Abtak Media Google News

રાજકોટભરમાંથી ઉમટી પડેલી મેદનીએ પુન: મોદીને વડાપ્રધાન બનાવવા સંકલ્પ કર્યો: રાજકોટ રાણીસાહેબા કાદમ્બરીદેવી, મહિલા મોરચાના અંજલીબહેન રૂપાણી, ધનસુખ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ સહિતના અગ્રણીઓ રહ્યા હાજર

રાજકોટમાં ભાજપના લોકસભાના ઉમેદવારના સમર્થનમાં યોજાયું ક્ષત્રીય સમાજનનું સુરાજ્ય નિર્માણ સંકલ્પ સંમેલન

રણજિત વિલાસ પેલેસમાં રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહએ યોજ્યુ ક્ષત્રિયોનું સંમેલન

દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. અનેક ચર્ચા થાય છે. મારે તમને કેટલીક મહત્વની વાતો કરવી છે. સવાલ કરું કે વ્હાય બીજેપી અગેઇન, ભાજપને સત્તા ફરી વાર શા માટે? નરેન્દ્રભાઇ ફરીથી વડાપ્રધાન શા માટે? એક નહીં અનેક કારણ છે. આજે અહીં આ સુરાષ્ટ્ર નિર્માણ સંકલ્પ સંમેલનના માધ્યમથી મારે કહેવું છે કે અમે ભાજપે કંઇક એવું સિધ્ધ કર્યું છે જે દેશની ઉન્નતિ માટે છે હિત માટે છે એટલા માટે નરેન્દ્રભાઇ ફરીથી વડાપ્રધાન બને એ આવશ્યક છે.

આ ઉદગાર હતા રાજ્યના શિક્ષણમંત્રી, વિચક્ષણ વ્યક્તિ અને ક્ષત્રીય સમાજના મોભી એવા ભુપેન્દ્રસિંહજી ચૂડાસમાના. રાજકોટના રાજ પરિવારના નિવાસ સ્થાન-રણજિત વિલાસ પેલેસના પટાંગણમાં બુધવારે સાંજે મળેલા ક્ષત્રીય સમાજના સંમેલનમાં એમણે ફક્ત તાર્કિક નહીં પરંતુ માર્મિક અને વાસ્તવિક મુદ્દા દ્વારા એ વાતની છણાવટ કરી હતી કે ભારતને હજી વધારે સુરાષ્ટ્ર બનાવવું હશે તો નરેન્દ્રભાઇ મોદી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

નરેન્દ્રભાઇના વ્યક્તિત્વ અને રાજ કરવાની શૈલી વિશે એમણે અત્યંત અગત્યની વાતો કરી હતી. રણજિત વિલાસ પેલેસ ખાતે મળેલાં આ સંમેલનમાં રાજકોટના સમસ્ત ક્ષત્રીય સમાજે ૨૩મી એપ્રિલે ભાજપના લોકસભાના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયાને મત આપી,વિજેતા બનાવી દેશનું સુકાન ફરી મજબૂત હાથમાં સોપવા માં આશાપુરાના આશીર્વાદ સાથે શુભ સંકલ્પ કર્યો હતો.

રાજકોટ રાજપરિવારના આંગણે મળેલા આ સુરાષ્ટ્ર સંકલ્પ સંમેલનનું ઉદઘાટન દીપપ્રાગટય કરીને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું હતું. સૌને ઉમળકાભેર, હૃદયપૂર્વક આવકારતાં સ્વાગત પ્રવચનમાં રાજકોટના રાણીસાહેબા કાદમ્બરીદેવીજીએ કહ્યું કે બેલેટ એટલે કે મતની તાકાત બુલેટ-ગોળી, કરતાં વધારે હોય છે. કાદમ્બરીદેવીએ ઉપસ્થિત મહેમાનો અને સમાજના સૌ નિયંત્રીતોનું સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમની શરુઆત મંગળ પ્રાર્થનાથી થઇ હતી. રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની આ ચૂંટણીમાં ફરીથી ભાજપને જીતાડીને દેશને સુરક્ષિત હાથમાં સોંપવા સૌએ નિર્ણય કર્યો હતો. પોતાના વક્તવ્ય પહેલાં ઠાકોર સાહેબ માંધાતાસિંહજીએ આશાપુરા માતાકી જય બોલાવ્યું ત્યારે વાતાવરણ દિવ્ય બની ગયું હતું.

સુરાષ્ટ્ર નિર્માણ સંકલ્પ સંમેલનના અધ્યક્ષપદેથી વિચારપ્રેરક વક્તવ્ય આપતો માનનીય ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ ઉપસ્થિત લોકોને જણાવ્યું કે આવું સંમેલન યોજવાનો વિચાર ઠાકોર સાહેબ માંધાતાસિંહજીને આવ્યો એ ફક્ત ક્ષત્રીય સમાજ માટે નહીં, અન્ય સમાજ માટે પણ પ્રશંસનીય છે. સુરાષ્ટ્ર શબ્દ મોટો છે એની અંદર સ્થિરતા, સુરક્ષા, સુવિધા,સવલત બધું આવી જાય છે.

દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજોને હતું કે આ બધાં ભેગાં નહીં થાય પરંતુ રજવાડાંઓએ પોતાના હિત કરતો દેશનું હિત વધારે અગત્યનું માન્યું. ક્ષાત્રધર્મ બજાવ્યો. ક્ષાત્રધર્મ અને સુરાષ્ટ્ર એકબીજા સાથે જોડાયેલા છે.સુરાષ્ટ્રમાં ક્ષાત્રધર્મ અને ક્ષાત્રધર્મમાં સુરાષ્ટ્ર બન્ને આવી જાય છે. નરેન્દ્રભાઇમાં રાજાનો, ક્ષત્રીયનો ગુણ છે. સુસાશન અને સુરાષ્ટ્રના ઘડતરમાં એ સફળ એટલે થયા છે કે એમનામાં રાજાના ગુણ છે.

ભુપેન્દ્રસિંહજીએ ઉમેર્યું કે ૧૩ વર્ષ નરેન્દ્રભાઇએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે શાસન કર્યું એ કારણે એ દિલ્હી સુધી ગયા છે, દેશે પ્રથમવાર વિકાસની રાજનિતી નરેન્દ્રભાઇને લીધે જોઇ. કોઇ પણ ભેદભાવ વગર એમણે વિવિધ યોજના અમલી બનાવી. કોઇ લાભાર્થી ભાજપને મત ન પણ આપતો હોય તો પણ એને યોજનાનો લાભ તો મળે જ છે. એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમે ચિંતન શિબિરો કરતાં, કર્મયોગી શિબિર કરતાં.

નરેન્દ્રભાઇ અધિકારીઓને કંઇક કરવાનું કહે ત્યારે કહેતા કે જો આમાં નિષ્ફળ જાઓ, કોઇ પૂછે કે આવું કેમ થયું તો કહી દેજો કે મુખ્યમંત્રીએ કહ્યું હતું. અને સફળ થાઓ તો શ્રેય તમારું, આ સુશાસન છે. હું આ એટલે કહું છું કે શા માટે ભાજપનું શાસન ફરી થી, એમની પાસે સત્તા છે, વડાપ્રધાન પદ છે પણ પ્રજાનું સુખ એમની અગ્રતા છે. શા માટે ફરીથી બીજેપી? જવાબ છે અમારી પાસે, જેમ આપણે પોળમાં, સોસાયટીમાં, પડોશમાં એકબીજાની સાથે રહીએ એમ આપણે એક રાષ્ટ્ર તરીકે બીજા રાષ્ટ્રની સાથે રહીએ એવું વાતાવરણ નરેન્દ્રભાઇએ ઉભું કર્યું છે.

આપણા આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પાંચ વર્ષમાં ઘણો ફેર પડ્યો છે. માનવ અધિકાર પરિષદમાં આપણે સભ્ય નહોતા. દુનિયાના દેશોમાંથી ૯૭ દેશ મત આપે તો આપણે એ સભ્યપદ મેળવી શકીએ.નરેન્દ્રભાઇની આવડત અને કુનેહ એવો કે આપણને માનવ અધિકાર પરિષદમાં ૯૭ના બદલે ૧૩૪ દેશના મત મળ્યા.

પુલવામામાં હુમલો થયો, પહેલાં પણ હુમલ થયા હતા પણ ત્યારે ભારતની પડખે કૌણ ઉભું હતું અને આજે ૪૦ દેશોએ ભારતને કહ્યું કે તમે આતંકવાદ સામે લડો અમે સાથે છીએ. નરેન્દ્રભાઇએ દેશ પરદેશમાં ફરીને કહ્યું કે આતંકવાદ માનવતા વિરોધી છે. આતંકવાદ સામે લડવા માટે કોઇ આગેવાની નહોતું લેતું ભારતે લીધી. આજે આર્થિક-રાજકીય રીતે પાકિસ્તાન ધ્વસ્ત થઇ રહ્યું છે. હું ૧૯૬૭થી જનસંઘમાં કામ કરતો અમે દીવાલો પર લખતા ભારતને મહાસત્તા બનાવવી છે, કલમ ૩૭૦ દૂર કરવી છે, રામ મંદિર બનાવવું છે, એ સૂત્રો આજે સાકાર થતાં જણાય છે એટલે ભાજપની સત્તા ફરી વાર અમે માંગીએ છીએ. દુનિયાના ત્રણ જ દેશો અંતરિક્ષ મહાસત્તા હતા.

નરેન્દ્રભાઇએ ૨૭મી માર્ચે એ સિધ્ધિની જાહેરાત કરી અને હવે આપણે પણ અંતરિક્ષ મહાસત્તા છીએ. ભુપેન્દ્રસિંહજીએ ભારપૂર્વક કહ્યું કે વેપાર ઉદ્યોગમાં ભારતનું સ્થાન ૧૭૭મું હતું. ૨૦૧૪ થી ૨૦૧૯ વચ્ચે આ ક્રમ ૭૬માં સ્થાને આવી ગયો છે. એટલે ભાજપ ફરીવાર સત્તામાં જોઇએ છે. અમે એમ ને એમ મત નથી માંગતા, ભુપેન્દ્રસિંહજીએ કહ્યું કે અમે કંઇક પ્રાપ્ત કર્યું છે એટલે મત માંગીએ છીએ. નરેન્દ્રભાઇ આજે પણ મંત્રીને કે અધિકારીને લેન્ડલાઇન પર ફોન કરે છે.

પહેલાં જેવી શિથિલતા હવે તેત્રમાં નથી. વડાપ્રધાન પોતે નવ વાગ્યે તો કાર્યાલયમાં હાજર હોય છે, અને હવે એક વાત તટસ્થ નાગરિક તરીકે કરું, કોઇ પક્ષ જ્યારે એમ કહે કે અમે દેશદ્રોહની કલમ દુર કરવા માંગીએ છીએ ત્યારે સવાલ થાય કે તમે કોને લાભ આપવા માંગો છો? આપણા એ સૈનિકો શું માત્ર ૩૫ હજાર-૧૦ હજાર પગાર માટે સરહદ પર પહેરો ભરે છે? ના આપણે દેશવાસીઓ શાંતિથી જીવી શકીએ, નિરાંતે ઊંધી શકીએ એટલે એ સૈનિકો જીવના જોખમે ક્યાં ના ક્યાં રહીને દેશની સુરક્ષા કરે છે અને તમે એના કાર્ય પર શંકા કરો છો? કોઇ પણ રાષ્ટ્રવાદીને આ પ્રશ્ન થાય. ભારતની બહેનોને ટીબી મુક્ત કરવાનો વિચાર આવ્યો કોઇને ગેસની સબસિડી ગરીબો માટે ઉપયોગમાં લેવાનો વિચાર આવ્યો કોઇને નરેન્દ્રભાઇને આવ્યો. એટલે અમે કહીએ છીએ કે ફરીથી ભાજપને સત્તા આપવી જોઇએ.

ગઠબંધનના સાથીપક્ષો પર આકરા પ્રહાર કરતાં ભુપેન્દ્રસિંહજીએ કહ્યું કે જે લોકો વિપક્ષમાં ય સાથે બેસી નથી શકતા એ લોકો સત્તા પર કયાંથી સાથે બેસશે એટલા માટે બીજેપી અગેઇન, એમણે કહ્યું કે આપણે હંમેશાથી દેશની રખેવાળી કરી છે, આજે કે આપણે આ ચિંતા નહીં કરીએ તો કોણ કરશે મને અહીં બોલાવ્યો એ રાજાએ મારું બહુમાન કર્યું હોય એવું લાગે છે. મંત્રીના આ વક્તવ્યને ક્ષત્રીય સમાજે ઉમળકાભેર વધાવી લીધું હતું.

સુરાષ્ટ્ર સંકલ્પ સંમેલનને સંબોધન કરતાં ભાજપના મહિલા અગ્રણી શ્રીમતિ અંજલીબહેન રૂપાણીએ કહ્યું કે પૌરાણિક કાળથી ક્ષત્રીયો-રાજાઓ દેશનું રક્ષણ કરતા આવ્યા છે. આજના સમયમાં નરેન્દ્રભાઇ મોદી દેશનું રક્ષણ કરે છે એટલે એ પણ ક્ષત્રીય કહેવાય ને આપણી સેનામાં પણ ક્ષત્રિયો મોટી સંખ્યામાં છે.

નરેન્દ્રભાઇ દૂષણોની સામે લડી રહ્યા છે. તો શા માટે એકલા લડે, દેશમાં એવા લોકો છે જેમને કલમ ૩૭૦ દુર કરવામાં રસ નથી. જે લોકો દેશદ્રોહનો કાયદો રદ કરવા માંગે છે. એવા લોકો સામે નરેન્દ્રભાઇ મોદી લડી રહ્યા છે, એ બધા પક્ષોની મજબૂરી છે એટલે એ લોકો ભેગા થયા છે. પણ આપણે તો મજબૂતી વાળી સરકાર જોઇએ છે. એવી સરકાર જ વિકાસ કરી શકે છે. આપણે સૌ એકઠા થઇને નરેન્દ્રભાઇને અને ભાજપને વિજેતા બનાવવાની ખાતરી આપીએ. આપણે નરેન્દ્રભાઈને કહીએ કે અમે પણ લડવૈયા છીએ. સંમેલનના આયોજક અને રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ ઉપસ્થિત સમુદાયને પ્રેમભર્યું ઉદબોધન કરતાં કહ્યું કે આપણે સૌ મા આશાપુરાના સંતાન છીએ ચૈત્રી નવરાત્રિ હમણાં જ સંપન્ન થયાં છે.

આપણા પર સદા માના આશીર્વાદ છે ત્યારે મને આનંદ તો એ વાતનો છે કે આ રણજિત વિલાસ પેલેસ ફક્ત રાજપરિવારનું નિવાસસ્થાન જ નથી પણ ક્ષત્રીય સમાજનું ઘર છે. એનું ઓગણું છે, અહીં પૂ.દાદાબાપુ અને મારા માતુશ્રીએ બ્રહ્મચોર્યાસી થી લઇને રામચરિત માનસ કે પછી શંકરાચાર્યજીની પધરામણી જેવા અનેક ધર્મકાર્ય કર્યા છે, આ આંગણામાં સુસાશનનું ચિંતન થાય એ આનંદની વાત છે.

માંધાતાસિંહજીએ ઉમેર્યું કે આજે આપણી લડાઇ દેશની વિરુધ્ધ જતા અને કામ કરતા પરિબળો સામે છે. સારા લોકો મત દેવા ન જાય એટલા માટે ખરાબ લોકો ચૂંટાતા હોય છે. એટલા માટે હું આપ સૌને કહું છું કે આપણે નિર્ણાયક, સમર્થ અને સંવેદનશીલ સરકાર બનાવવાની છે. વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં હકારાત્મક અભિગમ વાળી સરકાર શાસન કરે છે. આપણે દેશમાં ફરીથી સંવેદનશીલ સરકાર બનાવવી છે, નરેન્દ્રભાઇ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આપણે ભારતમાં ક્યાંય પણ જતા તો લોકો કહેતા અરે વાહ તમે મોદીજીના ગુજરાતમાંથી આવો છો, આજે આપણે પરદેશ જઇએ તો લોકો કહે છે.

ઓહો તમે ભારતમાંથી આવો છો… જે વ્યક્તિ ૧૮ કલાક કામ કરે, ઉદ્યમી હોય. દ્રઢ નિર્ણયશક્તિ ધરાવતા હોય એના હાથમાં પરી દેશનું સુકાન સોંપવું જ જોઇએ ને માંધાતાસિંહજીએ ઉમેર્યું કે નરેન્દ્રભાઇની યાત્રા રાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય નેતા સુધીની છે. જનધન, આયુષ્યમાન ભારત. ઉજ્જવલા, જ્યોતિગ્રામ સહિતની યોજનાઓનો ઉલ્લેખ કરી એમણે નરેન્દ્રભાઇને પ્રજાવત્સલ વડાપ્રધાન ગણાવ્યા હતા. રાજકોટને એઇમ્સની સુવિધા આ સરકારે આપી અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બની રહ્યું છે.

નર્મદા કિનારે સ્ટેગ્યુ ઓફ યુનિટિ રાષ્ટ્રને અર્પણ કરાયું છે. ૧૪ ફેબ્રુઆરીએ જ્યારે પુલવામામાં સીઆરપીએફના જવાનો પર હુમલો થયો ત્યારે વડાપ્રધાને કહ્યું હતું. મેં દેશ ઝૂકને નહીં દંગા, અને ૨૬મી ફેબ્રુઆરીએ આપણા સૈનિકોએ એરસ્ટ્રાઇક કરી. આપણે સૌ આજે એકઠા એટલા માટે થયા છીએ કે દેશના વિકાસને આપણે સાથે મળીને વેગ આપવાનો છે. અને એના માટે ૨૩મી તારીખે ભાજપના ઉમેદવારને મત આપવાનો છે.

સંમેલનને સંબોધન કરતાં ભાજપ અગ્રણી, પૂર્વ મેયર ધનસુખભાઈ ભંડેરીએ કહ્યું કે દેશની સુરક્ષામાં ક્ષત્રીય સમાજનું યોગદાન ઇતિહાસમાં પણ નોંધાયેલું છે. આજે પણ દેશની સલામતી માટે આ સમાજ કંઇ પણ કરી છૂટવા તૈયાર છે. પ્રાણના ભોગે પણ દેશની સેવા એ ક્ષત્રીયનું વિશિષ્ટ લક્ષણ છે. આજે દેશમાં જ્યારે વિધાતક તાકાતો છે, દેશને તોડનારા પરિબળ એક થઇ રહ્યા છે ત્યારે મજૂબત નેતા, મજબૂત સરકારની જરૂર છે અને નરેન્દ્રભાઇ મોદીએ પોચ વર્ષમાં એ સરકાર આપી છે. આપણે સૌએ એમને વિજેતા બનાવી ફરી દેશને વધારે મજબૂત બનાવવાનો છે.

રાજકોટમાં યોજાયેલા આ અત્યંત ગરિમાપૂર્ણ ક્ષત્રીય સંમેલનમાં રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પરાક્રમસિંહ જાડેજા, હરિશ્ચંદ્રસિંહ જાડેજા-માખાવડ. આર.પી. જાડેજા (નાના મવા), પ્રવીણસિંહ જાડેજા (ઇંટાળા) યુવરાજસિંહ જાડેજા (ચાંપાબેડા, યુવરાજસિંહ રાણા (દુધરેજ) ધ્રુવકુમારસિંહે જાડેજા (ધ્રુવનગર) અજિતસિંહ જાડેજા (ભુણાવા) વિરેન્દ્રસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ગોહિલ, સુરેન્દ્રસિંહ વાળા, આર.એમ.જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા (લોધિકા) મોહનસિંહ જાડેજા, એમ.બી. જાડેજા સહિતના અગ્રણીઓ અને બહોળા પ્રમાણમાં ક્ષત્રીયો ઉપસ્થિત રહ્યા હતા સૌએ ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયાને વિજેતા બનાવવા સંકલ્પ દોહરાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન બહાદુરસિંહ જાડેજાએ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.