Abtak Media Google News

ટાટાના નેનો પ્રોજેકટ માટે રાજય સરકારે અબજો રૂ.ની સહાય આપી છતા કરારમાં વચન મુજબ કારોનું ઉત્પાદન ન કરવા બદલ દંડ કે પગલા લેવાની જોગવાઈ કરવાનું ભૂલાયું !

હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમ્યાન અમદાવાદ પાસે સાણંદમાં ટાટા મોટર્સ કંપનીને જેનો કાર બનાવવા માયે તમામ નિયમોને નેવે મૂકીને અબજો રૂ.ના લાભો આપીને પ્લાન્ટ સ્થાપવા દેવામાં આવ્યાના આક્ષેપો વિપક્ષો દ્વારા થયા હતા પરંતુ બહુ ગાજેલી આ લાખેણી નેનો કાર ગ્રાહકોએ ખૂબજ ઓછો પ્રતિસાદ આપ્યો હતો જેથી ટાટાને આ પ્રોજેકટ માથે પડયો હતો નેનો કારની માગં સાવ ઓછી થઈ જતા ટાટાનો સાણંદનો પ્લાન્ટ બંધ હાલતમાં મુકાય જવા પામ્યો છે. ભાજપ સરકારનીઅબજો રૂ.ની સહાય છતા આ પ્રોજેકટ નિષ્ફળ જતા કંપનીને દંડ કરવાના મુદે સરકાર રિવર્સમાં આવીને ફરીથી ફીકસમાં મૂકાય જવા પામી છે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ગઈકાલે કોંગ્રેસના જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ રૂપાણી સરકારને ભીંસમાં લેવા તારાંકિત પ્રશ્નોતરી દરમ્યાન ટાટાના નેનો પ્રોજેકટ અંગેનો પ્રશ્ન ઉઠાવ્યો હતો જેના જવાબમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે ટાટા કંપની સાથે રાજય સરકાર દ્વારા કરવામાં આવેલા કરારમાં કંપની જો તેના વચન કરતા ઓછી નેનો કારનું ઉત્પાદન કરે તો તેને દંડ કરવાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. રૂપાણીના આ સ્વીકારથી વિપક્ષોને ભાજપ સરકાર પર પ્રહાર કરવાનું નવુ શસ્ત્ર મળી ગયું છે.

જૂનાગઢના કોંગ્રેસી ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ વિધાનસભામાં ગઈકાલે તારાંકિત પ્રશ્નોતરી દરમ્યાન આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેમાં ૧.૧.૨૦૦૯માં ટાટા મોટર્સ લીમીટેડ સાથે રાજય સરકારે કરેલા કરારની કલમ ૧૨ હેઠળ કંપની દર વર્ષે કેટલી નેનો કારોનું ઉત્પાદન કરશે તેનું વચન આપવામાં આવ્યું હતુ? તે મુજબ છેલ્લા બે વર્ષમાં કંપની દ્વારા કેટલી કારોનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. અને વચન મુજબ કારોનું ઉત્પાદન કરીને સરકાર સાથે થયેલા કરાર ભંગ બદલ કંપની સામે શું કાર્યવાહી કરવામાં આવી? એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. જેના જવાબમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે આ કરારની કલમ ૧૨ અનુસાર ટાટા કંપનીએ પ્રથમ તબકકામાં દર વર્ષે ૨.૫ લાખ નેનો કાર બનાવવાની યોજના બનાવી હતી કંપનીએ વર્ષે ૨૦૧૭માં ૩૧૨૦ નેનો કાર અને વર્ષે ૨૦૧૮માં ૫૧૬ નેનો કાર બનાવી હતી.

જયારે કરારમાં કંપની તેના વચન મુજબની કારોનું ઉત્પાદન ન કરે તો દંડ કે પગલા લેવાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.રૂપાણીએ વધુમાં જણાવ્યું હતુ કે ટાટા મોટર્સે પ્રથમ તબકકામાં આ પ્રોજેકટ માટે ૩૯૫૪ કરોડ રૂ.નું રોકાણ કર્યુ હતુ કંપની દ્વારા બીજા તબકકામાં કરવામાં આવેલા રોકાણની વિગતો રાજય સરકારને આપવામાં આવી નથી અંતમાં રૂપાણીએ વર્ષ ૨૦૧૭માં રાજય સરકારે ટાટા કંપનીને સોફટ લોન પેટે રૂ.૧૮.૧૬ કરોડ ચૂકવ્યાનું જયારે વર્ષ ૨૦૧૮માં રાજય સરકારે એક પણ રૂપીયો સોફટલોન પેટે ચૂકવી ન હોવાનું જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.