Abtak Media Google News

ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાનો સર્વે કરાયા બાદ ઓકટોમ્બરમાં વિજેતા જિલ્લાને પ્રોત્સાહિત ઈનામો અપાશે

સ્વચ્છ ભારત મિશનમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ અંતર્ગત તમામ જિલ્લાઓનો સર્વે હાથ ધરવામાં આવનાર છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અંગેનો સર્વે કરાયા બાદ ઓકટોમ્બર મહિનામાં વિજેતા જિલ્લાને પ્રોત્સાહિત ઈનામો પણ આપવામાં આવશે. આ અંગે આજે જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓની વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.

રાજય સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણનો આવતીકાલે શુભારંભ થવાનો છે. જેને લઈને આજરોજ જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતમાં કલેકટર કચેરીએ વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ગાંધીનગર ખાતેથી અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં હોસ્પિટલો, બજારો, ગ્રામ પંચાયતો, મકાનો સહિતની જગ્યાએ સ્વચ્છતા અંગેનો સર્વે હાથ ધરવામાં આવશે.

સ્વચ્છ ભારત મિશન  અંતર્ગત શહેરોની જેમ ગામડાઓમાં સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરાશે.જેમાં રાજકોટ જિલ્લાના ગામોનો સમાવેશ કરવામાં આવશે. સ્વચ્છ ભારત મિશનમાં શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ૫ણ તા. ૧ થી ૩૧ ઓગસ્ટ દરમ્યાન સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરાશે.

આ સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ જિલ્લાના ગામડાઓનો ૫ણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગામડાના નામો હાલમાં જાહેર નહીં કરાય પરંતુ આકસ્મિક રીતે ગામોમાં સ્વચ્છતાની સ્થિતિનો તાગ મેળવાશે. મૂલ્યાંકન કરનાર ટીમ ગામની સ્કુલ, આંગણવાડી, સ્વાસ્થ્ય કેન્દ્ર, હાટ બજાર, ધાર્મિક સ્થળે સફાઈની સાથે ગામના મહત્વપૂર્ણ લોકમત ૫ણ લેશે જેમાં સ્વચ્છતા અંગે ગ્રામજનોના મંતવ્યો લેવામાં આવશે, સર્વે ટીમ દ્વારા ગામની વર્તમાનની પરિસ્થિતિ અંગે જાણવામાં આવશે, જિલ્લા કક્ષાએ સ્વચ્છતાની કામગીરીમાં હાંસલ કરેલી સિધ્ધી અંગે મુલ્યાંકન કરવામાં આવશે.

સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત જેટલા જાહેર સ્થળોનું મુલ્યાંકન કરવામાં આવશે તે સ્થળોએ પાણીના ભરેલા ખાબોચીયા, કચરાના જથ્થો જોવા મળશે તે પ્રમાણે તેવા સ્થળોના ૨ ગુણનો ધટાડો કરવામાં આવશે.

આ સ્વચ્છતા સર્વેક્ષણમાં પાણીથી ભરાયેલા ખાબોચીયાની સ્થિતિ, શૌચાલયોની ઉપલબ્ધતા, શૌચાલયોની ઉપયોગીતા, વેરાયેલા કચરાની સ્થિતિ તથા નાગરીકોના પ્રતિભાવો ને ધ્યાને લેવામાં આવશે તેમજ નાગરીકોના પ્રતિભાવોના ૩૫ ગુણ, સ્વચ્છતામાં કરેલી પ્રગતિના ૩૫ ગુણ તથા સર્વેક્ષણ દ્વારા કરવામાં આવનાર વાસ્તવિક નિરીક્ષણના ૩૦ ગુણઆ૫વામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.