સુરેન્દ્રનગર મેગામોલ પાસે યેલ લુંટનો ભેદ ઉકેલાયો: ૩ની ધરપકડ

177
gujarat news | surendranagar
gujarat news | surendranagar

લુંટ સફળ થાય તો માતાજીએ તાવો કરવાની માનતા રાખી હતી, માનતા પુરી કરે તે પહેલા પોલીસે આરોપીને દબોચી લીધા

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં દુકાન ધરાવતા રમેશભાઇ શાહ પાસેથી ૧.૨૦ લાખ રોકડ ભરેલી થેલીની લૂંટ ચલાવી બે શખ્સો ફરાર થઇ ગયાં હતાં. આ લૂંટારૂઓ લૂ઼ંટના રૂપિયામાંથી માતાજીનો તાવો કરી પૈસાનો ભાગ પાડે તે પહેલા એલસીબી પોલીસનાં હાથે ઝડપાઇ ગયા હતા જેમાં પોલીસે કલાભાઇ દેવીપુજક, હરેશ દેવીપુજક અને એક સગીર સહીત કુલ ત્રણ શખ્સોને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં શ્રીફળની દુકાન ધરાવતા રમેશભાઈ શાહ રિક્ષામાં બેસીને જયહિન્દ સોસાયટી સામે નિરાલી હોસ્પિટલવાળી ગલીમાં પોતાના ઘરે ચાલીને જતા હતાં. ત્યારે પાછળથી આવેલા બાઈકસવારોએ રૂ. ૧.૨૦ લાખની રોકડ ભરેલી થેલી ઝૂંટવી લઇ જતા ચકચાર ફેલાઇ હતી.

આ બનાવમાં આરોપીઓને શોધી કાઢવા એલસીબી પોલીસે તપાસનાં ચક્રો ગતીમાન કર્યા હતા જેમાં સરદારસિંહ ગોહીલને બાતમી મળી હતી કે કલો દેવીપુજક અને તેના સાગરીતો ચોરીનો મોટો હાથ માર્યો હોઇ વઢવાણ નક્ટીવાવ મેલડી માતાજીનાં મંદિરે તાવો કરી પૈસાનો ભાગ પાડનાર છે.

આથી એલસીબી ટીમે વોચ ગોઠવી કલાભાઇ કેશુભાઇ દેવીપુજક, હરેશભાઇ હીરાભાઇ દેવીપુજક તથા એક સગીર સહીત ત્રણ શખ્સો લૂંટના રૂપિયાનો ભાગ પાડે તે પહેલા રોકડ રૂ. ૧,૧૯,૧૦૦ સાથે ઝડપી લીધા હતા. ત્રણેય આરોપીઓ પોલીસ સમક્ષ કબુલાત કરતા જણાવ્યું હતું કે લૂંટનું કામ હેમખેમ પાર પડે તે માટે માતાજીના તાવાની માનતા માની હતી અને ત્યાર બાદ પૈસાના ભાગ પાડવાના હતાં પરંતુ તે પહેલા જ પોલીસે ત્રણેય શખ્સોને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ.૧,૧૯૧૦૦ ,મોબાઇલ તેમજ બાઇક સહીત કુલ રૂ.૧,૪૯,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમા઼ પીએસઆઇ આર.ડી.ગોહીલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, દિલીપભાઇ, ધવલભાઇ સહીતના જોડાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

Loading...