જામનગર જિલ્લામાં બર્ડફલુ મામલે તંત્ર એલર્ટ: સ્થળાંતરીત પક્ષીઓનો સર્વે

પાંચથી વધુ પક્ષીઓના મોત મામલે તંત્રને તત્કાલ જાણ કરવા તાકીદ

લાખોટા તળાવ, ખીજડીયા પક્ષી અભયારણ્ય, જૂના રોઝી બંદરે પક્ષીઓનો સર્વે

જિલ્લામાં પ્રવાસી પક્ષીઓને બર્ડફલુ મામલે વનતંત્ર એલર્ટ બન્યું છે અને શહેરના લાખોટા તળાવ તથા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં બે દિવસથી સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. પાંચથી વધુ પક્ષીઓના મોત મામલે તાત્કાલિક સત્તાવાળાઓને જાણ કરવા તાકીદ કરાઈ છે.

ગુજરાતમાં માઇગ્રન્ટ એટલે કે યાયાવર સહિતના વિદેશી પક્ષીઓને લઇને બર્ડ ફલૂનો ખતરો ઉભો થવાની દહેશત વચ્ચે જામનગર જિલ્લામાં પણ પશુપાલન અને વન વિભાગ દ્વારા તકેદારીના પગલા ભરીને જિલ્લામાં તમામ પોલ્ટ્રી ફાર્મ સહિત ઘરે ઉછેર કરતા લોકોને સાવધાની રાખવાની સુચના આપવામાં આવી છે અને પક્ષીઓના મોતની તાકીદે જાણકારી આપવા અપીલ પણ કરાઇ છે.

કોરોના વાયરસની ઉપાધી વચ્ચે બર્ડ ફલૂ જોવા મળતા ગુજરાત સરકાર એલર્ટ બની છે, અને જામનગર સહિત રાજ્યના તમામ પશુપાલન વિભાગ તેમજ વન વિભાગને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવતાં જામનગર જિલ્લામાં ખાસ કરીને વિદેશી પક્ષીઓનું વધુ આગમન થતું હોવાથી તકેદારીના પગલા ભરવા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યુ છે.

આ મામલે જામનગર જિલ્લા પશુપાલન અધિકારી ડો. ભગીરથ પટેલે જણાવ્યુ હતું કે, હાલમાં જામનગર જિલ્લામાં માઇગ્રન્ટ પક્ષીઓમાં જોવા મળતો બર્ડ ફલૂનો એક પણ કેસ જોવા મળ્યો નથી. છતાં તમામ કર્મચારીને સુચના આપીને પાંચ કે વધુની સંખ્યામાં પક્ષીઓના મોતના કિસ્સામાં તાકીદે જાણ કરવાની સુચના આપવામાં આવેલી છે. જામનગરમા શરૂ સેકશન રોડ પર આવેલા મરઘા ઉછેર કેન્દ્રથી માંડીને જિલ્લાભરના પોલ્ટ્રી ફાર્મમાં તપાસ હાથ ધરીને પોલ્ટ્રી ફાર્મ સાથે સંકળાયેલા વ્યકિતને શરદી, ઉધરસના લક્ષણો નથીને, તે મામલે ચકાસણી હાથ ધરવામાં આવી છે અને જામનગર જિલ્લામાં નોંધાયેલા ૬૬ પોલ્ટ્રી ફાર્મની તપાસ કરવામાં આવી રહી છે. પોલ્ટ્રી ફાર્મ વિભાગના વડા ડો. કોરીંગાએ જણાવ્યુ હતું કે, જામનગરના લાખોટા તળાવ, ખીજડીયા પક્ષી અભિયારણ અને જુના રોઝી બંદરે જોવા મળતા માઇગ્રન્ટ પક્ષીઓના સર્વેક્ષણની કામગીરી છેલ્લા બે દિવસ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી બર્ડ ફલૂના લક્ષણો જોવા મળ્યા નથી. છતાં તકેદારીના ભાગરૂપે જિલ્લામાં કર્મચારીઓની ટીમોને કામે લગાડવામાં આવી છે.

જિલ્લામાં માઇગ્રન્ટ પક્ષીઓની વિદેશથી આવક વધારે હોવાથી આ પક્ષીમાં જોવા મળતા બર્ડ

ફલૂના  ખતરાને ધ્યાનમાં રાખીને હાઇ એલર્ટ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

પાંચ વર્ષ પહેલા સંખ્યાબંધ પક્ષીઓ મોતને ભેટયા’તા

જામનગર જિલ્લામાં જોડીયા તાલુકાના કેશીયા ગામે તળાવમાં સંખ્યાબંધ કાગડાઓના અને કાલાવડ તાલુકામાં પણ ૨૦૧૬માં પક્ષીઓના મોતના બનાવ બન્યા હતા અને ભોપાલની હાઇ સિકયુરીટી લેબમાં રીપોર્ટ મોકલ્યા બાદ નેગેટીવ આવતા હાશકારો અનુભવાયો હતો. વિદેશી પક્ષીઓમાં જોવા મળતા બર્ડ ફલૂને ધ્યાનમાં રાખીને હાલમાં એલર્ટ બનીને તપાસ હાથ ધરાઇ રહી છે.

Loading...