Abtak Media Google News

છેલ્લા ૯ માસમાં શહેરના સ્વાઈન ફલુના ૧૭ કેસો નોંધાયા: ૨૦ હોસ્પિટલમાં સ્વાઈન ફલુની સારવાર

સિઝનલફલુ એટલે કે સ્વાઈનફલુના રોગચાળાએ રાજયભરમાં ફરી માથુ ઉંચકયું છે ત્યારે મહાપાલિકા સંચાલિત તમામ ૨૧ આરોગ્ય કેન્દ્રોમાં સ્વાઈનફલુની દવા ઉપલબ્ધ છે. આ ઉપરાંત શહેરની ૨૦ હોસ્પિટલોમાં સ્વાઈનફલુની સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા ૯ માસમાં શહેરમાં સ્વાઈનફલુના ૧૭ કેસો નોંધાયા છે જે પૈકી એક દર્દીનું મોત નિપજયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે વિશેષ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, ગત વર્ષે શહેરમાં સ્વાઈનફલુના ૨૦૧ કેસ નોંધાયા હતા અને ૧૭ દર્દીઓના મૃત્યુ થયા હતા. દરમિયાન ચાલુ સાલ સ્વાઈનફલુ પોઝીટીવના ૧૭ કેસ નોંધાયા છે જે પૈકી ૮૦ ટકા કેસ સ્ત્રીઓમાં હોવાનું માલુમ પડયું છે.

૧૭ પૈકી ૧૩ દર્દીઓ મહિલાઓ અને ૪ દર્દીઓ પુરુષ છે જે તમામની ઉંમર ૫૦ વર્ષથી વધુ છે. ડાયાબીટીસ, હૃદયરોગ, થાઈરોડ, બ્લડપ્રેશર અને સ્થુળતા જેવી લાંબી બિમારીથી પીડાતા રોગો સ્વાઈનફલુનો ભોગ બને છે. તેઓએ ઉમેર્યું હતું કે, મહાપાલિકા સંચાલિત તમામ ૨૧ આરોગ્ય કેન્દ્રોમાં પર્યાપ્ત માત્રામાં સ્વાઈનફલુની દવાઓ ઉપલબ્ધ છે જે લોકોને વિનામૂલ્યે આપવામાં આવે છે.

આ ઉપરાંત સરકારી સહિત ૨૦ હોસ્પિટલોમાં સ્વાઈનફલુના દર્દીઓને સારવાર મળે તે માટે સુવિધા સાથે માન્યતા આપવામાં આવી છે. સ્વાઈનફલુના રોગથી બચવા માટે ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું, ઉધરસ અને છીંક આવે ત્યારે મોઢુ અને નાક ઢાંકીને રાખવા, હાથ મિલાવવાનું ટાળવું, વારંવાર હાથ સાબુ અને પાણીથી ધોવા, ખુબ જ પાણી પીવું અને પૌષ્ટીક આહાર લેવો તથા અસરગ્રસ્ત રોગના ચિન્હો દેખાય તો આવા વ્યકિતને અલગથી ‚મની ફાળવણી કરવા જેવા પગલા લેવા જેથી આ ગંભીર બિમારીને વકરતી અટકાવી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.