Abtak Media Google News

લોકડાઉનની કપરી સ્થિતિ વચ્ચે સરકારી કર્મચારીની ઘોર બેદરકારી: ગંભીર પરિસ્થિતિમાં બેફીકર રહેલા ટીડીઓ પણ કોઈ કાર્યવાહીના મુડમાં નહીં

પડધરીના વણપરી ગામે લોકડાઉનની કપરી સ્થિતિ વચ્ચે તલાટી મંત્રી છેલ્લા ૧૩ દિવસથી ગેરહાજર રહ્યાં હોવાથી ગ્રામજનોની અનેક ફરિયાદો ઉઠી છે. ત્યારે આ ફરિયાદો સામે ટીડીઓએ પણ આંખ આડા કાન કરી રહ્યાં છે. હાલ તો ટીડીઓ કોઈ કાર્યવાહીના મુડમાં દેખાઈ રહ્યાં નથી. ત્યારે ટીડીઓની આ બેફીકરાઈ ગ્રામજનો માટે કપરી સાબીત થાય તેવા અણસારો મળી રહ્યાં છે.

લોકડાઉનની સ્થિતિમાં તમામ સરકારી કર્મચારીઓને ફિલ્ડમાં રહીને પ્રજાજનોને કોઈ હાડમારી સહન ન કરવી પડે તેવા ખાસ આદેશો આપવામાં આવ્યા છે. વધુમાં તંત્ર વાહકોને આ કપરા સમયમાં જ વધુ દ્રઢતાપૂર્વક પોતાની ફરજ બજાવવાની થતી હોય છે. પરંતુ પડધરી તાલુકાના વણપરી ગામે ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે. આ ગામમાં ફરજ પર રહેલા મહિલા તલાટી મંત્રી છેલ્લા ઘણા દિવસોથી સતત ગેરહાજર રહ્યાં છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ તલાટી ૧૩ દિવસથી આવતા નથી. જેથી અહીંના લોકોને કામ સબબ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ આ અંગે તાલુકા વિકાસ અધિકારીને અનેક ફરિયાદો કરી હોવા છતાં તેઓ પણ કોઈ સરખો જવાબ આપતા ન હોવાથી ગ્રામજનો કફોડી હાલતમાં મુકાયા છે. જો કે, તાલુકા વિકાસ અધિકારી અગાઉ પણ અનેક વખત અધિકારીઓને ઝપટે ચડી ગયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ લોકડાઉનના પ્રારંભે જ તાલુકા વિકાસ અધિકારીએ તો જાણે રજા હોય તેવો માહોલ કચેરીમાં સર્જી દીધો હતો. ત્યારે એક ઉચ્ચ અધિકારીએ તેઓનો ઉધડો લેતા તેઓની શાન ઠેકાણે આવી હતી. જો કે, આ મામલાને તંત્ર દ્વારા દબાવી દેવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

તલાટીની ગેરહાજરી અંગે મને કોઈ જાણ નથી: ટીડીઓ

તાલુકા વિકાસ અધિકારી ગણાત્રાએ આ ઘટના અંગે કહ્યું કે, તલાટી ગેરહાજર છે તે અંગે મને કોઈ જાણ નથી. હું તપાસ કરીશ. આમ તેઓએ બેફીકરાઈથી ઉડાઉ જવાબ આપી સમગ્ર ઘટનાને જાણે કાંઈ થયું ન હોય તેમ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ અંગે તાલુકા વિકાસ અધિકારીને અનેક ફરિયાદો મળી છે. તેમ છતાં તેણે કોઈ કાર્યવાહી કરી નથી અને ફરિયાદો મળી હોવા છતાં તેઓને કોઈ જાણ ન હોવાનું બહાનું ધરી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.