Abtak Media Google News

રૂ.૨૫૦માં ત્રણ થાળી હોમ ડીલીવરીની લોભામણી સ્કીમના ઓઠા તળે ભેજાભાજે કરી કળા

લોભામણી અને લલચામણી લાલચ દઇ છેતરપિંડી કરતા ભેજાબાજ શખ્સે શહેરની ઠાકર લોજને ટાર્ગેટ બનાવી એક થાળીના રૂા.૨૫૦ની સાથે બે થાળી ફ્રી અને હોમ ડીલીવરીની સ્કીમના આધારે છેતરપિંડી થયાનું પોલીસમાં નોંધાતા સાઇબર ક્રાઇમના સ્ટાફે તપાસ હાથધરી છે.

ભેજાબાજ શખ્સે ફેશબુક ફેક પેઇઝ બનાવી સ્વાદના શોખીનો આકર્ષિત કરવા રૂા.૨૫૦માં ત્રણ થાળી અને ફ્રીમાં હોમ ડીલીવરીની સ્કીમ બતાવી હતી. સ્વાદના શોખીનો ફોન કરે ત્યારે તેને ગુગલ પેટીએમ, પેટીએમની ઓનલાઇન બેન્ક એકાઉન્ટની છેતરપિંડી કરતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ઓર્ડર લખાવનાર પાસે રૂા.૨૫૦ જમા કરાવે ત્યારે તેને ફોન કરી ઓટીપી કોડ મેળવી રૂા.૨૫૦ના બદલે વધારે રકમ ઉપાડી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ઠાકર લોજમાં ઓર્ડર લખાવ્યા બાદ કલાકો સુધી હોમ ડીલીવરી ન મળે ત્યારે ભોજનની રાહમાં રહેલી વ્યક્તિ જ્યુબીલી ખાતેની ઠાકર લોજનો સંપર્ક કરે ત્યારે તેની સાથે છેતરપિંડી થયાનું જાણવા મળતું હતું.

કોરોનાના કારણે લોક ડાઉન જાહેર થયું ત્યારથી જ ઠાકર લોજ બંધ હોવાનું અને લોજ બંધ હોવાના લખાણ સાથેનું બોર્ડ પણ બહાર લગાવવામાં આવ્યું છે. તેમ છતાં ભેજાબાજ દ્વારા કોરોના બંધનો લાભ ઉઠાવી હોમ ડીલીવરી કરી આપવાના ઓઠા તળે અને લોભામણી સ્કીમથી લલચાવીને છેતરપિંડી કરતા શખ્સ સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે સાધુ વાસવાણી રોડ પર રહેતા ડેકોરા ઉત્સવ પાસે રહેતા વનરાજભાઇ એન ઠાકરે પોલીસમાં લેખિત ફરિયાદ આપતા સાઇબર ક્રાઇમના પી.આઇ. બી.એમ.કાતરીયા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે. પોલીસની તપાસ દરમિયાન ભેજાબાજ શખ્સે આ પહેલાં અમદાવાદની ગોપી હોટલનું પણ ફેશબુક પર ફેક પેઇજ મુકી છેતરપિંડી કર્યાનું સામે આવ્યું હતુ. આ અંગે અમદાવાદ એલીસ્બ્રીજ પોલીસમાં ગુનો નોંધાયાનું જાણવા મળે છે. ભેજાબાજ શખ્સે ૧૯ માર્ચથી ઠાકર લોજનું ફેશબુક પર ફેક પેઇજ બનાવી મોરબી, રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાનો વનરાજભાઇ ઠાકર દ્વારા આક્ષેપ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.