Abtak Media Google News

બેન્કો શરતો, બેલેન્સ શીટની ખરાઇ સહિતના પાસા ઉપર વધુ ઘ્યાન આપી ધિરાણમાં કાપ મૂકે તેવી નાના જ્વેલર્સને ચિંતા

છેલ્લાં કેટલાંક વર્ષમાં લોનમાં વધારો નોંધાયો છે, પણ ઇન્વેન્ટરીમાં કોઈ ફેરફાર થયો નથી.

કંપનીઓ વ્યાજ, ટેક્સ અને ઘસારા અગાઉના નફાની તુલનામાં ઓછામાં ઓછું પાંચ ગણું ચોખ્ખું દેવું ધરાવે છે

નીરવ મોદી અને ગીતાંજલી ગ્રૂપના કૌભાંડમાં રોજેરોજ નવા ખુલાસાથી જ્વેલરી સેકટરની ચમક ઝાંખી પડી

જ્વેલરી સેક્ટરની ડઝનેક  લિસ્ટેડ કંપનીની બેલેન્સશીટ નબળી

 

પીએનબીના કૌભાંડના કારણે ડાયમંડ ઉદ્યોગની ક્રેડિટ લાઇન ઘટી જવાની શક્યતા છે. અમુક ડાયમન્ડ ટ્રેડર્સ અને ઉત્પાદકોને ચિંતા છે કે સરકારી માલિકીની બેન્કો આગામી માર્ચમાં તેમની ક્રેડિટ લાઇન્સ રિન્યુઅલ માટે આવશે ત્યારે ઉદ્યોગની ક્રેડિટ લાઇન્સમાં વધારો કરવામાં વધારે પડતા સાવચેત બનશે. તેનું કારણ મોદીનું કૌભાંડ છે, જેમાં પંજાબ નેશનલ બેન્ક ખાતે રૂ.૧૧,૩૦૦ કરોડનું ફ્રોડ થયું હોવાનો આક્ષેપ છે.

એક ઝવેરીએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે ઉદ્યોગમાં ઘણા લોકો ખાસ કરીને નાના અને નવા વેપારીઓ માટેની ક્રેડિટ લાઇન્સમાં ઘટાડો જોવાશે તથા તેના માટેની શરતો પણ વધારે કડક બનશે. સારામાં સારી પદ્ધતિથી આ કંપનીઓની બેલેન્સ શીટને ચકાસવામાં આવશે. ટ્રેડર્સને ભય છે કે બેન્કો કદાચ તેમની ક્રેડિટ લાઇન્સમાં કાપ મૂકશે. અન્ય એક ટ્રેડરે જણાવ્યું હતું કે તેમને લાગે છે કે બેન્કો ઉદ્યોગ માટે મંજૂર કરવામાં આવેલા ક્રેડિટમાં કાપ મૂકશે જેમાં તાજેતરના સમયગાળા દરમિયાન યુરોપ તથા અમેરિકામાં વેચાણમાં વધારો થયો છે.

વાસ્તવમાં બેન્કિંગ સેક્ટરના જેમ્સ અને જ્વેલરી સેક્ટરમાં કરવામાં આવેલા ધિરાણ અંગેના આરબીઆઇના આંકડાનું વિશ્લેષણ દર્શાવે છે કે આ સેક્ટરની આઉટસ્ટેન્ડિંગ લોન્સ ઓગસ્ટ ૨૦૧૩થી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન માસિક ધોરણે રૂ.૭૨,૦૦૦ કરોડ અને રૂ.૬૮,૦૦૦ કરોડ વચ્ચે રેન્જબાઉન્ડ રહી છે. લેટેસ્ટ આંકડા ડિસેમ્બર ૨૦૧૭ના છે જ્યારે આ સેક્ટરને આપવામાં આવેલી લોન રૂ.૬૯,૦૩૯કરોડની હતી. જોકે, લેટર ઓફ ક્રેડિટ-અંડરટેકિંગ જેવા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ધિરાણને એકાઉન્ટિંગ સમયે ઓફ બેલેન્સ શીટ તરીકે ગણવામાં આવે છે અને તેથી કન્ટિજન્ટ જવાબદારીના ભાગરૂપે બને છે. જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ મજબૂતપણે માને છે કે પીએનબીના બનાવના કારણે જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ ઉદ્યોગ પર કોઈ વિપરીત અસર નહીં થાય. આ વેપારને બેન્ક ધિરાણ માટે આરબીઆઇ દ્વારા આપવામાં આવેલી કડક માર્ગરેખાને અનુસરવામાં જ આવે છે તથા ભારત સરકાર ત્રિમાસિક તથા વાર્ષિક ધોરણે વિગતવાર ઇન્ટરનલ ઓડિટ કરાવે છે. તેને અનુસરીને દરેક કેટલાંક વર્ષે આરબીઆઇ દ્વારા એક્સ્ટર્નલ ઓડિટ અને ખાસ ઓડિટ પણ કરાવવામાં આવે છે. બેન્ક દ્વારા કરવામાં આવેલા દરેક ટ્રાન્ઝેક્શનની જાણ બેન્કના ઇન્ટરનલ ડિવિઝનને કરવામાં આવે છે. આ ઉપરાંત આરબીઆઇએ માર્ચ ૨૦૧૪માં એક્સ્પોર્ટ ડેટા પ્રોસેસિંગ એન્ડ મોનેટરિંગ સિસ્ટમ પણ લોંચ કરી છે.

નીરવ મોદી અને ગીતાંજલી ગ્રૂપના કૌભાંડમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે જ્વેલરી સેક્ટરની મુશ્કેલીનો અંત નજીકના સમયમાં આવે તેમ જણાતું નથી. જ્વેલરી સેક્ટરની કુલ ૩૦ લિસ્ટેડ કંપનીમાંથી ડઝનેક કંપનીની બેલેન્સશીટ નબળી છે. આ કંપનીઓ વ્યાજ, ટેક્સ અને ઘસારા અગાઉના નફાની તુલનામાં ઓછામાં ઓછું પાંચ ગણું ચોખ્ખું દેવું ધરાવે છે. સામાન્ય રીતે ચાર ગણાથી વધુ દેવું જોખમી ગણાય છે.

નબળી બેલેન્સશીટ ધરાવતી આવી કંપનીની સંયુક્ત લોન ૨૦૧૬-૧૭માં રૂ.૩,૫૦૦ કરોડ હતી. જેમાં ત્રણ કંપની તારા જ્વેલ્સ, SRSઅને ગોયન્કા ડાયમંડ એન્ડ જ્વેલ્સનું સંયુક્ત ઋણ રૂ.૧,૮૦૦ કરોડ છે. આ કંપનીઓ ચોખ્ખી ખોટ દર્શાવી રહી હોવાથી આગામી સમયમાં ઋણની ચુકવણીની ક્ષમતા પર દબાણ નોંધાશે.

જ્વેલરી કંપનીઓને ઘણી વખત કાર્યકારી મૂડીની જરૂરિયાત પૂરી કરવા લોન આપવામાં આવે છે અને એટલે એ ટૂંકા ગાળાની હોય છે. તેની સામે જામીનગીરી તરીકે જ્વેલરી ઇન્વેન્ટરી આપવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે, છેલ્લાં કેટલાંક વર્ષમાં લોનમાં વધારો નોંધાયો છે, પણ ઇન્વેન્ટરીમાં કોઈ ફેરફાર થયો નથી. આ બાબત આ કંપનીઓના ધિરાણ પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. મુંબઈની તારા જ્વેલ્સનું વેચાણ અને ઇન્વેન્ટરી ૨૦૧૨-૧૩થી ૨૦૧૬-૧૭ના ગાળામાં ઘટ્યા છે, પણ ઋણમાં બમણાથી વધુ વૃદ્ધિ થઈ છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું વેચાણ અગાઉના વર્ષના સમાન ગાળામાં ૮૦ ટકા ઘટીને રૂ.૭૦ કરોડ થયું છે.

કંપનીએ રૂ.૨૦૦ કરોડની ચોખ્ખી ખોટ દર્શાવી છે. તેનું કોન્સોલિડેટેડ ઋણ ૨૦૧૬-૧માં રૂ.૭૪૦ કરોડ હતું, જે રૂ.૮૦૦ કરોડને વટાવી ગયું છે. વધુમાં પ્રમોટર ગ્રૂપના ૯૯.૫ ટકા શેર ગીરવે મૂકેલા છે અને કંપનીમાં તેનું હોલ્ડિંગ સપ્ટેમ્બરના ૬૦ ટકાથી ઘટીને ડિસેમ્બરમાં ૩૯ ટકા થયું છે. કંપનીનું માર્કેટ-કેપ રૂ.૩૦ કરોડ છે.

ફરીદાબાદની કંપની SRSના જ્વેલરી ડિવિઝને જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ.૫ કરોડનું વેચાણ કર્યું હતું, જે ૨૦૧૫-૧૬માં રૂ.૩,૩૦૦ કરોડ અને ૨૦૧૬-૧૭માં રૂ.૬૮૦ કરોડ હતું.

તાજેતરના ક્વાર્ટરમાં કંપનીએ રૂ.૬૮૦ કરોડની ખોટ દર્શાવી છે. કંપનીમાં પ્રમોટરનો હિસ્સો ડિસેમ્બરમાં ૨૪ ટકા રહ્યો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ૭૪ ટકા હતો. કંપનીનો ડેટા બેન્કો અને ધિરાણકારોના રૂ.૯૦૦ કરોડ જોખમમાં હોવાનું દર્શાવે છે. કંપનીનું માર્કેટ કેપ રૂ.૩૧ કરોડ છે. ગોયન્કા જેમ્સ એન્ડ ડાયમંડના કિસ્સામાં પણ કંઈક આવું જ છે. ૨૦૧૬-૧૭માં કંપનીનું કુલ ઋણ રૂ.૧૫૯ કરોડ હતું.

TBZ અને એશિયન સ્ટાર જેવા અન્ય મોટા જ્વેલર્સનો ડેટ-ટુ-EBIDTAરેશિયો સાતની આસપાસ છે, જે ઘણો ઊંચો છે. TBZની ઇન્વેન્ટરી કુલ ઋણ કરતાં બમણી છે, જે રાહતનો વિષય છે. જોકે, એશિયન સ્ટાર માત્ર રૂ.૬૪૫ કરોડની જ્વેલરી ઇન્વેન્ટરી સામે રૂ.૯૮૦ કરોડનું કુલ ઋણ ધરાવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.