Abtak Media Google News

૯૯ ગુનેગારો ભલે છુટે પણ એક નિર્દોષ દંડાય નહીં તે માટે હાઈકોર્ટની જીએસટીને તાકીદ

જીએસટી અમલી બન્યા બાદ વ્યાપારીઓને અનેકવિધ પ્રકારે તકલીફનો સામનો કરવો પડયો છે એવી જ રીતે જીએસટીના અધિકારીઓ શંકાસ્પદ કરચોરોને જેલની સજા કરતા અનેકવિધ પ્રકારે નજરે પડયા છે પરંતુ આ અંગે હાઈકોર્ટમાં પીટીશન દાખલ થતા હાઈકોર્ટે જીએસટીને તાકિદ કરતા જણાવ્યું છે કે, ૯૯ ગુનેગારો ભલે છુટે પરંતુ એક નિર્દોષ દંડાય નહીં તે અંગેનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. અત્યાર સુધી જીએસટીના અધિકારીઓ પુરાવાના અભાવે શંકાસ્પદ કરચોરોને જેલ હવાલે કરી તેઓની ધરપકડ કરતા હતા પરંતુ આવનારા સમયમાં તે અંગે કોઈપણ પ્રકારનો ગંભીર આરોપ જીએસટી ભરનાર વેપારીઓ ઉપર ન લગાડવામાં આવે તે દિશામાં હાલ પગલા ભરવામાં આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતોને તાકિદ કરી જણાવ્યું હતું કે, શંકાસ્પદ કરચોરોને પકડવાનો અધિકાર જીએસટી કમિશનરને આપવામાં આવ્યો છે પરંતુ જીએસટી કમિશનરો તેના પાવરનો ગેરઉપયોગ કરતા નજરે પડે છે. આ સ્થિતિ આવનારા સમયમાં ન સર્જાય તે માટે સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો આદેશ પણ કરવામાં આવ્યો છે કે કોઈપણ શંકાસ્પદ કરચોર ઉપર ટેકસ ચોરી કે ટેકસ ભર્યો ન હોય તે સંબંધિત આરોપ પુરતા પુરાવા વગર લગાડી નહીં શકાય. સાથો સાથ ગુજરાત હાઈકોર્ટે તાકિદ કરી છે કે આરોપીઓની જો ધરપકડ કરવી અનિવાર્ય બને તો તેની ધરપકડના આદેશ સાથે એરેસ્ટ મેમો આપવો ફરજીયાત છે.

ગુજરાત હાઈકોર્ટના જણાવ્યા મુજબ આરોપીઓની ધરપકડ અંગેની વિગત સંપૂર્ણ પારદર્શકતાભરી હોવી જોઈએ અને જો કોઈ શંકાસ્પદ કરચોરો વિરુઘ્ધ યોગ્ય પુરાવા આપવામાં નહીં આવે તો તે વ્યકિતની ધરપકડ નહીં કરી શકાય.

કોર્ટના જણાવ્યા મુજબ જીએસટી કમિશનર વિરુઘ્ધ ઘણીખરી ફરિયાદો ઉઠવા પામી છે જેમાં અધિકારીઓ મન ફાવે તે રીતે શંકાસ્પદ કરચોરોની ધરપકડ કરી રહ્યા છે. હાઈકોર્ટનું અવલોકન એ પણ છે કે જો પુરતા પુરાવાઓ શંકાસ્પદ કરચોરો વિરુઘ્ધ આપવામાં જીએસટી બાદ નિષ્ફળ નિવડે તો મેજીસ્ટ્રેટ તેની કસ્ટડી સોંપવામાં મનાઈ કરી શકે છે. આ પ્રકારના ગુનામાં સીઆરપીસીની પ્રક્રિયા સહેજ પણ લાગુ પડતી નથી. હાઈકોર્ટે નીચલી અદાલતોને પણ માહિતી આપતા જણાવ્યું હતું કે, શંકાસ્પદ કરચોરોની ધરપકડ કરવાની સતા જીએસટી કમિશનરોને આપવામાં આવી છે ત્યારે જે કોઈની ધરપકડ કરવાનું ચિત્ર ઉભુ થાય તો પુરતા પુરાવાઓ આપવા અનિવાર્ય છે. હાલના તબકકે જીએસટીના અધિકારીઓ અનેકવિધ પ્રકારે કરચોરો કે જે શંકાસ્પદ હોય તેઓને હેરાન-પરેશાન કરી રહ્યા છે પરંતુ આ પ્રકારની સ્થિતિ હવે આવનારા સમયમાં ન ઘટે તે માટેના તમામ પગલાઓ ગુજરાત હાઈકોર્ટે જીએસટીને લેવા માટે તાકિદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.