Abtak Media Google News

૨૦૦  એકરની ભૂમિ પર ફેલાયેલું સ્વામીનારાણય નગર મહોત્સવનું મુખ્ય સ્થળ છ. આ સ્વામીનારાયણ નગરમાં સ્થિત અનેક સંસ્કારપ્રેરક પ્રદર્શનખંડો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. ૬ વિવિધ પ્રદર્શનખંડોમાં મહાપુરુષોના જીવનચરિત્ર અને ઉપદેશોના આધારે સૌને સુખી અને સંસ્કારમય જીવન જીવવાની પ્રેરણા મળશે.

પ્રથમ પરમાનંદ નામના પ્રદર્શનખંડમાં પૂ. પ્રમુખસ્વામી મહારાજના જીવનને લક્ષ્યમાં રાખીને બોધ આપવામાં આવશે.

પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવન દરમ્યાન પપ થી વધુ દેશોમાં ૨.૫ લાખથી વધુ ઘરોમાં વિચરણ કર્યુ, ૭.૫ લાખ પત્રો લખ્યાં, ૧૭ હજારથી વધુ ગામડાઓમાં જઇને લાખો લોકોના દુ:ખ દર્દો દૂર કરી તેમને અઘ્યાત્મમાર્ગે વાળ્યા. તેઓએ સમાજ માટે વેઠેલાં અસંખ્ય કષ્ટોનો અહીં વિવિધ પ્રતિકૃતિઓ અને આધુનીક માઘ્યમો દ્વારા અનુભવ કરાવવામાં આવશે. તેઓએ અગણિત તકલીફો વચ્ચે પણ અપ્રતિમ કાર્ય કર્યુ તેનો આછો ચિતાર આ પ્રર્દશન ખંડમાંથી મળશે.

દ્વિતીય પ્રદર્શન ખંડ છે. મુકતાનંદ વ્યસનમુકિતનો ઉત્તમ સંદેશ આપતો આ પ્રદર્શન ખંડ ખૂબ જ અસરકારક છે.

એક યુવાનની વ્યસનથી થયેલી બરબાદીની ડોકયુમેન્ટરી ફિલ્મ દ્વારા હ્રદયદ્રાવક પ્રસ્તુતિ અહીં બતાવવામાં આવશે. અઠંગ વ્યસનીઓને પણ વ્યસન છોડવાની અહીં પ્રેરણા પ્રાપ્ત થશે.

તૃતીય ખંડ છે. સહજાનંદ એનીમેશન ફિલ્મની રોમાંચક પ્રસ્તુતિ દ્વારા અહીં ભગવાન સ્વામીનારાયણના અસાધારણ જીવન અને કાર્યને દર્શાવવામાં આવશે. અક્ષરદેવી જેમનું સ્મૃતિમંદીર છે. એવા ગુણાતીતાનંદ સ્વામીનું જીવનકવન અક્ષરાનંદ  નામના ચોથા પ્રદર્શન ખંડમાં જાણવા મળશે.

વિવિધ ચિત્રો પ્રદર્શન અને ચોટદાર સંવાદો દ્વારા અહી ખુબ સુંદર રજુઆત થશે.

નિત્યાનંદ નામના પાંચમાં પ્રદર્શન ખંડમાં પારિવારિક એકતાનો ઉપદેશ મળશે.

આજે વિશ્ર્વભરની સૌથી મોટી સમસ્યા છે. તૂટતા ઘરો, આધુનિકતાના બહાને પરીવારમાં વધતા કલેશ અને કુસંપને ડામવાનો અહીં સફળ પ્રયાસ છે.

સુંદર સંવાદ અને વિડીયોના માઘ્યમથી ઘરમાં સુખ-શાંતિ રાખવાના ઉ૫ાયોની આમાં સુંદર પ્રસ્તુતિ થશે.

છઠ્ઠો પ્રદર્શન ખંડ છે યોગાનંદ રપ વર્ષ સુધી ગોંડલ અક્ષરમંદીરના મહતપદે યોગીજી મહારાજનું નિર્દોષ હાસ્ય તેમની વિશેષતા હતી.

અપાર કષ્ટો, ગંભીર બીમારીઓ અને અથાગ પરિશ્રમ વચ્ચે પણ તેઓનું હાસ્ય કદી વિલાયું નોતું સદૈવ બ્રહ્માનંદમાં વિચરતા એવા યોગાનંદ યોગીજી મહારાજના જીવનમાંથી કેટલાક ચૂંટેલા પ્રસંગો દ્વારા અહીં હમેશા આનંદમાં રહેવાનું રહસ્ય શીખવા મળશે.

આ સિવાય પણ સ્વામીનારાયણ નગરમાં અખંડ ભજનભકિતની રમઝટ ભજનાનંદ નામના ખંડમાં ચાલશે. સાથે સાથે રકતદાન યજ્ઞ દ્વારા સમાજ સેવાનું ભગીરથ કાર્ય એક ખંડમાં કરવામાં આવશે.

વ્યકિત, કુટુંબ, દેશ અને સમાજની સુખાકારી માટે વ્યસનમુકિત, પારિવારિક એકતા, સ્વચ્છતા અભિયાન જેવા સંદેશ વહાવતા આ પ્રદર્શનખંડો અનેકને દિવ્ય જીવન જીવવાનો માર્ગ ચીંધશે.

આમ, વિવિધ પ્રદર્શન ખંડો દ્વારા આ સ્વામીનારાયણ નગર માનવ ઉત્કર્ષનો ઉત્તમ સંદેશ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.