Abtak Media Google News

મેંદરડાના વૃધ્ધા અને રાજકોટના વૃધ્ધનું ૧૨ કલાકમાં જ મોત નિપજતા આરોગ્ય તંત્રમાં દોડધામ: મૃત્યુ આંક ૪૪ થયો

સૌરાષ્ટ્રમાં ઠંડીનાં પ્રમાણ સાથે સાથે સ્વાઈનફલુનો કહેર પણ વધતો જાય છે. ગત તા.૧ લી જાન્યુઆરીના દિવસે રાજકોટની હોસ્પિટલોમાં પાચ પોજીટીવ કેસ નોંધાયા હતા ત્યારે ૧૨ કલાકમાં વધુ બે સ્વાઈનફલુ પોઝીટીવ દર્દીઓનાં મોત તતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જયારે વધુ ૯ દર્દીઓ રાજકોટ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. જયારે સીઝનનો મૃત્યુઆંક ૪૪ સુધી પહોચી રહ્યો છે.

૧લી સપ્ટેમ્બરથી શરૂ થયેલો સ્વાઈનફલુનો કિસ્સો વધુ વેગમા પ્રસરી રહ્યો હોય તેમ ગત ૧લી તારીખે રાજકોટમાં એક જ દિવસમાં પાંચ પોઝીટીવ કેસ નોંધાયા હતા. ત્યારે છેલ્લા ૧૨ કલાકમાં જ વધુ બે દર્દીઓના મોત નિપજતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.તંત્રના સઘન પ્રયાસો છતા દિવસે દિવસે સ્વાઈનફલુના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે.

નવા વર્ષની શ‚આતનાં ૪૮ કલાકમાં જ રાજકોટની હોસ્પિટલમાં કુલ સાત સ્વાઈનફલુ પોઝીટીવ કેસ નોંધાયા હતાજેમાં ગોંડલના વિઠ્ઠલવાડીના ૪૮ વર્ષિય પ્રૌઢ, ગોંડલના ૫૫ વષિય પ્રૌઢા, ભચાઉના વાંઢીયાની ૨૮ વર્ષિય યુવતી, જૂનાગઢના ૭૮ વર્ષિય વૃધ્ધા, રાજકોટના ૫૦ વર્ષિય પ્રૌઢા, રાજકોટના ૫૫ વર્ષિય પ્રૌઢા અને રાજકોટનો જ ૧૮ વર્ષિય યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવતા શહેરની અલગ અલગ હોસ્પિટલમાં સ્વાઈનફલુ વોર્ડ હેઠળ સારવાર લઈ રહ્યા છે.

ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં છેલ્લા ૧૨ કલાકમા જ બે મોત નિપજતા લોકોમાં સ્વાઈનફલુનો ખોફ વધી રહ્યો છે.જેમાં મેંદરડાના ખાડપીપળી ગામના ૬૨ વર્ષિય પ્રૌઢાનું સારવાર દરમિયાન મોત નિપજયું હતુ વધુમાં રાજકોટ જામનગર રોડ નજીક રહેતા ૬૫ વર્ષિય પ્રૌઢનું મોડી રાતે મોત નિપજતા સ્વાઈનફલુના દર્દીઓનો મોતનો આંકડો ૪૪ સુધી પહોચી જવા પામ્યો છે. નવા વર્ષ શરૂ થયાની ૪૮ કલાકમાં જ સાત પોઝીટીવ કેસ અને બેના મોત નિપજતા સ્વાઈનફલુનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

મેંદરડાનાં ખાડપીપળી ગામે રહેતા ૬૨ વર્ષિય પ્રૌઢાની તબીયત લથડતા સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા રિપોર્ટ સ્વાઈનફલુ પોઝીટીવ આવ્યો હતો. ચાલુ સારવાર દરમિયાન વૃધ્ધાને કોઈ કારણોસર વૃધ્ધાને રજા આપી દેતા પરિવારજનોએ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જયાં સારવાર દરમિયાન રાતે વૃધ્ધાએ દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ રહ્યો છે.

જયારે ગત તા.૨૭.૧૨ના દાખલ થયેલા રાજકોટના વૃધ્ધનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. પરંતુ છેલ્લા થોડા દિવસોથી તબીયતમાં કોઈ સુધારો ન આવતા મોડી રાતે વૃધ્ધાએ દમ તોડતા જ સીઝનનો કુલ મૃત્યુઆંક ૪૪ સુધી પહોચી ગયો છે. જયારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં હાલ નવ દર્દીઓ સ્વાઈનફલુ હેઠળ સારવાર લઈ રહ્યા છે.

સૌરાષ્ટ્રભરમાં અલગ અલગ જીલ્લાઓ તથા રાજકોટના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં ૧લી સપ્ટેમ્બરથી હાલ સુધી કુલ ૧૬૫ સ્વાઈનફલુ પોઝીટીવ કેસ નોંધાયા છે. દરમિયાન કુલ મૃત્યુઆંક ૪૪ સુધી પહોચી રહ્યો છે. વધુ ૯ જેટલા દર્દીઓ રાજકોટ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ૪૦ જેટલા કેસ નોંધાયા છે. જેમાં આઠ દર્દીઓનાં મોત નિપજયા છે. રાજકોટ શહેરી વિસ્તારમાં ૫૭ કેસ સ્વાઈનફલુ પોઝીટીવ નોંધાયા છે. જેમાં નવ દર્દીઓનાં મોત નિપજયા છે. તથા આસપાસના જિલ્લાઓમાં ૬૮ કેસ નોંધાયા છે. જેમાં કુલ ૨૬ દર્દીઓના મોત નિપજતા લોકોમા સ્વાઈન ફલુનો ખોફ વધી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.