ભકતો વિના મંદિર પડયા સુના: સૌરાષ્ટ્રમાં સાદગીથી ઉજવાયો હનુમાન જન્મોત્સવ

75

નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા

ભકતો માટે મંદિરો બંધ: ઘેર બેઠા કર્યું પૂજન: સાળંગપુર, પોરબંદર, જોડિયા, ઓખા બેટ સહિત રાજકોટનાં તમામ પ્રસિઘ્ધ હનુમાન મંદિરો બંધ: માત્ર સંતોએ કરી આરતી: ભાવિકોએ યુ-ટયુબ અને ટીવી ચેનલોના માધ્યમથી મંગળા આરતી, શણગાર, અભિષેક, અન્નકુટ સહિતના લાઈવ દર્શન નિહાળ્યા: બટુક ભોજનને બદલે ગરીબોને બુંદિ-ગાંઠિયાનું થયું વિતરણ: વિશ્ર્વ કલ્યાણ અર્થે ભાવિકોએ પવનપુત્રને કરી પ્રાર્થના

આજે વિક્રમ શક સવંત મુજબ ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિ. આજના પાવન મંગલમય દિવસે હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો. ભગવાન શિવે પોતાના ૧૧માં રૂદ્રના અવતારમાં હનુમાનજી મહારાજ બનીને જન્મ લીધો હતો. કહેવાય છે કે, બજરંગ બલી પોતાના ભકતોની પ્રાર્થના જલ્દીથી સાંભળે છે. આપણા ગુજરાતમાં હનુમાન જયંતિનું વિશેષ મહત્વ છે ત્યારે આજે ખાસ કરીને સુર્યોદયથી સુર્યાસ્ત સુધી ચિત્રા નક્ષત્રના યોગ વચ્ચે હનુમાન જયંતિ મનાવાશે. કહેવાયું છે કે, નાસે રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમંત બીરા. પ્રવર્તમાન સમયમાં કોરોનાની મહામારી ભારત સહિત વિશ્ર્વભરમાં ફેલાઈ રહી છે ત્યારે આ મહામારીમાંથી મુકિત મેળવવા આજના પાવન દિવસે શહેરોનાં તમામ મંદિરો બંધ હોવાને કારણે ભાવિકો ઘેર બેઠા જ પુજા, ઉપાસના અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હનુમાન ચાલીસા ચોપાઈ કરવાથી બધી જ બિમારી અને રોગ મુસીબત દુર થાય છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સાદગીપૂર્ણ ઉજવણી કરાઈ. કોરોનાનું સંક્રમણ અટકાવવાના ઉદેશ્યથી હરિભકતોને મંદિરમાં પ્રવેશ નિષેધ હોવાથી માત્ર સંતો દ્વારા જ મંદિરોમાં પુજન-અર્ચન થયું હતું. ભાવિકોએ મંગળા આરતી, શણગાર આરતી, અભિષેક દર્શન, અન્નકુટ દર્શનના યુ-ટયુબના માધ્યમથી ઓનલાઈન તેમજ ચેનલોના માધ્યમથી ઘેર બેઠા દર્શનનો લાભ લીધો. જયારે લોકડાઉનના કારણે ભારત વર્ષનાં તમામ મંદિરોનાં તમામ ધાર્મિક કાર્યક્રમો મુલત્વી રખાયા છે. ભકતજનોએ ઘેર બેઠા સુંદરકાંડ સહિતના પાઠ કરી કોરોનાથી ઉગારી વિશ્ર્વ કલ્યાણ કરવા અંજની પુત્રને પ્રાર્થના કરી હતી.

Loading...