Abtak Media Google News

ત્રણ જ કલાકમાં ૧૪ હજાર ગુણી મગફળીની આવક

હાપા માર્કેટ યાર્ડમાં માત્ર ૩ કલાકમાં જ ૩૫૦ વાહનોમાં ૧૪ હજાર ગુણી મગફળીની આવક થઇ હતી. ખેડૂતોને મગફળીના ૭૫૦થી માંડી રૂ.૧૩૦૦ સુધીના ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યપી છે. હવે વધુ મગફળી સોમવારે આવક કરવા દેવાશે.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં માત્ર ત્રણ કલાકના સમયગાળા માટે ખેડૂતોને પોતાની મગફળી લઈને આવવા માટે બોલાવાયા હતા, જે ત્રણ કલાકના સમયગાળા દરમિયાન નાના-મોટા ૩૫૦ જેટલા વાહનોમાં ખેડૂતો પોતાની મગફળી લઈને આવી ગયા હતા, અને માત્ર ત્રણ કલાકના ટૂંકા ગાળામાં ચૌદ હજાર જેટલી મગફળીની આવક થઈ ગઈ છે.

હાપા યાર્ડમાં માત્ર ત્રણ કલાક માટે જ હરાજીની પ્રક્રિયા માટે ખેડૂતોને પોતાની મગફળી નો જથ્થો લઈને આવવા માટે ની જાણકારી અપાઇ હતી જે સવારે છ વાગ્યાથી ૯ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ટ્રેક્ટર, જીપ, ટેમ્પો સહિતના ૩૫૦ વાહનોમાં ખેડૂતો આવી પહોંચ્યા હતા, અને ૧૪ હજારથી વધુ ગુણ ની માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ હતી, અને સવારે નવ વાગ્યા પછી તેની હરાજીની પ્રક્રિયાઓ પણ પ્રારંભ કરી દેવામાં આવી હતી.

આ વખતે મગફળી નો ઉતારો ખૂબજ સારો હોવાથી ૭૫૦ રૂપિયાથી ૧,૩૦૦ રૂપિયા સુધીના ભાવના સોદા પણ થયા હતા. ખેડૂતોએ સરકાર દ્વારા ખરીદવામાં આવનારી મગફળી માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તેમ છતાં પણ તેની રાહ જોયા વિના પોતાનો મગફળી જથ્થો વેચાઈ જાય તેના ભાગરૂપે માર્કેટિંગ યાર્ડમાં આવી પહોંચ્યા હતા અને હરાજીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં

આવી છે. લગભગ ત્રણ દિવસમાં તમામ ના સોદા થઈ જશે, ત્યાર પછી આગામી સોમવારે સવારે ૬ થી ૯ વાગ્યા સુધી ત્રણ કલાક માટે વધારાના ખેડૂતોને પોતાની મગફળીનો જથ્થો લઈને વેચવા માટે બોલાવાશે. જોકે સરકાર દ્વારા ૨૬મી તારીખથી મગફળીની ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.