Abtak Media Google News

એલઓસી પર પાકિસ્તાનની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપતું ભારતીય સૈન્ય

પાકિસ્તાને ગામડાઓને નિશાન બનાવતા હજારો લોકોને સુરક્ષીત સ્થળે ખસેડાયા

છેલ્લા ૭૨ કલાકથી એલઓસી પર ભારે તંગદીલી સર્જાઈ છે. પાકિસ્તાન દ્વારા વારંવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતા ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપવાનું ચાલુ રાખ્યું છે. આ ભારે ગોળીબારમાં અત્યાર સુધીમાં ૭ નાગરિકો સહિત ૧૦ના જીવ ગયા છે. જયારે ૫૦થી વધુ ઘાયલ થયા છે.

પાકિસ્તાન દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સીમા અને નિયંત્રણ રેખાથી નજીકના જમ્મુ-કાશ્મીરના પાંચ જિલ્લામાં રેડએલર્ટ જાહેર કરાયું છે. સરહદી ગામડાના ૪૦ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાને સીઝ ફાયરનો ભંગ કરી મોર્ટાર મારો તથા ફાયરીંગ કરતા ત્રણ ભારતીય નાગરિકોના મોત થયા છે. ઉપરાંત ભારતીય સૈનીક પણ શહિદ થયા છે.

પાકિસ્તાને ભારતીય ગામડાઓને નિશાન બનાવવાની નાપાક હરકત ચાલુ રાખી છે. પરિણામે લોકોને ઘર છોડીને બંકરોમાં રહેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. બોર્ડર પરના ગામડાઓમાં તબીબો તેમજ પેરા મેડીકલ સ્ટાફને ખડેપગે રાખવામાં આવ્યો છે. સ્કૂલો, શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. હજારો લોકોને ઘર ખાલી કરીને અન્ય સુરક્ષીત સ્થળે ખસેડવા માટે સૈન્યની મદદ લેવાઈ રહી છે.પાકિસ્તાન દ્વારા થઈ રહેલી આડોડાઈનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો છે. બન્ને તરફથી થતા ગોળીબારના કારણે મીની યુદ્ધની શકયતા નકારી શકાતી નથી. ભારતીય સૈન્યએ કરેલા ગોળીબારમાં પાકિસ્તાનના સૈનીકોના મોત પણ થયા હોવાનું જાણવા મળે છે.

યુનાઇટેડ નેશનની સિક્યુરિટી કાઉન્સિલની ટીમ ઇસ્લામાબાદમાં: હાફીઝ સઇદ સામે પગલા લેવા દબાણ

આગામી અઠવાડિયે યુનાઈટેડ નેશન સિકયુરીટી કાઉન્સીલની ટુકડી ઈસ્લામાબાદની મુલાકાત લેવાની છે. જેના કારણે હાફિઝ સઈદ મામલે પાકિસ્તાન ઉપર પ્રેશર વધ્યું છે. સઈદને છાવરવા પાકિસ્તાન યેનકેન પ્રયત્નો કરે છે. પરંતુ ૨૫મી અથવા ૨૬મીએ યુએનની ટુકડી મુલાકાત લેશે ત્યારે પાકિસ્તાન હાફિઝ સઈદ મુદ્દે શું બચાવ કરશે તે ચર્ચાનો વિષય બન્યો છે. અમેરિકા સાથે સંબંધો બગડયા બાદ એકાએક યુએનની ટુકડીની ઈસ્લામાબાદ મુલાકાતથી અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે. હાફિઝ સઈદની સામે પગલા લેવા ભારત થોડા સમયથી અમેરિકા ઉપર દબાણ લાવી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે યુએનની ટીમ પાકિસ્તાનની મુલાકાત લેશે તેવી શંકા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.