ટીમ ઈન્ડિયાની દિવાળી ભેટ: વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-૨૦ શ્રેણી પણ જીતી

102

રોહિત શર્માની ચોગ્ગા-છગ્ગાની આતશબાજીથી મેદાન ચીચીયારીઓ ગુંજી ઉઠયું: ત્રણ મેચની સીરીઝમાં ૨-૦ની અજેય લીડ મેળવી

દિવાળીના તહેવારોમાં ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝને ટી-૨૦ શ્રેણીમાં પણ હરાવી ક્રિકેટરસીકોને દિવાળી ભેટ આપી છે. ગઈકાલે રોહિત શર્માની શાનદાર સદીથી ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝને રીતસરનું કચડી નાખ્યું હતું. ત્રણ મેચની સીરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમે ૨-૦ની લીડથી શ્રેણી કબજે કરી છે. ભારતનો વિન્ડિઝ સામેનો આ વિજય રનની દ્રષ્ટીએ સૌથી મોટો હતો.

ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ બેટીંગ લીધી હતી. રોહિત શર્માના ૧૧૧ અને ધવનના ૪૩ રનની મદદથી ભારતીય ક્રિકેટ ટીમે ૨૦ ઓવરના અંતે બે વિકેટ ગુમાવી ૧૯૫ રન બનાવ્યા હતા. ૧૯૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ૧૨૪ રન બનાવી શકી હતી. ૯ વિકેટ ગુમાવી હતી શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરો તદન નિષ્ફળ રહ્યાં હતા. શરૂઆતી ધબડકા બાદ વિન્ડિઝની ટીમ વાપસી કરવામાં અસફળ રહી હતી.

ભારતે ૨ વિકેટ ગુમાવી ૧૯૫ રનનો તોતીંગ સ્કોર ઉભો કર્યો હતો જેની સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમે ૯ વિકેટ ગુમાવી માત્ર ૧૨૪ રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીત્યો હતો પરંતુ બેટીંગ ભારતને સોંપી હતી. ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા અને શિખર ધવને ધીમી શરૂઆત કરી હતી. ૩ ઓવરમાં માત્ર ૧૧ રન જ બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ રોહિત શર્મા અને ધવનની જોડીએ ૧૦ ઓવરમાં ધડાધડ ૮૩ રનનો જુમલો ઉભો કર્યો હતો. ૧૩મી ઓવરમાં રોહિત શર્માએ પોતાની અર્ધી સદી પુરી કરી ભારતનો સ્કોર ૧૦૦ રનની પાર પહોંચાડી દીધો હતો. ટીમના ૧૨૩ રનના સ્કોર પર ધવનની વિકેટ પડી હતી. ત્યારબાદ રાહુલ અને રોહિતે ૪.૪ ઓવરમાં ૬૨ રનની ભાગીદારી નોંધાવી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, ભારતીય ઓપનર રોહિત શર્માએ ચોથી સદી ફટકારી વિશ્ર્વ રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્મા ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ચાર સદી ફટકારનાર વિશ્ર્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. અગાઉ કોલીન મુનરો અને રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં ૩-૩ સદી ફટકારી ચૂકયા હતા. રોહિત શર્મા ન્યુઝીલેન્ડના કોલીન મુનરોને પાછળ છોડયો છે. બીજી તરફ શિખર ધવનના ટી-૨૦ના હજાર રન પૂર્ણ થયા છે. આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં સર્વાધીક રનના મામલે રોહિત શર્મા બીજા સ્થાને પહોંચી ગયો છે. ૮૬ મેચની ૭૯ ઈનીંગમાં રોહિત શર્માએ ૨૨૦૩ રન ફટકાર્યા છે. રોહિત શર્માની આગળ ન્યુઝીલેન્ડનો ઓપનર માર્ટીન ગપતીલ છે. ગપતીલે ૭૫ મેચની ૭૩ ઈનીંગમાં ૨૨૭૧ રન બનાવ્યા છે.

Loading...