Abtak Media Google News

યુથ કોંગ્રેસએનએસયુઆઈની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિને આવેદન આપી રજુઆત: કુલસચિવ અને પરીક્ષા નિયામકની ખાલી જગ્યા ભરવા માંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના ડો.રાકેશ જોષીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા એનએસયુઆઈ યુથ કોંગ્રેસ ઉપકુલપતિને આવેદન આપી રજુઆત કરી છે. જેમાં જણાવ્યા મુજબ આપના આવવાથી છેલ્લા ૧૦ મહિનાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલા વિવિધ કૌભાંડોને દબાવવાના પ્રયાસ કરનાર પૂર્વ કાર્યકારી કુલપતિ દ્વારા આપ સૌને વારસામાં અનેક પ્રશ્ર્નો આપવામાં આવ્યા છે. અમે વારંવાર રજુઆત કરી હતી પરંતુ તત્કાલિન પૂર્વ કાર્યકારી કુલપતિ ડો.નિલામ્બરીબેન દવેએ અનઆવડત અને બિનઅનુભવને કારણે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા હતા. તાજેતરમાં અર્થશાસ્ત્ર ભવનમાં બનેલ વિદ્યાર્થીનીના છેડતીના પ્રકરણમાં ડો.નિલામ્બરીબેન દવેએ કોઈ તપાસ કરી નથી. ત્યારે વિદ્યાર્થીનીએ મોકલેલા ઈ-મેઈલ અને વોટસએપ મેસેજને આધારે તપાસ કરવામાં આવે, જરૂર પડયે યુનિવર્સિટી પોતે ફીરયાદી બને, સમગ્ર બાબત વિદ્યાર્થીનીને લગતી હોય આવા પ્રકરણમાં વિદ્યાર્થીનીની વ્યકિતગત ફરિયાદ લેવાને બદલે પ્રાયોગિક પુરાવાઓને આધારે યોગ્ય તપાસ કરવી જોઈએ. ડો.રાકેશ જોષીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ. ડો.રાકેશ જોષીના તમામ નોંધાયેલા પી.એચ.ડી.ના વિદ્યાર્થીઆેને તેમની પાસેથી રદ કરી અન્ય ગાઈડને સોંપવા જોઈએ. યુજીસીના નિયમાનુસાર મારવાણીયાએ ફરિયાદ મળ્યાથી તરત સમગ્ર બાબતને વિમેન્સ હેરેસમેન્ટ સેલને આપવી જોઈતી હતી. પરંતુ એચ.ઓ.ડી.ની જવાબદારી તેઓએ યોગ્ય રીતે નિભાવી નથી. યુનિવર્સિટીમાં અગાઉ આવો બનાવ બનેલ હોય યુનિવર્સિટીના સતાધિશોને અધ્યાપકોની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા ન મુકી અધ્યાપકોને મોકળુ મેદાન આપ્યું છે તે તાત્કાલિક નખાવવા જોઈએ. છેલ્લા આઠ મહિના દરમિયાન ભવનના અધ્યાપકોને યુનિવર્સિટીના કલેરીકલ કામ આપવામાં આવ્યા હોવાથી કોમર્સ અને ઈલેકટ્રોનિકસ ભવનના વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન થઈ રહ્યું છે. આ અધ્યાપકોને પરત તેમના ભવનમાં ભણાવવા માટે મોકલી દેવા જોઈએ. માર્ચ મહિનાની પરીક્ષાઓ શરૂ થવાની તૈયારી છે ત્યારે વિદ્યાર્થીઓના રીએસેસમેન્ટના પરીણામો કયારે આવશે તેનું આયોજન તાત્કાલિક વિચારવું જોઈએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ અને પરીક્ષા નિયામકની જગ્યાઓ ઘણા વખતથી ખાલી છે તેની તાત્કાલિક ભરતી કરવા સહિતના મુદ્દે એનએસયુઆઈ-યુથ કોંગ્રેસના પાર્થ ગઢવી, વિપુલ આહિર, ચિરાગ પરમાર, ધવલ મકવાણા, રાજદિપસિંહ ચુડાસમા, યજ્ઞેશ દવે, રવિભાઈ વગેરેએ આવેદન આપી રજુઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.