સબરીમાલા મંદિરની ધાર્મિક પરંપરામાં ‘દખલ’ કરવાનો સુપ્રીમનો ઈન્કાર

104

સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા બાદ રીવ્યુ અરજી દાખલ થતા સુપ્રીમ કોર્ટે આ મુદ્દાને ૭ જજની બેન્ચ પાસે મોકલ્યો છે

કેરળ ખાતે આવેલા સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓને પ્રવેશ ન આપવા માટેનો નિર્ણય મંદિર અને કેરેલા સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો તેને પડકારી સુપ્રીમ કોર્ટે આ અંગે ૨૮ સપ્ટેમ્બરે સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓનાં પ્રવેશ અંગે ચુકાદો આપ્યો હતો પરંતુ સુપ્રીમનાં ચુકાદા સામે ફરી એક વખત રીવ્યુ અરજી દાખલ કરવામાં આવી હતી ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદાને ૭ બેંચની જજ સમક્ષ મુકવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે જણાવતા કહ્યું હતું કે, સબરીમાલા મંદિરની ધાર્મિક પરંપરામાં સુપ્રીમ કોર્ટ કોઈપણ પ્રકારની દખલ નહીં કરે. આ તકે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, મંદિરની પરંપરા હજારો વર્ષ જુની છે જેથી કોઈપણ ધાર્મિક લાગણી ન દુભાય તે માટે કોઈપણ પ્રકારનો ચુકાદો સુપ્રીમ દ્વારા હાલ આપવામાં નહીં આવે. ૭ જજોની બેન્ચમાં ચીફ જસ્ટીસ એસ.એ.બોબડે, જસ્ટીસ બી.આર.ગવાઈ અને જસ્ટીસ સુર્યકાન્ત હોવાની વાત સામે આવી રહી છે. પાંચ જજની બેંચે સબરીમાલા મુદ્દો ૧૪ નવેમ્બરનાં ૭ જજની બેન્ચને સોંપ્યો હતો.

કેરળના સબરીમાલા મંદિર જવાથી રોકવામાં આવેલી બિંદુ અમ્મિની અને રેહાના ફાતિમાની અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કોઈ પણ આદેશ આપવાથી ઈન્કાર કર્યો છે. બંને મહિલાઓએ અરજી દાખલ કરીને માંગ કરી હતી કે કેરળ સરકાર તરફથી તેમને પોલીસ સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવે. તેની પર ચીફ જસ્ટિસ એસ એ બોબડેની અધ્યક્ષતા વાળી બેન્ચે શુક્રવારે સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું કે આ મુદ્દો ભાવનાત્મક છે અને અમે કોઈ હિંસાની સ્થિતિ ઈચ્છતા નથી. બેન્ચે કહ્યું કે કેટલાક મુદ્દાઓ એવા છે જેનાથી દેશમાં સ્થિતિ વિસ્ફોટક બની શકે છે, આ મુદ્દો પણ આવો જ છે. અમે કોઈ હિંસા ઈચ્છતા નથી, મંદિરમાં પોલીસ હોય તે સારી વાત નથી. આ ખૂબ જ ભાવનાત્મક મુદ્દો છે. હજારો વર્ષોથી આ જ પરંપરા છે.

સીજેઆઈએ કહ્યું કે ગત વર્ષે ૨૮ સપ્ટેમ્બરે આવેલો ૫ જજનો નિર્ણય અંતિમ નથી. કોઈ પણ મહિલા જે મંદિર જવા ઈચ્છે છે, તે જાય. જોકે હવે ચુકાદાને રિવ્યૂ માટે ૭ જજની બેન્ચની પાસે મોકલવામાં આવ્યો છે. તે જ બેન્ચ હવે તેની પર નિર્ણય લેશે. બિન્દુની વકીલ ઈંદિરા જયસિંહે કોર્ટને કહ્યું કે અમે અહીં હિંસાને રોકવા માટે આવ્યા છીએ. દેશ અહિંસા પર ટક્યો છે. અમે હિંસાને પ્રોત્સાહન આપવા માંગતા નથી. મારા ક્લાયન્ટ દલિત અને હિન્દુ છે. તે આસ્તિક છે અને મંદિર જઈ ચૂકી છે. જ્યારે બિન્દુએ કહ્યું કે કોર્ટે મોટી બેન્ચમાં સુનાવણીની વાત કરી છે. આ કારણે અમે નિર્ણયની રાહ જોઈશું.

આ તકે સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો કેરેલા સરકાર અને મંદિરનાં સતાધીશો ૧૦ થી ૫૦ વર્ષ વયની મહિલાઓને પ્રવેશ આપવા માટે સ્વિકૃતિ આપશે તો સુપ્રીમ કોર્ટને કોઈપણ પ્રકારનો વાંધો નહીં હોય. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલો ચુકાદો શિરોમાન્ય હોય છે અને જો તેની કોઈ અવગણના કરતુ હોય તો તેને દંડ પણ ફટકારવામાં આવતો હોય છે પરંતુ સબરીમાલા મુદ્દો ધાર્મિક હોવાનાં કારણે સુપ્રીમ કોર્ટ સીધો કોઈ ચુકાદો નથી આપવા માંગતી જેથી કોઈપણ વિસંગતતા અને કોઈપણ પ્રકારે રોષ ન ફાટે.

Loading...