Abtak Media Google News

સુપ્રીમ કોર્ટે ટેલીકોમ મંત્રાલયે કરેલી એજીઆરની વ્યાખ્યાને માન્ય રાખી: ટેલીકોમ મંત્રાલય ટેલીકોમ કંપનીઓ પાસેથી બાકી નીકળતી ૧.૩૩ લાખ કરોડ રૂપીયાની વસુલાતને પણ સુપ્રીમની મંજૂરી

કેન્દ્ર સરકારના ટેલીકોમ મંત્રાલય દ્વારા દેશની વિવિધ ટેલીકોમ કંપનીઓ પાસેથી વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૫ વચ્ચેની એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ રકમ પેટે રૂ.૯૨ હજાર કરોડ વસુલવા કાર્યવાહી હાથ ધરી હતી. ટેલીકોમ કંપનીઓએ આ કાર્યવાહીને સુપ્રીમ કોર્ટમાં પડકારીને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ એજીઆરની વ્યાખ્યા સ્પષ્ટ કરાવવા દાદ મંગી હતી. ગઈકાલે સુપ્રીમ કોર્ટના જસ્ટીસ અરૂણ મિશ્રાની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચે ટેલીકોમ મંત્રાલયે કરેલી એજીઆરની વ્યાખ્યામાં લાયસન્સ ફી, સ્પ્રેકટ્રમ વપરાશ ચાર્જ, પેનલ્ટી અને વ્યાજ વગેરેનો સમાવેશ થાય છે. તેને સ્વીકાર કરવાનો હુકમ કર્યો છે. સુપ્રીમ કોર્ટનાં આ હુકમથી ટેલીકોમ કંપનીઓ પાસેથી એજીઆર પેટે રૂ.૯૨ હજાર કરોડ વસુલી શકશે જયારે અગાઉના બાકી નીકળતા રૂ.૧.૩૩ લાખ કરોડની વસુલાત પણ કરી શકશે.

સુપ્રીમ કોર્ટે સરકારને ટેલીકોમ કંપનીઓ પાસેથી એડજેસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) ૯૨૦૦ કરોડ રૂપિયા વસુલવાની પરવાનગી આપી છે. કંપનીઓએ દંડ અને વ્યાજ પણ ચૂકવવું પડશે. સુપ્રીમ કોર્ટે ગઈકાલે નિર્ણય આપતા કહ્યું કે દૂરસંચાર વિભાગ દ્વારા નક્કી એજીઆરની પરિભાષાને યથાવત રાખવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની અપીલને ફગાવી દીધી છે. આ સિવાય કહેવામાં આવ્યું છે કે આ મામલામાં હવે બીજા દાવોઓ થઈ શકશે નહિ. બાકી ચૂકવવાની નીકળતી રકમની ગણતરી માટે સમય સીમા નક્કી કરવામાં આવશે.

ટેલિકોમ કંપનીઓએ એજીઆરના ૩ ટકા સ્પેક્ટ્રમ ફીસ અને ૮ ટકા લાઈસન્સ ફી તરીકે સરકારને આપવાનો હોય છે. કંપનીઓ એજીઆરની ગણતરી ટેલિકોમ ટ્રિબ્યુનલના ૨૦૧૫ના ચૂકાદાને આધારે કરે છે. ટ્રિબ્યુનલે તે સમયે કહ્યું હતું કે ભાડું, સ્થાયી સંપતિના વેચાણથી લાભ, ડિવિડન્ડ અને વ્યાજ જેવી નોન કોર સ્ત્રોતમાંથી પ્રાપ્ત રેવન્યુને છોડીને બાકીની પ્રાપ્તિ એજીએરમાં સામેલ થશે. વિદેશી મુદ્રા વિનિમય એડજસ્ટમેન્ટને પણ એજીઆરમાં સામેલ કરવામાં આવ્યું છે. જોકે ફસાયેલી લોન, વિદેશી મુદ્રામાં ઉતાર-ચઢાવ અને કબાડીના વેચાણને એજીઆરની ગણતરીથી અલગ રાખવામાં આવ્યા છે. દૂરસંચાર વિભાગ ભાડું, સ્થાયી સંપતિના વેચાણથી થતા લાભ અને કબાડીના વેચાણથી પ્રાપ્ત રકમને એજીઆરમાં ગણે છે. તેના આધાર પર તે ટેલિકોમ કંપનીઓ પાસેથી બાકી ચૂકવવાની નીકળતી રકમની માંગણી કરતું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.