Abtak Media Google News

શહેરનાં વોર્ડ નં.૨માં ચુડાસમા પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પ્રદુષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે જેનાં કારણે લોકોને શરીર પર ચાઠા પડી ગયા છે અને ચામડીનાં અન્ય રોગનો પણ શિકાર બન્યા છે. આજે સવારે સ્થાનિકોએ દુષિત પાણી પ્રશ્ર્ને વિસ્તારમાં હંગામો મચાવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તાત્કાલિક વોર્ડનાં ભાજપનાં કોર્પોરેટરોએ પ્રશ્ર્ન હલ કરાવી મામલો થાળે પાડયો હતો.
શહેરનાં રૈયા રોડ પર આમ્રપાલી રેલવે ફાટક પાસે હાલ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત કોઈ જગ્યાએ ડ્રેનેજની લાઈન તુટી જવાના કારણે તે પાણીની પાઈપલાઈન સાથે એક થઈ ગઈ હોય ચુડાસમા પ્લોટ શેરી નં.૪માં છેલ્લા ઘણા દિવસોથી દુર્ગંધયુકત પ્રદુષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે જેનાથી લોકોને શરીર પર લાલ કલરનાં ચાઠા પડી ગયા છે અને ચામડીનાં અન્ય રોગ પણ થયા હોવાની ફરિયાદ ઉઠી રહી છે. દુષિત પાણી પ્રશ્ર્ને આજે સ્થાનિકોએ હંગામો મચાવ્યો હતો. આ અંગે લોકોમાંથી ફરિયાદ આવતા વોર્ડનાં કોર્પોરેટર અને બાંધકામ સમિતિનાં ચેરમેન મનિષભાઈ રાડીયા સહિતનાં ચારેય કોર્પોરેટરોએ તાત્કાલિક અધિકારીઓને દોડાવ્યા હતા.
મનિષભાઈ રાડીયાએ જણાવ્યું હતું કે, ચુડાસમા પ્લોટ શેરી નં.૪માં પાણી વિતરણનાં સમયે ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં પાણી દુર્ગંધયુકત આવતું હોવાનું માલુમ પડયું હતું. એક જગ્યાએ ડ્રેનેજ લાઈન હેડીંગ થઈ જવાનાં કારણે આ સમસ્યા સર્જાય હોવાનું ધ્યાનમાં આવતા તાત્કાલિક અસરથી જેટીંગ મશીન દ્વારા સંપૂર્ણ ડ્રેનેજ લાઈન સાફ કરવામાં આવી હતી અને દુષિત પાણીનો પ્રશ્ર્ન હલ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ પાણી વિતરણનાં સમયે મોનીટરીંગ કરવામાં આવશે. દુષિત પાણીનાં વિતરણથી લોકોને ચામડી રોગ થયા હોવાની વાત ખોટી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.