Abtak Media Google News

ચોટીલા તાલુકામાં કરૂણા અભિયાન અંતર્ગત બર્ડ હેલ્પલાઈન માટે કરવામાં આવેલા કોલનો ઉડાઉ જવાબ આપ્યો

ચોટીલા ગામ તથા તાલુકામાં ઉતરાયણના તહેવાર ને ધ્યાને લઈને વન વિભાગ ગુજરાત ના માર્ગદર્શન હેઠળ વન વિભાગ સુરેન્દ્રનગર દ્વારા વર્ષ ૨૦૧૭થી દર વર્ષે કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવે છે. જેમાં ૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી પતંગના કારણે ઇજા પામેલ કે ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. આ વર્ષે પણ વન વિભાગ સુરેન્દ્રનગર અને ચોટીલા દ્વારા ચોટીલામાં પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઇન નમ્બર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે ગુજરાતનો ૧૯૬૨ એનિમલ હેલ્પ લાઇન નમ્બર અને બીજો ફોરેસ્ટ ઓફીસના અધીકારીનો નંબર જાહેર કરવામાં આવ્યો હતો.

પણ સરકારી તાયફા ની જેમ એનિમલ હેલ્પ લાઇન નંબર ૧૯૬૨માં ચોટીલાના યુવાન પ્રિયંકભાઈ પ્રજાપતિ અને સાવનભાઈ પ્રજાપતિ બંને ભાઈઓએ ઘાયલ કબૂતર જોતા સંપર્ક કરતા નિરાશા સાંપડી હતી અને કોલ સેન્ટર દ્વારા જણાવેલ કે, ચોટીલામાં આવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. બાદ તુરંત જ ચોટીલાના બર્ડ હેલ્પલાઇન નંબર ૯૨૬૫૧ ૦૬૭૩૨ પર સંપર્ક કરતા ત્યાં પણ કોલ કનેક્ટના થતા કબૂતરની પ્રાથમિક સારવાર કરી મોટા વૃક્ષ પર મૂકી દીધું હતું. હવે મુખ્ય વાત એ છે કે આપણા મુખ્યમંત્રીની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ ચાલતું આ કરુણા અભિયાન બાબતે સરકારી અધિકારીઓની આવી ઘોર બેદરકારી કેમ ?

આ બાબતે ચોટીલાના  મોહસીનખાન પઠાણે સુરેન્દ્રનગર જિલ્લા ડી.એફ.ઓ.એચ.વી. મકવાણાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે આ બાબતે ખેદ વ્યક્ત કર્યો હતો અને તુરંત જ ચોટીલા આર.એફ.ઓ.ને સૂચના આપતા તેમના દ્વારા લુલો બચાવ કરી જે કર્મચારી પાસે મોબાઈલ છે તે જંગલ માં નોકરી પર ગયા હોવાની વાત જણાવી હતી. જ્યારે આ બનાવ બપોરે ૦૪:૦૦ વાગ્યાનો હોઈ ત્યાર થી રાત્રીના ૦૮:૦૦ વાગ્યા સુધી નંબર બંધ હતો. બાદમાં ચાલુ થતા તેમને પોતે આર.એફ.ઓ. જે.એમ.સરવૈયા તરીકે ઓળખ આપી હતી. અમારી ઓફીસ ચોટીલા ડુંગર પાસે હોઈ તો નેટવર્ક પ્રોબ્લેમના કારણે કોલ લાગી શક્યા ન હોવાની વાત કરી હતી હવે પ્રશ્ન એ થાય કે આ બંને વાત માં સાચું કોણ ? જિલ્લાના ડી.એફ.ઓ કે ચોટીલાના આર.એફ.ઓ. તે બાબતે પણ યોગ્ય તપાસ થવી જોઈએ. હવે જોવાનું એ રહ્યું કે સરકાર અને વન વિભાગ દ્વારા પક્ષીઓના જીવ બચાવવા માટે બનાવેલી હેલ્પ લાઇન માં આવી ઘોર બેદરકારી બદલ તંત્ર શું કાર્યવાહી કરે છે. તેવી જીવદયા પ્રેમીઓમાં ચર્ચાઓ થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.