આઈપીએલમાં ‘રોકડી’ કરવા ચાઈનીઝ કંપનીનાં શરણે!!!

‘પૈસા બોલતા હૈ’ !!!

આઈપીએલનાં ટાઈટલ સ્પોન્સરરૂપે ચાઈનીઝ કંપની વિવોએ વર્ષ ૨૦૨૨ સુધી ૨૨૦૦ કરોડ રૂપિયામાં બીસીસીઆઈ સાથે કર્યો કરાર

આઈપીએલની ૧૩મી સિઝન યુએઈમાં ૧૯ સપ્ટેમ્બરથી રમાશે જેની ફાઈનલ મેચ ૧૦ નવેમ્બરનાં રોજ યોજાશે. કોરોનાનાં કારણે જે ખેલજગતને અસર પડી છે તેમાંથી ક્રિકેટ પણ બાકાત રહ્યું નથી પરંતુ ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-૨૦ વિશ્ર્વકપ પણ રદ કરવામાં આવ્યો છે તેની સામે આઈપીએલને રમાડવા માટેની મંજુરી પણ મળી છે. હાલ આઈપીએલને મંજુરી મળતાની સાથે જ એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, પૈસા કમાવવા માટે આઈપીએલની સીઝન રમાશે. એક તરફ ભારત અને ચાઈના વચ્ચેનાં વ્યાપારીક સંબંધોમાં જે ખટાશ જોવા મળી રહી છે તેની સહેજ પણ ઝલક આઈપીએલમાં જોવા મળશે નહીં જેનું એકમાત્ર કારણ એ છે કે, આઈપીએલની ૧૩મી સીઝનમાં જે સ્પોન્સર રહેલા છે તેઓને યથાવત રાખવામાં આવ્યા છે. ૧૩મી સીઝન આઈપીએલનાં મુખ્ય એટલે કે ટાઈટલ સ્પોન્સર વિવો જ રહેશે કે જે પ્રતિ વર્ષ ૪૪૦ કરોડ રૂપિયા બીસીસીઆઈને આપી રહ્યું છે ત્યારે હાલનાં તબકકે આઈપીએલમાં રોકડી કરવા ચાઈનીઝ કંપનીનાં શરણે આવ્યું છે.

રવિવારે આઈપીએલની ગર્વનીંગ કાઉન્સીલની બેઠકોમાં સ્પોન્સરને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૨૨ સુધી વીવોએ પ્રતિ વર્ષ ૪૪૦ કરોડ રૂપિયાનાં સ્પોન્સરશીપની ડિલ કરી છે ત્યારે હાલની ચાલુ થનારી સિઝનમાં પ્રથમ વખત મેચ વર્કિંગ ડે પર રમાશે. દરેક ફ્રેન્ચાઈઝી માટે વધુમાં વધુ ૨૪ ખેલાડીઓની સ્કોવોડ નકકી કરવામાં આવી છે. ટુર્નામેન્ટમાં ૧૦ દિવસ ડબલ હેડર એટલે કે એક દિવસમાં બે મેચ રમાશે જેમાં ફ્રેન્ચાઈઝીને કહેવામાં આવ્યું છે કે, તેઓ ટુર્નામેન્ટ દરમિયાન ઈચ્છે એટલી વખત કોવિડ ટેસ્ટ કરાવી શકશે. ગર્વનીંગ કાઉન્સીલની બેઠકમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સરકારનાં રમત મંત્રાલયે પણ આઈપીએલ સીઝન રમાવવા માટેની મંજુરી આપી છે. તાજેતરમાં ભારત સરકારે ચીન સાથેનાં વિવાદ બાદ સુરક્ષાનાં કારણે ટીકટોક, યુઝી બ્રાઉઝર સહિત ૪૯ એપ્લીકેશનો ઉપર પ્રતિબંધ મુકયો છે.

ચાઈનીઝ કંપની વીવો આઈપીએલની ટાઈટલ સ્પોન્સર છે જે દર વર્ષે કોન્ટ્રાકટરૂપે બોર્ડને ૪૪૦ કરોડ રૂપિયા ચુકવે છે જેમાં કંપની સાથે તેનો પાંચ વર્ષનો કરાર આગામી ૨૦૨૨માં સમાપ્ત થશે પરંતુ હાલ જે આઈપીએલની ૧૩મી સીઝન રમાવવા જઈ રહી છે તેમાં વધુને વધુ નફો રળવા માટે આઈપીએલ રમાડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય પહેલા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, હાલનાં તબકકે તમામ સ્પોન્સરોને બદલવામાં આવે પરંતુ ટુંકાગાળાનાં સમયમાં આ નિર્ણય શકય ન બનતા સ્પોન્સરોને યથાવત રાખવામાં આવ્યા છે.

Loading...