આર.ડી.એકસ પ્રકરણમાં મમુમીંયા અને દાદલીમીંયાનીબિન તહોમત છોડવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

73

મુંબઈ સિરિયલ બ્લાસ્ટનાં વિસ્ફોટકો કાર મારફતે પહોંચાડયો’તો: ૪૬ શખ્સોની ધરપકડ કરી’તી: દાઉદ ઈબ્રાહીમ સહિત ૧૫ ભાગેડુ જાહેર

વર્ષ ૧૯૯૨માં બાબરી ઘ્વંશ બાદ કોમી રમખાણો સર્જવાના કાવતરારૂપે વર્ષ ૧૯૯૩માં દાઉદ ઈબ્રાહીમ સહિતના દેશદ્રોહી તત્વોએ મોકલાવેલો મોતનો સામાન જામનગરના દરીયામાં અન્ય વહાણમાં લેન્ડીંગ કરવાના ગુનામાં પકડાયેલા ૪૬ શખ્સો પૈકીના સૈયદબુખારી જુસબમીયા ઈસ્માઈલ મિયા ઉર્ફે દાદલીમિયા પંજુમીયા અને તેનો ભાઈ ઉમરમિયા ઈસ્માઈલ મિયા ઉર્ફે મમુમીયા પંજુમીયા સહિત બંને ભાઈઓને ટાડા કેસમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજી જામનગર ખાતની સ્પે.કોર્ટે ફગાવી દીધા બાદ જામનગર કોર્ટના હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગતી અપીલ દાખલ કરવામાં આવી હતી જેનો લાંબો કાનૂની જંગ બાદ સુપ્રીમ કોર્ટે પણ દેશદ્રોહી મમુમીયા પંજુમીયા અને દાદલીમીંયા પંજુમીયાની બિનતહોમત છોડવાની અરજી નામંજૂર કરી છે.

વધુ વિગત મુજબ બાબરી ઘ્વંશ બાદ દેશમાં કોમી રમખાણો સર્જવાના ભાગરૂપે દરિયાઈ માર્ગે વિસ્ફોટક પદાર્થ અને ગેરકાયદેસર હથિયારો ઘુસાડી ભાંગફોડ કરવા વર્ષ ૧૯૯૩માં દાઉદ ઈબ્રાહીમ મારફતે ઘુસાડવામાં આવેલા આરડીએકસ અને હથિયારો સહિત વિસ્ફોટક સામગ્રી જામનગરના દરિયાઈમાં બોરમાંથી બે વહાણમાં ડિસ્ટ્રીબ્યુટ કરી જે પૈકી એક વહાણ મારફતે પોરબંદરના ગોસાબાર ખાતે વિસ્ફોટકો ભરેલું લેન્ડીંગ કરવામાં આવ્યું હતું.

ગોસાબાર ખાતે લેન્ડીંગ કરેલા વિસ્ફોટકો સામાન કાર મારફતે મુંબઈ પહોંચાડવામાં આવ્યો હતો જે આરડીએકસમાંથી મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરી નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો. દાઉદ ઈબ્રાહીમ, મુસ્તુફા આમદ ઉમર ડોસા, ધોરાજીના વતની જુસબમીયા ઉર્ફે દાદલીમીયા, ઈસ્માઈલ મીયા ઉર્ફે પંજુમીયા સૈયદ બુખારી અને ઉમરમીયા ઉર્ફે મમુમીયા ઈસ્માઈલ મીયા ઉર્ફે પંજુમીયા સહિતના શખ્સો સામે જામનગરમાં ટાડાનો ગુનો નોંધાયો હતો. પોલીસે ૪૬ શખ્સોની ધરપકડ કરી હતી જયારે ૧૫ શખ્સોને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા.

આ કેસમાં સ્પે.ટાડા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવેલી તેમજ સરકાર દ્વારા સ્પ્રે.પી.પી.તરીકે એમ.એ.મહેતા અને તુષાર ગોકાણીની નિમણુક કરવામાં આવી હતી. લાંબા સમયથી નાસતા ફરતા રહેતા મમુમીયા પંજુમીયા બંધુની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ મમુમિયા દાદલીમિયા બંધુએ જામનગર ખાતે ટાડા કોર્ટમાં ટાડાની કલમમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજી કરી હતી. જેમાં સ્પે.કોર્ટના જજ પી.સી.રાવલ સમક્ષ ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજુઆતના અંતે સરકાર પક્ષ અને સ્પે.પી.પી.તરફે કરાયેલી દલીલ અને દસ્તાવેજી પુરાવાના અંતે ન્યાયધીશે મમુમિયા દાદલીમિયા બંધુની ડિસ્ચાર્જ કરવાની અરજી ફગાવી નામંજુર કરી હતી જેની સામે બન્ને ભાઈઓએ સુપ્રીમ કોર્ટમાં દાદ માંગતા જેમાં જસ્ટીસ એસ. એ. બોબડે અને બી. આર. ગવાઈની ખંડપીઠે દ્વારા લાંબા કાનૂની જંગ બાદ દાદલીમીંયા અને પંજુમીયાની બિનતહોમત છોડી મુકવાની અરજી ફગાવી દેતા હવે જામનગરની સ્પેશ્યલ કોર્ટમાં કાનૂની જંગ જામશે અને આગામી ૯ ઓગષ્ટના રોજ સુનાવણી હા ધરવામાં આવશે. આ કેસમાં સરકાર પક્ષે સ્પે. પી.પી.તરીકે રાજકોટના યુવા એડવોકેટ તુષાર ગોકાણીએ દલીલ કરી હતી.

Loading...