Abtak Media Google News

કેકેવી ચોક ખાતે અન્ડરબ્રીજ બનાવવા પણ ટેન્ડર પ્રસિઘ્ધ કરાશે: મવડી અને રૈયા ઓવરબ્રીજનું ડિસેમ્બરમાં કામ પૂર્ણ

શહેરની ભાગોળે સેકન્ડ રીંગ રોડ પર મહાપાલિકા દ્વારા રેસકોર્સ-૨ અને અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેને ડેવલપ કરવા માટે રૂ.૧૦૦ કરોડના પ્રોજેકટનું આગામી સપ્તાહે ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત કેકેવી ચોક ખાતે આકાર લેનાર અંડરબ્રીજ માટે પણ ટુંક સમયમાં ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવશે તેમ આજે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.

તેઓએ ઉમેર્યું હતું કે, રેસકોર્સ-૨ અને અટલ સરોવરને ડેવલોપ કરવા માટે રૂ.૪૦ કરોડના ખર્ચનો અંદાજ હતો જોકે અહીં ૧૦૦ કરોડથી પણ વધુનો ખર્ચ થવાનો અંદાજ છે. રેસકોર્સ-૨ને ડેવલોપ કરવા માટે ટુંક સમયમાં ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવશે.

જેમાં ૧.૬૧ લાખ ચો.મી. પથરાયેલા રેસકોર્સ-૨માં એમપી-૩ થીયેટર, ટોયટ્રેન, ફેરીઝ જાયન્ટ વીલ, લેશર શો, આઈલેન્ડ, ચાર અલગ-અલગ ગાર્ડન, ફુવારા અને બે એન્ટ્રી ગેટ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. અહીં સિનીયર સીટીઝન પાર્ક, ફુડ કોટ અને પાર્ટી લોન્ચની સુવિધાઓ પણ ઉભી કરાશે. ૧૦૦ કરોડના આ પ્રોજેકટ બીઓટી અથવા પીપીપીના ધોરણે હાથ ધરવામાં આવશે. જેના કારણે મહાપાલિકા પર વધુ આર્થિક ભારણ ન આવે.

રેસકોર્સ-૨ ઉપરાંત શહેરના કાલાવડ રોડ પર કેકેવી ચોક ખાતે મહાપાલિકા દ્વારા અંડરબ્રીજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેના માટે પણ આવતા સપ્તાહે ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવશે. જયારે સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બ્રીજ બનાવવાની કામગીરી માટે હાલ પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. મવડી અને રૈયા ચોકડી ખાતે આકાર લઈ રહેલા ફલાય ઓવરબ્રીજનું કામ આગામી ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ જાય તેવી સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.