લે બોલ…. અહીંયા અંતિમ વિધિ માટે પણ સુવિધા નથી !!

સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ખાતે સામાજીક સંસ્થા સહિત તંત્ર દ્વારા લાખોના ખર્ચે મુખ્ય સ્મશાન બનાવવામાં આવ્યું હતું પરંતુ હાલ આ સ્મશાનનો વહિવટ અને સંચાલન સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આ સ્મશાનમાં અંતિમવિધિ માટેના લાકડાઓ સહિતની સુવિધાઓ ન હોવાથી લોકોને હાલાકી પડી રહી છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વઢવાણ શહેરી વિસ્તારો સહિત આસપાસના ગામોમાં અવસાન પામતાં હિન્દુ ધર્મના લોકોને અંતીમ સંસ્કાર માટે વઢવાણ ખાતે આવેલ મુખ્ય સ્મશાન ગૃહ ખાતે લાવવામાં આવે છે. પરંતુ આ સ્મશાન ગૃહમાં જવાબદાર તંત્ર દ્વારા જરૂરી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જેમાં તાજેતરમાં વઢવાણ ખાતે રહેતાં એક વ્યક્તિનું અવસાન થતાં અંતિમ વિધિ માટે વઢવાણના મુખ્ય સ્મશાન ગૃહ ખાતે લાવવામાં આવ્યાં હતાં. પરંતુ અહિં લાવ્યા બાદ સ્મશાનમાં અંતિમ વિધિ માટેના લાકડા ન હોવાથી મૃતકના પરિવારજનો અને સગા-સબંધીઓને બજારમાંથી લાકડા લાવી અંતિમ સંસ્કાર કરવાનો વારો આવ્યો હતો અને લોકોને સ્મશાનમાં આવ્યાં બાદ રાહ જોવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વઢવાણ ખાતે આવેલ મુખ્ય સ્મશાનનું સંચાલન અને વહિવટ સામાજીક સંસ્થા દ્વારા કરવામાં આવતું હતું પરંતુ છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા સ્મશાનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે અહિં અંતિમ વિધિ માટે જરૂરી એવાં લાકડા, છાણા કે સાંઠીઓ પણ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા આ સ્મશાનમાં પાણીની સુવિધાના અભાવ અંગે અહેવાલ પ્રસિધ્ધ થયો હતો પરંતુ તેમ છતાંય તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં આવ્યાં નથી. તો આ અંગે ઘટતુ કરવામાં આવે તેવી લોક માંગ છે.

Loading...