Abtak Media Google News

વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, શિખર ધવન, રોહિત શર્મા, હાર્દિક પંડયા અને બુમરાહ સહિતના ખેલાડીઓની પસંદગી નિશ્ર્ચિત: ચોથા ક્રમ માટે ૮ થી વધુ દાવેદારો

ક્રિકેટનો મહાકુંભ આગામી ૩૦મી મેના રોજ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે વર્લ્ડકપ માટે ભારતીય ટીમના ૧૫ સભ્યોની પસંદગી આજે થવા જઈ રહી છે ત્યારે પસંદગીકારો માટે મુખ્ય મુદ્દો બીજા વિકેટ કીપર અને ચોથા ક્રમ પરનો રહેશે. ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે યોજાયેલી સીરીઝ બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, ટીમ લગભગ નકકી છે અને માત્ર એક જ સ્થાન બાકી છે. દરમિયાન ૧૧ ખેલાડીઓને ટીકીટ ક્ધફોર્મ પણ ગણાઈ રહી છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, કેદાર જાદવ, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડયા જયારે ઝડપી બોલરોમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્ર્વર કુમાર, મહંમદ સમી તથા સ્પીનરોમાં યજવેન્દ્ર ચહલ અને કુલદિપ યાદવનું નામ નિશ્ર્ચિત માનવામાં આવે છે.

ચોથા ક્રમ માટે હાલ ટીમ સિલેકટરો અસમંજસની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે ત્યારે અંબાતી રાયડુ, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, રીષભ પંથ, વિજય શંકર અને રવિન્દ્ર જાડેજા પણ દાવેદાર ગણાય રહ્યા છે ત્યારે રીઝર્વ વિકેટ કિપર તરીકેના સ્થાન માટે યુવા રીષભ પંથ અને અનુભવી દિનેશ કાર્તિક વચ્ચેનો મુકાબલો રહેશે. ટીમ ઈન્ડિયાની છેલ્લી સીરીઝમાં દિનેશ કાર્તિકને પડતો મુકવામાં આવ્યો હતો તે વખતે રીષભ પંથનું વર્લ્ડકપની ટીમમાં સ્થાન નિશ્ર્ચિત જણાતું હતું પરંતુ ઓસ્ટ્રેલિયા સામે તેનું ખરાબ પ્રદર્શન રહેતા હાલ દિનેશ કાર્તિક પણ ફરી રેસમાં આવી ગયો છે. રીષભ પંથ દ્વારા વિકેટ પાછળ અનેકવિધ ભુલો કરવામાં આવી હતી. સાથોસાથ તે બેટીંગમાં પણ નિષ્ફળ નિવડયો હતો તેમ છતાં પંથ એક થી સાતમાં કોઈપણ ક્રમ પર બેટીંગ કરવા સક્ષમ છે. ઉપરાંત તે એક ડાબોડી બેટસમેન હોવાથી તેને તક મળે તેવું પણ જણાઈ રહ્યું છે.

ચોથા સ્થાન માટે ભારતે છેલ્લા બે-ત્રણ વર્ષમાં ઘણાં પ્રયોગો કર્યા છે જે પૈકી અંબાતી રાયડુ છેલ્લા એક વર્ષથી ફોર્મમાં હતો. નંબર ચાર પર વિરાટ કોહલી પણ તેના પ્રદર્શનથી ખુબ જ ખુશ હતો. તેણે જણાવ્યું કે, અંબાતી રાયડુના ‚પમાં ટીમને ૪ નંબર પર રમનાર બેટસમેન મળી ગયો છે પરંતુ છેલ્લી ઘણી ખરી સિરીઝમાં રાયડુનો દેખાવ ખુબ જ સામાન્ય રહ્યો હતો જે તેના માટે મુશ્કેલી ઉભી કરી શકે તેવી પણ સ્થિતિ ઉદભવિત થઈ રહી છે. આઈપીએલમાં પણ રાયડુ સારો દેખાવ કરી શકયો નથી ત્યારે ૧૫ ખેલાડીઓની ટીમમાં સ્થાન મળવું અંબાતી માટે ખુબ જ મુશ્કેલ લાગી રહ્યું છે.

વર્લ્ડકપ-૨૦૧૯ માટે ભારતીય ટીમના મેચોની વાત કરવામાં આવે તો ભારતીય ટીમ તેનો પ્રથમ મેચ ૫ જુનના રોજ સાઉથ આફ્રિકા સામે રમશે. જયારે ૯મી જુનના રોજ ભારતીય ટીમનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે ત્યારબાદ ૧૩ જુનના રોજ ન્યુઝીલેન્ડ સામે, ૧૬ જુનના રોજ પાકિસ્તાન સામે, ૨૨ જુનના રોજ અફઘાનિસ્તાન સામે, ૨૭ જુનના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે, ૩૦ જુનના રોજ ઈંગ્લેન્ડ સામે, ૨ જુલાઈના રોજ બાંગ્લાદેશ સામે અને ભારતીય ટીમ તેનો છેલ્લો લીગ મેચ ૬ જુલાઈના રોજ શ્રીલંકા સામે રમશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.