Abtak Media Google News

પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરી લેવા અધિકારીઓને આદેશ આપતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની.

રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર  બંછાનિધિ પાનીના અધ્યક્ષ સ્થાને આજે તા.૧-૫-૨૦૧૯નાં રોજ તમામ શાખાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં વિવિધ શાખાઓએ શરૂ કરેલી અને હવે હાથ ધરવાની થતી અન્ય કેટલીક કામગીરી તા.૩૦-૫-૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરી લેવા કમિશનરએ આદેશ કર્યો હતો. આ બેઠકમાં ડેપ્યુટી કમિશનરઓ  સી.કે. નંદાણી અને  ચેતન ગણાત્રા પણ ઉપસ્થિત હતાં.

આ મિટિંગ અંગે વાત કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા. ૩૦-મે, ૨૦૧૯ સુધીમાં શહેરના તમામ વોંકળા, ડ્રેનેજ મેનહોલ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ  મેનહોલની સફાઈનું કાર્ય પૂર્ણ કરી લેવા સંબંધિત શાખાધિકારીઓને સૂચના આપેવામાં આવેલ છે.

આ ઉપરાંત વોંકળામાં જળ પ્રવાહને અવરોધરૂપ જણાતા દબાણ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે.  જ્યારે સેન્સિટીવ એરિયા અને લોલાઈન એરિયામાં વરસાદી પાણીનો ભરાવો નાં થાય એ માટે અત્યારથી જ આવશ્યક તમામ પગલાં લેવામાં આવશે, જેમાં કામચલાઉ દબાણો પણ હટાવી દેવામાં આવશે. સાથોસાથ શહેરમાં જ્યાં ક્યાંય પણ  ભયગ્રસ્ત ઈમારતો હોય તેવા કિસ્સાઓમાં જાનહાની ન થાય તે માટે તાત્કાલિક નોટીસ ઇસ્યુ કરી આવું બાંધકામ તાકીદે દૂર કરવા આદેશ કરાયો છે.

વધુમાં કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં ચાલી રહેલ ખોદાણ કામ અને પુરાણ કામ બંને સાથોસાથ ક થતા આવે તે પ્રકારે કામગીરી આગળ ધપાવવા સિટી એન્જીનીયરઓને જણાવાયું છે. શહેરમાં રહેલા હોર્ડિંગ સ્ટ્રક્ચરની મજબુતી ચકાસવા અંગે એસ્ટેટ શાખાને જરૂરી સંકલન કરવા જણાવવામાં આવ્યું હતું. સાથે સાથે રોશની શાખાનાં અધિકારીને પી.જી.વી.સી.એલ. સાથે સંકલન કરી પાવર સપ્લાય અને સ્ટ્રીટ લાઈટ સંબંધી સંકલન કરી લેવા જણાવાયું છે.

દરમ્યાન મ્યુનિ. કમિશનરએ હાયર એન્ડ ઈમરજન્સી ડીપાર્ટમેન્ટનાં રાહત બચાવની કામગીરી માટેના તમામ વાહનો અને અન્ય સાધનો તૈયાર રાખવા ચીફ ફાયર ઓફિસરને સૂચના આપી હતી. શહેરના પોલીસ, એસ.આર.પી., હોમગાર્ડ અને સ્વિમિંગ પૂલના તરવૈયાઓની નામ સરનામાં અને સંપર્ક નંબર સાથેની એક યાદી તૈયાર રાખવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત એસ.આર.પી. ગ્રુપ-૧૩ની એક ટીમને ખાસ ડિઝાસ્ટર અંગેની તાલીમ આપી તૈયાર રાખવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.