Abtak Media Google News

જનરલ બોર્ડમાં ભાજપના સિનિયર કોર્પોરેટર પ્રવિણભાઈ માડમનું સ્ફોટક નિવેદન

જામનગર મહાપાલિકાના શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના સિનિયર કોર્પોરેટર પ્રવિણભાઈ માડમે મનપાના જનરલ બોર્ડમાં ફૂડ શાખાની કામગીરી અંગે સ્ફોટક નિવેદન કરતાં ફૂડ શાખાની નીતિ-રીતિ, કામગીરી અને કથિત ભ્રષ્ટાચાર અંગે અનેક શંકા-કુશંકાઓ જાગી છે.

મહાપાલિકાના જનરલ બોર્ડમાં પ્રવિણભાઈ માડમે કરેલા નિવેદનથી શહેરભરમાં ભારે ચર્ચા જાગી છે.દિવાળી પહેલાના થોડા દિવસો અગાઉ જ હાપામાંથી બનાવટી માવા બનાવવાનું કારખાનું ઝડપાયું હતું.સૌ કોઈ જાણે છે તે પ્રમાણે માવો દૂધમાંથી જ બની શકે… અને સેંકડો કિલો માવાના ઉત્પાદન માટે હજ્જારો લીટર દૂધ જોઈએ… હાપાના કારખાનામાં ક્યારેય કોઈએ દૂધની મોટા પાયે આવક જોઈ નથી…! તેથી અહીં માવો દૂધના બદલે અન્ય પદાર્થોની મિલાવટથી બનાવવામાં આવતો હતો.

તેવી પ્રથમ શંકા વધુ મજબૂત બની છે. આ કારખાનામાં ફૂડ શાખાએ દરોડો પાડી સેમ્પલો લેવાની રાબેતા મુજબની પ્રક્રિયા કરી તેનો રિપોર્ટ શું આવ્યો તેની કોઈ સત્તાવાર જાણ થઈ નથી…! એટલું જ નહીં… દરોડો પાડનાર મનપાના આપણા નિષ્ણાત, અનુભવી અને બહાદુર સ્ટાફને પણ કારખાનામાં માવો ભેળસેળ કરીને બનાવટી બનાવવામાં આવે છે, તેવું દેખાયું જ નહીં…!

નવાઈની વાત તો એ છે કે, પોલીસ તંત્ર પણ આમાં જોડાયેલું હતું…! અને શહેરમાં ચાલી રહેલી ચર્ચા મુજબ આ “પ્રખ્યાત” માવાવાળા પાસેથી ફૂડ શાખા અને પોલીસે ખૂબ જ મોટી રકમનો તોડ કરી લીધો…! સેમ્પલો બદલાઈ ગયા.. અને લેબોરેટરીમાં ચોખ્ખા માવાના સેમ્પલો મોકલાઈ ગયા…?!આ સમગ્ર પ્રકરણ અંગે મ્યુનિ. કમિશ્નરે અંગત રસ લઈને કડકમાં કડક તપાસ કરવી જોઈએ. જેથી ફૂડ શાખાની લાલીયાવાડી જેવી કામગીરી અને ભ્રષ્ટાચારની પોલ ખૂલી શકે…!!

આ તો એક માત્ર ઉદાહરણ છે. ફૂડ શાખાના મસમોટા કારસ્તાનનું બાકી કેરીની સિઝનમાં અગાઉથી જાણ કરીને દરોડા પાડવાના નાટક થાય…, કેરીના મોટા જથ્થાબંધ વેપારીઓના ગોડાઉનોમાં જ કેરી ખરેખર સડી ગઈ હોય (આમેય તેને ફેંકી જ દેવાની હોય) તેવી કેરીનો ફૂડ શાખાએ નાશ કર્યો હોવાના અહેવાલો આવે.. અને કામગીરી પૂરી…!! ખરેખર તો કાર્બાઈડથી કેરી પકાવાય છે કે નહીં તે અંગે તપાસ કરવાના બદલે આવી સડેલી ફેંકી દેવા જેવી કેરી અને થોડી કાર્બાઈડની પડીકીઓ પકડવાની કામગીરીના ઢોલ પીટી સારી ક્વોલિટીની કેરીના બોક્સ ફૂડ શાખાના સ્ટાફના ઘરે અને કદાચ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓના ઘરે પણ પહોંચાડવાની પ્રથા વરસોથી ચાલી રહી છે.

આવી જ સ્થિતિ વરસ દરમિયાન જ્યારે ધૂન ચડે કે મનફાવે ત્યારે શહેરમાં બે-ચાર ફરસાણ/મીઠાઈવાળાને ત્યાં ફૂડ શાખા પહોંચી જાય… થોડા નમુના લઈ, બે-પાંચ કિલો મીઠાઈ કે ફરસાણ અખાદ્ય હોવાનું જણાવી તેનો નાશ કરવામાં આવે અને સ્વચ્છતા જાળવવાની સૂચના આપી કામગીરી પૂર્ણ કરવાનો સંતોષ માની લેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.