Abtak Media Google News

અદાલતનાં તિરસ્કાર મામલે સુપ્રીમ કોર્ટની બેંચે આપ્યો ચૂકાદો

દંડ ન ભરે તો ત્રણ માસની જેલ ને પાંચ વર્ષ સુધી પ્રેકટીસ પર પ્રતિબંધ: સુપ્રીમ

પ્રશાંત ભૂષણે અદાલત વિરૂધ્ધ ટવીટ કરતા સુપ્રીમે ગંભીર નોંધ લીધી’ તી

અદાલત વિરૂધ્ધ ટવીટ કરવાનાં કેસમાં દોષિત ઠરેલા કાર્યકર્તા અને વકીલ પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે રૂા.૧નો દંડ કર્યો છે. અને ૧૫ સપ્ટેમ્બર સુધીમાં દંડ ન ભરે તો ત્રણ માસની જેલ તથા ત્રણ વર્ષની પ્રેકટીસનો પ્રતિબંધનો આદેશ કર્યો છે.

પ્રશાંત ભૂષણે પોતાની ટવીટ માટે માફી માગવાનો ઈન્કાર કરતા ૨૫ ઓગષ્ટના રોજ જસ્ટીસ અરૂણમિશ્રા, બી.આર. ગવળ અને કૃષ્ણા મુરારીએ દોષિત ઠરાવી સજાનો ચૂકાદો અનામત રાખ્યો હતો. અદાલતની પીઠે ટવીટ મામલે માફી માગવાનો ઈન્કાર કરવાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતુ કે માફી માગવામાં ખોટું શું છે? શું માફીએ ખરાબ શબ્દ છે ?

સુનાવણી દરમિયાન અદાલતની પીઠે ભુષણને ટવીટ સંબંધી માફી વ્યકત નહી કરવા અંગે પૂન: વિચારણા કરવા માટે ૩૦ મિનિટનો સમય પણ આપ્યો હતો.

એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે અદાલતની બેંચને જણાવ્યું કે મારો એવો મત છે કે પ્રશાંત ભૂષણને દંડ કર્યા વિના જ આ મામલો બંધ કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે ૧૪ ઓગષ્ટના રોજ ભૂષણને ન્યાયપાલિકા (અદાલત) વિરૂધ્ધ અપમાનજનક ટવીટ કરવાનાં મામલે અદાલતના લેટરકાર બદલ દોષિત ઠરાવ્યા હતા. આ મામલે તેમને છ માસ સુધીની સામાન્ય જેલ અથવા રૂા.૨ હજાર સુધીનો દંડ અથવા બંને સાથે થઈ શકે છે. જસ્ટીસ અરૂણા મિશ્રાએ જણાવ્યું હતુ કે કયાં સુધી અદાલતોએ આવું ભોગવવું પડશે.

અદાલતની બેંચે જણાવ્યું કે ન્યાયાધીશોની ટીકા કરવામાં આવે છે. તેમના પરિવારોને અપમાનીત કરવામાં આવે છે. તેઓતો બોલી પણ શકતા નથી. પ્રશાંત ભૂષણ નિષ્પક્ષ રહે તેવી આશા છે. તેમ સુપ્રીમે પ્રશાંત ભૂષણના વકીલને જણાવ્યું હતુ. પ્રશાંત ભૂષણ વતી દલીલ કરનાર વરિષ્ઠ વકીલ રાજીવ ધવને દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટ પોતાના ચૂકાદામાં એ કહી શકે કે તે ભૂષણ સાથે સહમત છે. કે નહી ? ધવને એવી પણ જોરદાર દલીલ કરી હતી કે કોઈને પણ અપમાનનો કેસ કરી માફી માગવા માટે મજબૂર કરી શકાય નહી અને વધુમાં કહ્યું કે ભૂષણ દ્વારા હાર્લે ડેવીડસનની ટિપ્પણી પણ ટીકા નથી. રાજીવ ધવને દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટ પોતાના ચૂકાદામાં કોડનું પાલન કેવી રીતે કરવું તે કહી શકે છે. પણ ભૂષણને ચૂપ કરવા માટેનો ઈરાદો ન હોવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે દલીલો દરમિયાન ભૂષણને પૂછયું હતુ કે એ ટવીટ માટે તમને માફી માંગવામાં વાંધો શું છે ? મુશ્કેલી શું છે?

એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે ભારપૂર્વક દલીલ કરી હતી કે અદાલતે ભૂષણને માફી આપવી જોઈએ અને આ મામલે દયાળુ દ્રષ્ટિકોણ રાખવો જોઈએ સુપ્રીમ અદાલતની બેંચે જણાવ્યું હતુ કે વ્યકિતને પોતાની ભૂલનો અહેસાસ થવો જોઈએ અને અમે તેને સમય પણ આપ્યો હતો. પણ તેમણે માફી માગવાનો ઈન્કાર કર્યો હતો.

સુપ્રીમના ચૂકાદા બાદ પ્રશાંત ભૂષણ બપોરે ૪ કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે અને સજા અંગે પોતાનો પ્રતિભાવ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.