ઉપલેટામાં તાલુકા સુપરવાઈઝરના માનસિક ત્રાસથી કંટાળી મહિલા બ્લોક હેલ્થ ઓફિસરનું રાજીનામું

સુપરવાઈઝર નરીન ડઢાણીયા ફોનમાં મહિલા ડોકટરને ધમકાવતો અને કહેતો કે ‘જે થાય તે કરી લેવું બાકી હું તમારી જિંદગી બગાડી નાખીશ’

નોકરી ચોર નરીન ડઢાણીયા નોકરીને બદલે પોતાની વાડીમાં જ એશ આરામ કરતો

ઉપલેટામાં કોરાના વોરીયર્સે દેશની આપતી સમયે માનવ સેવા કરવાની હોય છે ત્યારે ઉપલેટામાં આરોગ્ય વિભાગમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતો શખસ કોઈને ગાઠતો નથી. નોકરીના બદલે પોતાની ખાચરીયા ગામે આવેલી વાડીમાં એશ આરામ કરી સરકારનો તગડો પગાર લઈ માથે બ્લોક હેલ્થ દરજ્જાના ડોકટરને ‘તારે જે કરવું હોય તે કરી લેજે, મારી વિરુધ્ધમાં ફરિયાદ કરી લેજે, મારા છેડા આરોગ્ય મંત્રી તેમજ સચિવ સુધી છે, મારો કોઈ કાંઈ બગાડી નહીં લે, પણ તારી જિંદગી બગાડી નાખીશ.’ તેવી ફોન પર ધમકી મારી બડાઈ મારતા આખરે કંટાળી ગયેલા મહિલા બ્લોક હેલ્થ ઓફિસરે પોતાનું રાજીનામુ જિલ્લા વિકાસ અધિકારીને સુપરત કરી દીધું છે. ગઈકાલે તાલુકા સુપરવાઈઝર નરીન ડઢાણીયાના માનસીક ત્રાસથી કંટાળી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.હેપી પટેલે રાજકોટ જિલ્લા અધિકારીને રાજીનામાના પત્રમાં જણાવેલ કે, ‘હું ડો.હેપી નવીનચંદ્ર પટેલ ઈન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ઉપલેટા ખાતે કામગીરી કરું છું, પરંતુ તાલુકાના મુખ્ય સુપરવાઈઝર નરીનભાઈ ડઢાણીયાના માનસીક ત્રાસથી કંટાળી તથા ધાક-ધમકીથી ત્રાસીને આજ સુધી અનેક ધાક-ધમકીઓ જેવી કે, કરપ્શનના કેસમાં સંડોવાથી લઈને બદલી કરાવી નાખીશ સુધીની તથા જ્યારે પણ જિલ્લા કક્ષાએથી સોંપેલ કામગીરી કરવામાં આવે ત્યારે હું તો નિવૃત છું, મને ડિસ્ટર્બ કરવો નહીં, આ સીવાયની ધાક-ધમકી તથા તેમના દ્વારા બોલેલ નીચલી કક્ષાની અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરેલ છે, જેના રેકોર્ડીંગ જરૂર જણાયે રજૂ કરીશ.’ જે માટે સરકારના નિયમો મુજબ ૯૦ દિવસના નોટિસ પીરીયડ સાથે તા.૧૧ સપ્ટેમ્બરથી ૧૧ ડિસેમ્બર સુધીના નોટિસ પીરીયડ સાથે રાજીનામાની અરજી સ્વીકારવા અનુરોધ કર્યો છે.

નરીન ડઢાણીયાએ આરોગ્ય વિભાગ દ્વારા ટાવરવાળી બિલ્ડીંગમાં માં કાર્ડની કામગીરી માટે ફરજ સોંપવામાં આવેલ ત્યાં પણ પોતાને નિયમીત જવું પડે તે માટે લોકોને હેરાન-પરેશાન કરતો હોવાની ફરિયાદ ઉઠતા ત્યાંથી તેને બદલાવી નાખવાની આરોગ્ય વિભાગને ફરજ પડી હતી. નરીન ડઢાણીયા પોતાની વાડીએ પટ્ટાવાળાને લઈ જઈ ત્યાં પોતાના વાહન સાફ કરાવતો અને જોહુકમી કરતો કોઈ કર્મચારી આવવાની ના પાડે તો તેને જોઈ લેવાની ધમકી આપતો. નરીન ડઢાણીયાએ ધોરાજી બ્લોક હેલ્થ ઓફિસર ડો.પુનીત વાછાણીને ફોન કરી મહિલા ડો.હેપી પટેલને સમજાવી લેવા નૈતર જિંદગી બગાડી નાખીશ જેવી અનેક ધમકીભરી વાતો સાથે ન સાંભળી શકાય તેવી બેફામ ગાળોનો વરસાદ વરસાવતો. મોટાભાગે આરોગ્ય વિભાગમાં આશાવર્કરો, નર્સ વગેરેને નરીન ડઢાણીયા નીચે કામ કરવું મુશ્કેલ બન્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે, આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ભંડેરી કેવા પગલા ભરે છે.

નરીન ડઢાણીયા વિરૂધ્ધ અગાઉ પણ અરજી થયેલ

ગઈકાલે આરોગ્ય સુપરવાઈઝરના ત્રાસથી મહિલા ડોકટરે રાજીનામુ આપી દીધેલ તે નરીન ડઢાણીયા વિરુધ્ધ અનેક વખત જિલ્લા આરોગ્ય વિભાગમાં ખોટી અરજી થયેલ પણ તપાસમાં લોટ-પાણીને લાકડાની જેમ ફીંડલુ વાળી દેવામાં આવેલ છે.

ડઢાણીયા ત્રણ માસ પહેલા અખબારમાં ચમક્યો હતો

નરીન ડઢાણીયાને જિલ્લા આરોગ્ય અધિકારી કોરોના વોરિયર્સ તરીકે સન્માનીત કર્યો હતો ત્યારે સમગ્ર આરોગ્ય વિભાગમાં હાંસીને પાત્ર બન્યો હતો કારણ કે, નરીન ડઢાણીયા કોરોનાની કોઈપણ કામગીરીમાં જોડાયો ન હોવા છતાં તેને કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરાયો હતો.

Loading...