અયોધ્યામાં રામ મંદિરના દરવાજા કાયમ માટે ખુલ્લા સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

રામ પહેલા કે બાબર પહેલા?

મસ્જિદ બનાવવા માટે સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ પાંચ એકર જમીન આપવા સુપ્રીમ કોર્ટનો રાજ્ય સરકારને હુકમ: ૧૩૪ વર્ષ જૂના અયોધ્યા કેસનો ચૂકાદો આવતા દેશમાં દિવાળી

રામ મંદિર બનાવવા માટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં યોજના તૈયાર કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ: નરસિમ્હા રાવની સરકારમાં વિવાદીત ઢાંચાને તોડી પાડવાની ઘટના રામ મંદિરના નિર્માણ માટે બની સેતુબંધ

કરોડો હિન્દુઓની લાગણીનો આજે ભવ્ય વિજય થયો છે. ૧૩૪ વર્ષ જુના અયોઘ્યા કેસનો આજે દેશની સર્વોચ્ચ અદાલતે ઐતિહાસિક અને હિન્દુઓની તરફેણમાં ચુકાદો આપ્યો છે. અયોઘ્યાની વિવાદિત જમીન રામલલ્લાને આપવામાં આવી છે. અયોઘ્યામાં રામમંદિરનાં નિર્માણ માટે ૩ મહિનામાં જ યોજના બનાવવા માટે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે સાથો સાથ મસ્જિદ બનાવવા માટે સુન્ની વકફ બોર્ડને અન્ય સ્થળે ૫ એકર જમીન ફાળવવા પણ રાજય સરકારને સુચના આપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ ઉપરાંત ધનંજય યશવંત ચંદ્રચુડ, અશોક ભુષણ, એસ.અબ્દુલ નઝર અને અરવિંદ બોબડે સહિતનાં પાંચ જજોની બેંચે આજે સવારે ૧૦:૩૦ કલાકથી ૧૩૪ વર્ષ જુના અયોઘ્યા કેસનો ચુકાદો આપવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી. પાંચ જજોની બેન્ચે એક પછી એક અરજી અંગે ક્રમશ: સુનાવણી આપી હતી. સીયા વકફ બોર્ડનો મસ્જિદ ઘોષિત કરવાનો તથા નિર્મોહી હિન્દુ અખાડાનો વિવાદિત ઢાંચા નીચે જુની જગ્યાએ રામ મંદિરની રચના હોવાનો દાવો ફગાવી દીધો હતો. ૧૯૯૨માં તત્કાલીન વડાપ્રધાન નરસિમ્હા રાવની સરકારમાં અયોઘ્યામાં વિવાદીત બાબરી મસ્જીદનો ઢાંચો તોડી પાડવાની ઘટના આજે ૨૭ વર્ષ બાદ રામમંદિરનાં નિર્માણ માટે જાણે સેવા સેતુ બની હોય તેવું સાબિત થયું છે. અયોઘ્યાની વિવાદીત જમીન સુપ્રીમ કોર્ટનાં પાંચ જજોની બેન્ચે રામલલ્લાને સોંપી છે જયારે અયોઘ્યામાં મસ્જિદ બનાવવા માટે સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન ફાળવવા માટે ઉતરપ્રદેશ સરકારને આદેશ આપવામાં આવ્યો છે. આટલું જ નહીં મંદિરનાં નિર્માણ માટે નિયમ બનાવવા કેન્દ્ર સરકારને યોજના તૈયાર કરવા ૩ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ૧૩૪ વર્ષ બાદ અયોઘ્યા કેસનો ચુકાદો આવતા આજે દેશમાં જાણે દિવાળી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ જ્ઞાતિ અને ધર્મનાં લોકોએ આ ચુકાદાને હોંશભેર આવકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોનાં દાવાઓ અંગેની સુનાવણી ક્રમશ: હાથધરી હતી જેમાં કોર્ટે જણાવ્યું હતું કે, એક વ્યકિતની આસ્થા બીજાનો અધિકાર ન છીનવે તેનું કોર્ટે ખાસ ધ્યાન રાખવાનું છે. મસ્જિદ વર્ષ ૧૫૨૮માં બની હતી તેનાથી કોઈ ફરક પડતો નથી. નમાઝ પઢવાની જગ્યાને મસ્જિદ માનવામાં આવે તો તેના પર કોર્ટ મનાઈ કરી શકતી નથી. કોર્ટે સુનાવણીમાં અંતે રામલલ્લા અને સુન્ની વકફ બોર્ડ બંનેને મુખ્ય પક્ષકારો માન્યા હતા. રામલલ્લાનો એએસઆઈ રીપોર્ટનાં દાવા અંગે કોર્ટે કહ્યું હતું કે, પુરાતત્વ વિભાગીય ખોદ કામ કરતા જે કલાકૃતિ મળી આવી હતી તે ઈસ્લામિક ન હતી. આ જગ્યાએથી મળી આવેલી ૧૨મી સદીની ભગવાનની મૂર્તિઓનો એએસઆઈનો રીપોર્ટ માન્ય ગણી શકાય છે. કોર્ટે એવું પણ માન્યું હતું કે, ૧૮૫૬ પૂર્વે હિન્દુઓ વિવાદિત જગ્યા ઉપર પુજા કરતા હતા બાદમાં તેઓને રોકવામાં આવતા તેઓ બહાર ચબુતરા પાસે પુજા કરવા લાગ્યા હતા જોકે આ વિવાદ અંગ્રેજોએ બંને ભાગને અલગ રાખવા માટે રેલીંગ બનાવી દીધી હતી.

વધુમાં સુન્ની વકફ બોર્ડે એવી ટીપ્પણી કરી હતી કે, જો હિન્દુઓ ગર્ભગૃહને જન્મસ્થાન માનતા હોય તો તેઓ ચબુતરા પાસે પુજા કેમ કરતા હતા તેનાં જવાબમાં કોર્ટે કહ્યું હતું કે, હિન્દુઓને જે-તે સમયે અંદર જવાની મનાઇ ફરમાવવામાં આવી હતી માટે હિન્દુઓ રેલીંગની બહારથી પુજન કરતા હતા. ઉપરાંત કોર્ટે પુરાતત્વ વિભાગ તરફથી મળેલા પુરાવાઓને રામલલ્લા પક્ષની તરફેણમાં હોવાનું જણાવ્યું હતું.

‘અશોક સિંધલ’ રામજન્મભૂમિનાં મહાનાયક

વિશ્ર્વ હિન્દુ પરીષદનાં અધ્યક્ષ અશોકજી સિંધલ આજે વિશ્ર્વ હિન્દુ પરીષદનાં પર્યાય છે. અશોકજી એટલે રામમંદિર, અશોકજી એટલે ધર્મસંસદ, અશોકજી એટલે વીએચપી એવો સહભાવ વ્યકત થાય છે. તેમણે સંપૂર્ણ જીવન મન, ધન અને આત્મા બધું જ હિન્દુ સમાજને અર્પણ કરી દીધું હતું. હિન્દુ સમાજના: કાર્યમાં તથા સંતો સેવામાં જીવન તેઓએ ઓગાળી દીધું હતું. ભારતનાં ઈતિહાસમાં રામજન્મભૂમિનાં મહાનાયક તરીકે અશોક સિંધલને માનવામાં આવે છે. અશોક સિંધલ ૭ એપ્રિલ ૧૯૮૪માં દિલ્હીમાં પ્રથમ ધર્મસભાનું આયોજન હાથ ધરાયું ત્યારબાદ તુરંત જ રામજન્મભૂમિ આંદોલન સમાજ વચ્ચે લઈ જવાયું અને ધર્મસંસદની મહાન કલ્પના અશોકજીની જ હતી. વાસ્તવમાં ગુજરાત વિશ્ર્વ હિન્દુ પરીષદે અશોકજીનાં જીવનમાંથી પ્રેરણા લઈ ૧૨ હજાર ગામમાં રામશિલા પુજન કરી ગુજરાતને કેસરી બનાવ્યું હતું. સંત જીવન જીવનાર સંન્યાસી સમાન અશોકજીનું જીવન રામભકતો, હનુમાનભકતો અને દેશભકતો એમ સૌના માટે સદાપ્રેરણારૂપ રહેશે. અશોકજીનાં જીવને બતાવ્યું કે ભારત એ સંતોની ભૂમિ છે. અયોઘ્યા પથીક એટલે અશોકજી. રામ જન્મભૂમિ ઉપર ભવ્ય મંદિર બનાવવાની અશોકજીની જીવન ઈચ્છા આજે પૂર્ણ થાય તેવું લાગી રહ્યું છે.

ભૂમિ પર તો માત્ર હિન્દુઓનો જ અધિકાર

સપ્ટેમ્બર ૨૦૧૦માં જયારે અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયની લખનો પીઠે દૈનિક સુનવણી શરૂ કરી તો બહુમત હિન્દુ સમુદાયનાં પક્ષો બનવા લાગ્યા. એવામાં જન્મસ્થાન પર હિન્દુઓના અધિકારને પડકાર આપનાર કટ્ટરવાદી સમૂહ સ્પષ્ટરૂપથી રાજનૈતિક છે. તેઓનો ગુસ્સો હવે વધવા લાગ્યો છે. કારણકે મુસ્લિમ સમુદાયની અંદરથી જ હવે મંદિરનાં સમર્થનમાં અવાજ ઉઠવા લાગ્યો છે ત્યારે વિરોધનો ઝંડો લઈને ફરતા આવા લોકોથી હિન્દુઓએ સચેત રહેવાની જરૂર છે, કારણકે સતાનાં દરેક કેન્દ્રોમાં આ લોકોની પહોંચ છે.

૧૦ કરોડ લોકોની સહીવાળુ આવેદન રાષ્ટ્રપતિને અપાયું હતું

૧૯૯૩માં દેશભરમાંથી ૧૦ કરોડ નાગરિકોનાં હસ્તાક્ષરવાળું એક આવેદનપત્ર તત્કાલીન રાષ્ટ્રપતિને આપવામાં આવ્યું હતું. જેમાં એક પંકિતનો સંકલ્પ હતો કે, હાલ જે સ્થાને રામલલ્લા બિરાજમાન છે તે જ સ્થાન શ્રીરામ જન્મભૂમિ છે અને અમારી આસ્થાનું પ્રતિક છે માટે મંદિર તો ત્યાં  જ નિર્માણ પામવું જોઈએ.

મુસ્લિમ વિદ્ધાનોએ સ્વીકાર્યું કે રામમંદિર તોડી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું

હિન્દુ પુરાણો અને સાહિત્ય જ નહીં, પરંતુ મુસ્લિમ લેખકો તેમજ વિદ્ધાનોએ પણ અયોઘ્યાને રામની જન્મભૂમિ માની છે. તેમણે એ વાતની પુષ્ટિ કરી છે કે આ સ્થળે હિન્દુઓનું મંદિર હતું. જેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી. ૧૭મી સદીનાં ઈતિહાસમાં મોટાભાગનાં મુસ્લિમ લેખકો એવા હતા જેમણે પોતાનાં પુસ્તકોમાં સ્વીકાર કર્યો છે કે મંદિર તોડી મસ્જિદ બનાવવામાં આવી. આ લેખકોમાં મોટાભાગનાં લેખકો અવધ (અયોઘ્યા)નાં જ હતા. લેખકો અનુસાર ૧૫૨૮-૨૯માં બાબરના આદેશ પર મુસ્લિમ ફકીર સૈયદ મુસા આશિકનને ખુશ કરવા માટે સેનાપતિ મીરબાકીના નેતૃત્વમાં મંદિર તોડી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું. લેખકો અનુસાર રાજા દશરથનું મહલશાહી અને સીતાનું રસોડું પણ તોડવામાં આવ્યું અને તેના સ્થળે મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું. ‘અકબરનામા’નાં પ્રખ્યાત મુધલકાળના લેખક અબુલ ફઝલે અવધને (અયોઘ્યાને) શ્રીરામનું નિવાસસ્થાન ગણાવ્યું છે. તેમના મત અનુસાર રામ ત્રેતાયુગનાં મહાપુરુષ હતા. અવધ (અયોઘ્યા)ને પ્રાચીનકાળનું મહત્વનું તીર્થ ગણાવતા તે લખે છે કે રામનવમી (રામનો જન્મદિવસ) એ અહીં હંમેશા હિન્દુઓ મોટી સંખ્યાએ એકત્રિત થતા. હિન્દુ શ્રદ્ધાળુઓ ખુબ જ ધામધુમ તેમજ હર્ષોલ્લાસ સાથે રામનવમીનો તહેવાર ઉજવશે. શફી-એ-ચહલનાં શાહી બહાદુરશાહીમાં ઔરંગઝેબની પૌત્રીએ લખ્યું છે કે, બાબરી મસ્જિદનાં નિર્માણ માટે રામજન્મભૂમિનાં મંદિરને નષ્ટ કરવામાં આવ્યું.

હિન્દુઓનાં ૭ મહત્વનાં તીર્થસ્થાનોમાં અયોઘ્યાનો પણ સમાવેશ

સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં અયોઘ્યાનાં માહાત્મય અધ્યાયમાં એ વર્ણન મળે છે કે ૧૨મી સદી તેમજ ૧૩મી સદીમાં હિન્દુ તો આ સ્થળને પોતાનું મુખ્ય પવિત્ર તીર્થ માનતા હતા. હિન્દુઓ આ સ્થળની યાત્રાને પોતાનું સૌભાગ્ય માનતા હતા. અયોઘ્યાનાં માહાત્મયમાં રામજન્મભૂમિનું વિસ્તારથી યશગાન કરવામાં આવ્યું છે. પુરાણમાં આ શ્રી રામ જન્મસ્થળ છે. લોમરા આશ્રમની પશ્ર્ચિમમાં તેમજ વશિષ્ટ કુંડની ઉતરમાં દર્શાવવામાં આવ્યું છે. પુરાણોમાં અયોઘ્યાને હિન્દુઓના સાત મહત્વનાં તીર્થસ્થળોમાંથી એક માનવામાં આવ્યા છે. એવા અનેક પુરાવા મળે છે. જેના આધારે ચોકકસપણે કહી શકાય કે અયોઘ્યામાં જ રામનો જન્મ થયો હતો અને તેથી જ હિન્દુ આ સ્થળને પોતાનું પવિત્ર તીર્થસ્થળ માને છે.

હિન્દુ પુરાણોમાં આ સ્થળને રામજન્મભૂમિ માનવામાં આવી છે

ઐતિહાસિક પુરાવાઓ પરથી લાગે છે કે વિદેશી આક્રમણખોર બાબરના આદેશ પર મીરબાકીએ લોમશુ આશ્રમની પશ્ર્ચિમમાં અને વશિષ્ટ કુંડની ઉતરમાં  મસ્જિદનું નિર્માણ કર્યું હતું. હિન્દુ પુરાણોમાં આ સ્થળને રામજન્મભૂમિ માનવામાં આવી છે. મીર બાકીએ મસ્જિદનાં નિર્માણમાં પ્રાચીન હિન્દુ મંદિરમાં લાગેલ ૧૪ કાળા આરસના પથ્થરોથી બનેલ સ્તંભનો ઉપયોગ કર્યો છે, જેના કારણે હિન્દુઓને આ સ્થળ સાથે લગાવ રહ્યો છે અને તેમણે આ સ્થાનનાં પ્રાંગણમાં રામ ચબુતરો બનાવ્યો એ વાતની ઘણી સાબિતી છે કે હિન્દુ આ સ્થળ પર નિયમિત રીતે પુજા કરતા હતા. વિદેશી આક્રમણખોરનાં આક્રમણો અને રામજન્મભૂમિ સ્થળ પર તેમના કબજાના કારણે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કડવાશ ઉત્પન્ન થઈ, જેના કારણે ૧૮-૧૯-૨૦મી સદીમાં વિવાદ તેમજ ઝઘડા થતા રહ્યા છે.

ડાબેરીઓની રામજન્મભૂમિ વિરૂધ્ધ જેહાદ

ન્યાયમૂર્તિ સુધીર અગ્રવાલ, ડી.વી.શર્મા અને એસ.યુ.ખાનનાં ચુકાદાથી વામપંથી બુદ્ધિજીવીઓ ખાસ કરીને પ્રાઘ્યાપક રોમિલા પાથર, ડી.એન.ઝા, શિરિન મુસવી, ઈરફાન હબીબ, ડી.મંડલ, સુપ્રિયા વર્મા, જયા મેમન અને સીતારામ રોય જેવા લોકોને આઘાત પહોંચે એ સ્વાભાવિક હતું. આ લોકો પહેલેથી જ વિવાદિત માળખાના પક્ષમાં જોરદાર કટ્ટર દલીલો કરતા હતા પરંતુ હકિકત એ પણ છે કે, આ લોકો હાઈકોર્ટ સામે પોતાના દાવાઓને સાબિત કરવામાં ધરાર નિષ્ફળ રહ્યો છે. ડાબેરી-વામપંથીઓ દ્વારા ૧૯૮૯માં જવાહરલાલ નહેરૂ વિશ્ર્વ વિદ્યાલયમાં વિદ્ધાનોનાં નેતૃત્વમાં શ્રીરામ જન્મભૂમિ વિરુઘ્ધ રીતસરની જેહાદ શરૂ કરી હતી, જે જોતજોતામાં સમગ્ર દેશમાં પ્રસરી ગઈ. આ લોકોએ દુષ્પ્રચાર કર્યો કે રામનું કોઈ અસ્તિત્વ જ નથી. તેઓનો દાવો હતો કે, વર્તમાન સમયનું અયોઘ્યા મુળરૂપે સાંકેત નામનું નગર હતું જે હકિકતમાં બૌદ્ધ મતાવલંબીઓનો ગઢ હતું. બાબરી માળખું તો ખાલી પડેલી જમીન પર બાંધવામાં આવ્યું હતું. આ આખો વિવાદ તો અંગ્રેજો દ્વારા હિન્દુ-મુસ્લિમોમાં ફૂટ પડાવવા પેદા કરવામાં આવ્યો હતો.

ઈમારતમાંથી શિલાલેખ મળ્યો

૬ ડિસેમ્બર, ૧૯૯૨નાં રોજ કથિત બાબરી મસ્જિદ તુટી રહી હતી તે દરમિયાન પ્રાપ્ત એક શિલાલેખ વિશેષજ્ઞોને અભ્યાસ માટે સોંપી દેવામાં આવ્યો હતો. પુરાતત્વવિદોનાં ઉંડા અભ્યાસમાં જે વિગતો બહાર આવી તે મુજબ શિલાલેખ ૧૧૫૪નાં સમયનો છે, જેના પર સંસ્કૃત ભાષામાં ૨૦ પંકિતઓ લખેલી છે. તેનો પ્રારંભ ૐ નમ:શિવાયથી થાય છે. શિલાલેખમાં સુવર્ણકળશનું તેમજ અયોઘ્યાનાં સૌંદર્યનું વર્ણન છે. આ અભ્યાસ જ સાબિત કરી દે છે કે, આ સ્થાને ભૂતકાળમાં ભવ્ય મંદિર હતું.

બાબરે મંદિર તોડયું હતું

કેટલાક લોકોનું માનવું છે કે અયોઘ્યામાં રામમંદિર તોડીને મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું નથી. આટલું જ નહીં પણ આ લોકોની બાળબુદ્ધિ રામને ઐતિહાસિક પાત્ર માનવા પણ તૈયાર નથી. પરંતુ તે લોકો ભુલી જાય છે કે અયોઘ્યામાં રામમંદિરને ઘ્વંશ કરીને મસ્જિદ બનાવવામાં આવી છે. તેને લગતી ઘણી એવી સચોટ સાબિતીઓ સામે આવી છે જે સાબિત કરવા પુરતી છે કે રામનો જન્મ અયોઘ્યામાં થયો હતો. બાબરે આ મંદિરને તોડાવી ૧૫૨૮માં એક વૈકલ્પિક ઈમારત બનાવી હતી. પુરાતત્વ તથ્યો ઐતિહાસિક દસ્તાવેજો તથા સાહિત્યિક પુસ્તકો તેનું પ્રમાણ છે. વાલ્મીકિનાં રામાયણમાં આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે કે અયોઘ્યામાં જ ભગવાન રામનો જન્મ થયો અને તેમનું જીવન આ સ્થળ પર જ વ્યતીત થયું.

૧૯૯૨માં અસ્થાયી મંદિરનું નિર્માણ કરાયું હતું

૩૦ ઓકટોબર, ૧૯૯૨નાં રોજ રાજધાની દિલ્હી ખાતે દેશભરનાં સંતો દ્વારા પાંચમી ધર્મસભાનું આયોજન કરી ઘોષણા કરવામાં આવી કે, આગામી ગીતા જયંતી ૬ ડિસેમ્બર, ૧૯૯૨નાં દિવસથી કારસેવાનો પુન: પ્રારંભ કરવામાં આવશે. સંતોનાં આ આહવાનથી દેશભરમાંથી લાખો કારસેવકો અયોઘ્યા પહોંચવા લાગ્યા અને ૬ ડિસેમ્બર ૧૯૯૨નાં રોજ અયોઘ્યા ખાતે એકત્રિત થયેલા લાખો રામભકતોનાં રોષે તાંડવનું સ્વરૂપ ધારણ કર્યું જેમાં કથિત બાબરી ઢાંચો જમીનદોસ્ત બન્યો.  ૬ ડિસેમ્બર, ૧૯૯૨નાં રોજ કથિત બાબરી ઢાંચાનાં ઘ્વંશ બાદ રામભકતોએ વચ્ચેના ગુંબજની જગ્યાએ ભગવાન શ્રીરામનું સિંહાસન સ્થાપિત કરી પુજાનો પ્રારંભ કરી દીધો ત્યારબાદ લાખો રામભકતો દ્વારા ૩૬ કલાકમાં અને એ પણ કોઈપણ પ્રકારનાં ઓજારો વગર પોતાના હાથથી તે સ્થાનની ચારેબાજુ દીવાલો ઉભી કરી ઉપર કપડાની છત બનાવી દેવામાં આવી. રામભકતો દ્વારા ૫-૫ ફુટ ઉંચી અને ૨૫ ફુટ લાંબી અને ૨૫ ફુટ પહોળી દીવાલો ચણાઈ અને આ રીતે બની ગયું રામલલ્લાનું મંદિર. આજે પણ તે જગ્યાએ પુજા-અર્ચના થઈ રહી છે. બસ હવે ત્યાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બાંધવાનું બાકી છે.

Loading...