Abtak Media Google News

૧૨ મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ  જન્મ જયંતીનો દિવસ

૧૨ મી જાન્યુઆરી ,૧૮૬૩ નાં રોજ કલકત્તામાં એમનો જન્મ થયો હતો

માત્ર ૩૯ વર્ષ જ આ પૃથ્વી ઉપર તેઓ રહ્યા પરંતુ એ ટૂંકા સમય ગાળામાં હિંદુ ધર્મ ,સમાજ સેવા અને દેશ માટે કેટલું બધું કાર્ય કરીને સ્વામીજી ગયા ! આ એક મોટું આશ્ચર્ય છે !

સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો.તેમના માતા પિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી – પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો. 

નરેન્દ્રનાથે સન 1880માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સને 1981માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને 1884માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી..

ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા.રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.

એમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો.તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.

પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાંવેદાંત,યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો.

તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન – એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી.

સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ ,સુભાષ ચંદ્ર બોઝ ,અરવિંદ ઘોષ , રાધા કૃષ્ણન જેવા અનેક રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.