Abtak Media Google News

સુરેન્દ્રનગર ખાતે કોમન ફેસીલીટી સેન્ટર અને ખાદીભવનનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લા સર્વોદય વિકાસ મંડળ દ્વારા ખાદી ગ્રામોદ્યોગ આયોગ મુંબઈની કે.આર.ડી.પી. યોજના અંતર્ગત નિર્માણ પામેલ કોમન ફેસીલીટી સેન્ટર અને ખાદી ભવનનો ઉદ્દઘાટન સમારોહ ખાદી અને ગ્રામોદ્યોગના અધ્યક્ષશ્રી વી.કે.સકસેનાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે અધ્યક્ષ વી.કે.સકસેનાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ૬૦ થી વધારે ખાદીની સંસ્થાઓ કાર્યરત છે. સુરેન્દ્રનગર જિલ્લો એ સમગ્ર રાજ્યમાં ખાદીનું કેપીટલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, રાજય સરકાર દ્વારા શાળામાં શિક્ષકોને ફરજીયાત ખાદી પહેરવાનો નિયમ લાગુ કરાતા ખાદી ઉદ્યોગને આગવું બળ મળ્યું છે. અધ્યક્ષએ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી સંદર્ભે જણાવ્યું હતું કે, ગાંધીજીનું સ્વપ્ન હતું કે દરેક વ્યક્તિ ખાદી પહેરે આ સ્વપ્ન પુરુ કરીને ખરાઅર્થમાં રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલી આપવા આહવાન કર્યુ હતું.

7537D2F3 2

આ પ્રસંગે ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના અધ્યક્ષ કુશલસિંહ પઢેરીયાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજયમાં વિવિધ સ્થળોએ થયેલ ખાદી ઉત્સવની ઉજવણીથી ખાદી વેચાણમાં ખુબ જ સારો વધારો થવા પામ્યો છે. આમ, ખાદી ઉદ્યોગના કારણે છેવાડાના માનવીને રોજગારી મળી રહે છે.

આ પ્રસંગે  સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા તેમજ અગ્રણી દેવેન્દ્રભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું તેમજ કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા સર્વોદય વિકાસ મંડળના અધ્યક્ષ ખીમજીભાઈ સિંધવે સ્વાગત પ્રવચન કર્યું હતું અને અંતમાં  વિજેન્દ્રસિંહે આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે અગ્રણી સર્વશ્રી નરસિંહભાઈ ચૌધરી, વલ્લભભાઈ લાખાણી, ગોરધનભાઈ વાઘેલા સહિત ખાદી ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગરો  ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.