રાજ્યભરમાં બપોરે ગરમી સાથે બફારાથી તાપમાનનો પારો ઉંચકાયો

અમરેલીનું ૩૭, રાજકોટનું ૩૬.૮, કેશોદ-જુનાગઢનું ૩૬.૬ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું

રાજ્યમાં હજુ શિયાળાની વિધિવત વિદાય બાકી છે તે પહેલાં જ ઉનાળા ઋતુનું આગમન થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રી તો મહતમ તાપમાન ૩૭ ડિગ્રી સુધી પહોંચી ગયું છે જેને લીધે બપોરે ગરમી સાથે બફારાથી જનતા અકળાઈ ઉઠી છે.

ચાલુ વર્ષે શિયાળામાં તાપમાનનો પારો સીંગલ ડિજિટમાં પહોંચી ગયો હતો. ઉતરતા શિયાળાના આકરા મીજાજથી ગાત્રો થીજવતી ઠંડી પડ્યા બાદ ફેબ્રુઆરી માસમાં ડબલ ઋતુમાં ઠંડી ગાયબ થઈ ગઈ છે. છેલ્લા ૩ દિવસોથી બપોરે ગરમીનું પ્રમાણ વધતા ગારમીથી બચવા પંખા, કુલર અને એ.સી ઓન થયા છે સાથે ઠંડા પીણાં, સરબત અને આઈસ્ક્રીમનું વેંચાણ પણ વધી રહ્યું છે.

છેલ્લા ચાર દિવસથી અવિરત પણે ઉચકાતા લઘુતમ તાપમાન વચ્ચે મિશ્ર ઋતુના ચાલતા માહોલમાં ૨ દિવસથી તો શિયાળાએ વિધિવત રીતે વિદાય લઇ લીધી હોય તેવું લાગી રહ્યું છે.

રાજ્યના વિવિદ્ય શહેરોના મહતમ તાપમાનની વાત કરવામાં આવે તો, અમદાવાદનું મહતમ તાપમાન ૩૫.૩ ડિગ્રી, ડીસાનું ૩૪.૬ ડિગ્રી, વડોદરાનું ૩૬.૧ ડિગ્રી, સૂરતનું ૩૬.૯ ડિગ્રી, રાજકોટનું ૩૬.૮ ડિગ્રી, કેશોદ-જૂનાગઢનું ૩૬.૬ ડિગ્રી, પોરબંદરનું ૩૬ ડિગ્રી, દ્રારકાનું ૩૫.૩ ડિગ્રી, ભુજનું ૩૬.૮ ડિગ્રી, નલિયાનું ૩૬ ડિગ્રી, અમરેલીનું ૩૭ ડિગ્રી, મહુવાનું ૩૬ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું.

શિયાળાની ઋતુમાં ઠંડીના બદલે ગરમી વધતા ગરમ વસ્ત્રો ફરી પાછા કબાટમાં ગોઠવાઈ ગયા છે. સવાર-સાંજ રાત્રીના સામાન્ય ઠંડક અને બપોરે કાળઝાળ ગરમી વધતા ડબલ ઋતુમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. ગરમીનો અનુભવ થતા બપોર આકરી બની છે ઉનાળાના આરંભે જ આક્રમક ગરમી રહેવાના સંકેત છે.

Loading...