Abtak Media Google News

આગામી ન્યુઝીલેન્ડ સામેની ટી-૨૦ સીરિઝ માટે ટીમની જાહેરાત: રોહિત શર્મા અને મોહમદ સામી ટીમમાં સામેલ

આગામી સમયમાં ટી-૨૦ વિશ્ર્વકપનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં ભારતીય ટીમે જાણે તેની ટીમ નિર્ધારીત કરી લીધેલી હોય તેવું જાણવા મળી રહ્યું છે જેમાં રોહિત શર્મા, લોકેશ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, કુલદિપ યાદવ, જસપ્રીત બુમરાહ, નવદિપ સેની, સાર્દુલ ઠાકુર તથા મોહમદ સમીને રમાડે તેવી પૂર્ણ શકયતા જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયામાં તમામ સ્લોટ પર ખેલાડીઓની પસંદગી કરવામાં આવેલી છે ત્યારે માત્રને માત્ર જો ચર્ચા-વિચારણા બાકી હોય તો તે ઓપનીંગ સ્લોટ પરની છે. છેલ્લા ઘણા સમયથી શિખર ધવનની અવેજીમાં લોકેશ રાહુલને ટીમમાં ઓપનીંગમાં સ્થાન આપવામાં આવ્યું હતું ત્યારે તેને મળેલી તમામ તકોને ખુબ સારી રીતે અપનાવી ધવનની સરખામણીમાં સર્વોચ્ચ પ્રદર્શન કર્યું છે અને ભારતીય ટીમને વિજય રથ ઉપર આરૂઢ પણ કરી છે.

આ તકે પ્રશ્ર્ન સામે એ છે કે ટીમ મેનેજમેન્ટ ઓપનીંગ માટે કોની પસંદગી કરશે. લોકેશ રાહુલનાં ટી-૨૦ કેરીયર અંગે જો વાત કરવામાં આવે તો તેને કુલ ૩૩ મેચો રમ્યા છે જેમાં ૪૪.૧૮ની એવરેજ પર રમી ૧૨૩૭ રન નોંધાવ્યા છે જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર ૧૧૦ રનનો રહ્યો છે તેમાંથી સેન્ચ્યુરી-૨ અને હાફ સેન્ચ્યુરી-૯ ફટકારી છે. ટી-૨૦ કેરીયરમાં લોકેશ રાહુલે કુલ ૧૯ વખત ઓપનીંગમાં આવી બેટીંગ કરી છે અને ૧૪૬.૩૯ની રેટ પર તેને રન બનાવ્યા છે. જયારે બીજી તરફ શિખર ધવનનાં ટી-૨૦ કેરીયર અંગે વાત કરવામાં આવે તો ધવને કુલ ૫૯ ઈનીંગ રમી છે જેમાં કુલ ૧૫૮૮ રન પણ નોંધાવ્યા છે ત્યારે ધવનનો ટી-૨૦ કેરીયરનો સર્વાંધિક સ્કોર ૯૨ રનનો છે અને તેની એવરેજ ૨૮.૩૬ની  હોવાની સામે આવી છે. ટી-૨૦ કેરીયરમાં ધવને કુલ ૧૦ અડધી સદી ફટકારી છે અને ઓપનીંગમાં તે કુલ ૫૯ વખત બેટીંગ પર આવ્યો છે. ત્યારે ટીમ મેનેજમેન્ટ અને સિલેકશન કમિટી માટે કપરો નિર્ણય લેવો પડશે. કારણકે ટીમ મેનેજમેન્ટ લોકેશ રાહુલની ક્ષમતાની નકારી શકે તેમ નથી.

ભારતીય ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડએ ન્યૂઝીલેન્ડ પ્રવાસે ૫ ટી૨૦ ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ માટે ટીમની ઘોષણા રવિવારે કરવામાં આવી. આ પ્રવાસ પર તેને ૩ વન-ડે અને ૨ ટેસ્ટ પણ રમવાની છે, જેના માટે હજુ ટીમની ઘોષણા થઈ નથી. ટી૨૦ ટીમમાં વાઈસકેપ્ટન રોહિત શર્માનું કમબેક થયું છે જેણે શ્રીલંકા વિરુદ્ધની સીરિઝમાં આરામ આપવામાં આવ્યો હતો. રોહિતે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ડિસેમ્બરમાં ટી૨૦ સીરિઝ રમી હતી. યુવા વિકેટકીપર સંજુ સેમસનને તક નથી મળી અને ઋષભ પંત જ વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં જ ટીમ ટી૨૦ સીરિઝ રમશે. વિરાટના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ વર્ષની પ્રથમ ટી૨૦ સીરિઝ શ્રીલંકાને ૨-૦થી હરાવીને જીતી. કેરળના સંજુ સેમસનને શ્રીલંકા વિરુદ્ધ ગત સીરિઝની છેલ્લી ટી૨૦માં તક આપવામાં આવી પણ તે આમાં માત્ર ૨ બોલ રમીને ૬ રન જ બનાવી શક્યો. આ પ્રવાસની શરૂઆત ૨૪ જાન્યુઆરીથી ટી૨૦ સીરિઝથી થશે. સીરિઝની બીજી ટી૨૦ મેચ ૨૬ જાન્યુઆરીએ ઈડન પાર્કમાં રમાશે, જ્યારે ત્રીજી ટી૨૦ ૨૯ જાન્યુઆરીએ હેમિલ્ટનમાં રમાશે. ચોથી મેચ ૩૧ જાન્યુઆરીએ વેલિંગ્ટનમાં અને ૫મી મેચ ૨ ફેબ્રુઆરીએ માઉન્ટ માઉંનાગુઈમાં રમાશે. ટી૨૦ ટીમમાં વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવીન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરાયો છે.

બુમ બુમ બુમરાહ: ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બુમરાહને પોલી ઉમરગર અને દિલીપ સરદેસાઈ એવોર્ડ એનાયત

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીમ બુમરાહને રવિવારે બીસીસીઆઈ પોલી ઉમરગર એવોર્ડ (બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટ ઑફ ધ યર ૨૦૧૮-૧૯)થી સન્માનિત કરવામાં આવ્યો. મુંબઈમાં આયોજિત વાર્ષિક એવોર્ડ ફંક્શનમાં બુમરાહને આ એવોર્ડથી નવાઝવામાં આવ્યો. આ સાથે જ અર્જુન એવોર્ડ વિજેતા પૂનમ યાદવને બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર (મહિલા) એવોર્ડ આપવામાં આવ્યો. આ મહિલા વર્ગમાં બીસીસીઆઈ તરફથી મળનારો ટોપ એવોર્ડ છે. મયંક અગ્રવાલને બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યૂ (પુરુષ) અને શેફાલી વર્માને બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યૂ (મહિલા વર્ગ) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. જસપ્રીત બુમરાહને પોલી ઉમરીગર એવોર્ડની સાથે-સાથે ૨૦૧૮-૧૯માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવા માટે દિલીપ સરદેસાઈ એવોર્ડ પણ મળ્યો. પુરુષ ટીમમાં જ્યાં બુમરાહને બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઑફ ધ યર માટે પસંદ કરવામાં આવ્યો તો મહિલા ટીમમાંથી આ એવોર્ડ પૂનમ યાદવને આપવામાં આવ્યો. પૂર્વ ભારતીય કેપ્ટન કૃષ્ણમચારી શ્રીકાંત અને અંજુમ ચોપરાને ક્રમશ: કર્નલ સીકે નાયડૂ લાઈફ ટાઈમ અચિવમેન્ટ અને બીસીસીઆઈ લાઈફ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. અંજુમ ૧૦૦ મહિલા વન-ડે મેચ રમનારી પ્રથમ ભારતીય છે, જ્યારે ૭૨ વર્ષીય દિલીપ દોષીને સ્પેશિયલ એવોર્ડ આપવામાં આવ્યો. નંબર-૧ વન-ડે બોલર બુમરાહે ગત વર્ષે જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું ત્યારબાદથી તેણે પાછું વળીને જોયું નથી. સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડીઝમાં એક ઈનિંગમાં ૫ કે તેથી વધુ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.