Abtak Media Google News

સુરેન્દ્રનગર ૪૫ ડિગ્રી તાપમાન સાથે રિતસર અગનગોળો બન્યું: રાજકોટમાં પણ ૪૪ ડિગ્રી ઓરેન્જ એલર્ટ જાહેર: બે દિવસ ગરમીનો પ્રકોપ જારી રહેશે

આ વર્ષ ગરમી પાછલા તમામ વર્ષોના રેકોર્ડબ્રેક કરે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. ચૈત્ર માસમાં જ સુર્ય નારાયણ જાણે કોપાયમાન બની ગયા હોય તેમ આકાશમાંથી રિતસર અગનવર્ષા થઈ રહી છે. કાળઝાળ ગરમીના પગલે સૌરાષ્ટ્રમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બુધવારે સુરેન્દ્રનગર ૪૫ ડિગ્રી તાપમાન સાથે રાજયનું સૌથી ગરમ શહેર બન્યું હતું. આગામી બે દિવસ હજી રાજયમાં ગરમીનો પ્રકોપ જારી રહેશે.

બુધવારનો દિવસ ગુજરાત માટે અગનભઠ્ઠી સમાન બની રહ્યો હતો. ચાલુ સાલ ઉનાળાની સીઝનમાં સૌથી વધુ તાપમાન બુધવારે નોંધાયું હતું. રાજયના ૧૪થી વધુ શહેરોમાં મહતમ તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને પાર થઈ ગયો હતો. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર ૪૫ ડિગ્રી સેલ્શીયસ તાપમાન સાથે રાજયનું સૌથી ગરમ શહેર બની રહ્યું હતું. રાજકોટનું તાપમાન પણ ૪૪ ડિગ્રીએ પહોંચી ગયું હતું. આ ઉપરાંત ભાવનગરનું મહતમ તાપમાન ૪૨ ડિગ્રી, અમરેલીમાં ૪૩.૮ ડિગ્રી, મોરબીમાં ૪૨.૭ ડિગ્રી અને વેરાવળનું મહતમ તાપમાન ૪૦.૩ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.

રાજકોટમાં મહાપાલિકા દ્વારા બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે આગામી બે દિવસ સુધી રાજકોટમાં મહતમ તાપમાનનો પારો ૪૩ થી ૪૫ ડિગ્રી વચ્ચે રહેશે. ગઈકાલે શહેરમાં ઉનાળાની સિઝનનું રેકોર્ડબ્રેક ૪૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે આ દશકામાં ચૈત્ર માસનું સૌથી વધુ તાપમાન છે. કાળઝાળ ગરમીમાં હિટવેવથી બચવા બપોરના સમયે કામ વિના ઘરની બહાર ન નિકળવા લોકોને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત હિટવેવથી બચવા સતત પાણી પીતા રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. તાપમાનનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચી જતા રાત્રીના મોડે સુધી ગરમ પવનો ફુંકાતા હતા. ગરમી સામે એસી અને પંખા પણ બે અસર પુરવાર થઈ રહ્યા છે. ગરમીથી બચવા લોકો ઠંડાપીણા અને આઈસ્ક્રીમ તરફ વળ્યા છે. બપોરના સમયે રાજમાર્ગો પર સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ જોવા મળે છે. રોડ-રસ્તાઓ સુમસામ ભાસે છે. આજે પણ સુર્ય નારાયણ આગ આંકશે તેવા એંધાણ મળી રહ્યા છે. સવારથી જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.