ્ઞીક રોડ, જીલ્લા પંચાયત ચોક, લીંબડી ચોક, અને ભુપેન્દ્ર રોડ થઇ પેલેસ ખાતે સમાપન થશે. આ નગર યાત્રામાં સંતો મહંતો અને ભાયાતો પણ બગી અને વિન્ટેજ કારમાં બિરમાજમાન થશે.

તા.ર૯મી જાન્યુઆરીએ સવારે ૮.૩૦ કલાકે પુજન વિધી, સંઘ્યા, સુર્યદેવને અર્ઘ્ય, ચારેય વેદોમાંથી મહાયજ્ઞ માટેના મંત્રોચ્ચાર:, રાજકોટના રાજયનું  રાજ ચિંન્હ પર સાત હજાર દીપ પ્રાગટય કરી વિશ્ર્વ વિક્રમ સર્જવાનો પ્રયાસ કરવામાં આવશે. તા.૩૦મી જાન્યુઆરીએ સવારે ૧૦ થી ર કલાકે રાજયભિષેક તથા રાજતિલક મહોત્સવ અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય લોકડાયરો યોજાશે. આ ઐતિહાસિક રાજતિલક વિધીમાં મોટી સંખ્યામાં રાજવીર પરિવારો ઉ૫સ્થિત રહી અવસરના સાક્ષી બનશે. આ તકે રાજમાતા માનકુમારી દેવી અને રાજકોટના રાજ પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રાજકોટના કયાં રાજા કયારે આ ગાદી પર બિરાજમાન થયાં

રાજકોટના વિકાસની ખરી યાત્રા જેમના સમયમાં શરુ થઇ તે બાવાજીરાજ બાપુ છ વર્ષની વયે રાજકોટના ઠાકોર સાહેબ બન્યા હતા. ઇ.સ. ૧૮૬૨ થી ૧૮૯૦ એમણે રાજકોટની ગાદી સંભાળી હતી. રાજકોટના પ્રજાવત્સલ રાજવી ઠાકોર સાહેબ લાખાજીરાજ તા. ૧૧ એપ્રિલ ૧૮૯૦ ના રોજ ગાદીએ બેઠા હતા અને ૧૯૩૦ સુધી ગાદી પર રહ્યા. ધર્મેન્દ્રસિંહજી ૧૯૩૦ થી ૧૯૪૦ રાજકોટના ઠાકોર સાહેબ રહ્યા. તેમના કોઇ વારસદાર ન હોવાથી તેમના અવસાન પછી લધુબંધુ પ્રદયુમનસિંહજી ૧૯૪૦ માં ગાદી પર બિરાજયા તે ૧૯૭૩ સુધી ગાદીનશીન રહ્યા. એમની વિદાય બાદ એમના જયેષ્ઠ પુત્ર ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા ૧૯૭૩ માં ગાદીએ બિરાજયા અને ૨૦૧૮માં એમનું નિધન થયું હતું. લાખાજીરાજ બાપુની તિલક વિધિ વખતે પણ બ્રાહ્મણોને દાન અપાયા હતા. પૂજા વિધિ વગેરે થયું હતું. તો ધર્મેન્દ્રસિંહજી જાડેજાની તિલક વિધિ નીમીતે દરબારગઢમાં ખાસ સમિયાણો બંધાયો હતો અને જામનગર સ્ટેટ બેન્ડ અને ગાર્ડ ઓફ ઓનરે સલામી આપી હતી. ઠાકોર સાહેબ પ્રદ્યુમનસિંહજીની તિલક વિધી પણ રાજય પુરોહિતના મંત્રોચ્ચાર ભાયાતોની ઉ૫સ્થિતિમાં કરવામાં આવી હતી. ધાર્મિક પરંપરા અને પારિવારિક રિવાજનું પાલન તો દરેક વખતે થયું જ હતું. સમયાનુસાર રજવાડાના ઠાઠ પણ એ સમયના લોકોએ જોયા હતા  પરંતુ માંધાતાસિંહજીનો રાજયાષિકે તો પ્રજાનો ઉત્સવ બની રહે એ રીતે યોજાઇ રહ્યો છે.

Loading...