રાજકોટમાં ટીમ ઈન્ડિયાનો ‘વિરાટ’ વિજય

65

પ્રથમ ટેસ્ટમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને એક ઈનીંગ અને ૨૭૨ રને કારમો પરાજય આપ્યો

ટેસ્ટમાં ડેબ્યુ કરનાર સદી‘વીર’ પૃથ્વી શૉ ‘મેન ઓફ ધ મેચ’

અઢી દિવસમાં ટેસ્ટ પૂણ

ભારતીય બોલરોએ ૬ કલાકમાં વિન્ડીઝની ૧૪ વિકેટો ખેડવી

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બે ટેસ્ટ પૈકીની પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની સેનાએ અઢી દિવસમાં જ વિરાટ વિજય હાંસલ કરી લીધો છે. ભારતે રાજકોટ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝની એક ઈનીંગ અને ૨૭૨ રને કારમો પરાજય આપ્યો છે. બેટસમેનો માટે પેરેડાઈઝ રાજકોટની વિકેટ પર ભારતના બોલરોએ આગ ઝરતી બોલીંગ કરી હતી અને માત્ર ૬ જ કલાકમાં વેસ્ટ ઈન્ડિઝની ૧૪ વિકેટો ખેડવી નાખી હતી. લોકલ બોય રવિન્દ્ર જાડેજાનું ઓલ રાઉન્ડ પર્ફોમન્સ ભારતના વિજયમાં મહત્વપૂર્ણ રહ્યું છે.

ગત ગુરુવારથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રાજકોટ ખાતે પ્રથમ ટેસ્ટ મેચનો આરંભ થયો હતો જેમાં ટોસ જીતી ભારતે પ્રથમ બેટીંગ લેવાનો નિર્ણય લીધો હતો. ઓપનર પૃથ્વી શો, સુકાની વિરાટ કોહલી અને લોકલ બોય રવિન્દ્ર જાડેજાની શાનદાર સદીના સથવારે ભારતે ૬૪૯ રનનો તોતીંગ જુમલો ખડકી પોતાનો દાવ ડિકલેર કર્યો હતો.

જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર ૧૮૧ રનમાં ઓલ આઉટ થઈ જતા આજે ટેસ્ટના ત્રીજા દિવસે ભારતના સુકાની વિરાટ કોહલીએ વિન્ડીઝની ટીમને ફોલોઓન કરી ફરી દાવમાં ઉતારી હતી. કેરેબીયન બેટસમેનો બીજા દાવમાં પણ ભારતીય બોલરોનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આજે બપોરે ચાના વિરામ બાદ તુરંત જ વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ માત્ર ૫૦.૫ ઓવરમાં ૧૯૬ રને ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં કુલદીપ યાદવે ૫, રવિન્દ્ર જાડેજાએ ૩ અને આર.અશ્ર્વિને ૨ વિકેટો ખેડવી હતી.

આમ પ્રથમ ટેસ્ટમાં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે એક ઈનીંગ અને ૨૭૨ રને શાનદાર વિજય થયો છે. બે ટેસ્ટની શ્રેણીમાં ભારતે ૧-૦ની લીડ હાંસલ કરી લીધી છે.

Loading...