આહીર સમાજની વાડી ખાતે રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ

59

ભારતીય યાદવ મહાસભા અને બજરંગ મિત્ર મંડળ દ્વારા

નેત્ર રોગ, હોમિયોપેથી, આયુર્વેદિક તથા એક્યુપ્રેસર સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

ભારતીય યાદવ મહાસભા તથા બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રવિવારે આહિર સમાજની વાડી, ભગવતીપરા ખાતે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. આંખના દર્દીઓને તપાસથી ચશ્મા વિતરણ તેમજ આંખના ટીપા અપાશે.

ડો.હેમેન્દ્રભાઈ મહેતા નેત્ર રોગ કેમ્પમાં સેવા આપશે. જ્યારે ડો.એન.જે.મેઘાણી હોમિયોપેથી પધ્ધતિથી નિદાન કરી આપશે. જેમાં હૃદયના વાલ્વમાં કાણુ, હૃદય મોટુ થવું, છાતીમાં ધબકારા હોવા, પેશાબમાં રસી જેવા અનેક રોગોનું નિદાન કરશે.

ચામડીના દર્દો, લોહી બગાડ, પાચનની નબળાઈ, સાંધાની તકલીફોના દર્દીઓને આયુર્વેદિક ડો.કેતનભાઈ ભીમાણી સારવાર આપશે. આ સિવાય એક્યુપ્રેસર દ્વારા પણ જૂના રોગોનું નિદાન કરી આપવામાં આવશે. જ્યારે બજરંગ ટ્રસ્ટના કાર્યાલયે શનિ-રવિ સારવાર આપવામાં આવશે. આ કેમ્પમાં રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલિબેન રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર બીનાબેન, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.

આ કેમ્પમાં જ્ઞાતિ આગેવાનો લાભુભાઈ ખીમાણીયા, અનિરુધ્ધસિંહ જાડેજા રીબડા, આહીર સમાજ અગ્રણી બલદેવ ડાંગર અને બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટના પ્રભુદાસભાઈ તન્ના, કે.ડી.કારીયા, ધીરૂભાઈ કોટક, બળવંતભાઈ પૂજારા, ઈશ્ર્વરભાઈ સહિતના સભ્યો કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે.

કેમ્પની માહિતી આપવા માટે ભારતીય યાદવ મહાસભા રાજકોટ શહેર અને જિલ્લાના પ્રમુખ વિક્રમભાઈ ડાંગર, વિજયભાઈ રાઠોડ, કે.ડી.કારીયા, ધૈર્ય રાજદેવ, રોહીતભાઈ કારીયા, ધીરૂભાઈ કોટક, પ્રવિણભાઈ ગેરીયા અને કિશનભાઈ આંબલીયાએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી.

Loading...