Abtak Media Google News

રાજય સરકારે જળસંગ્રહ માટેની યોજનાઓનું અમલીકરણ કરાવી સમૃધ્‍ધિ માટેની દિશાના દ્વાર ખોલી આપ્‍યા છે-આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી

જાફરાબાદ તાલુકાના વઢેરા ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન સમાપન કાર્યક્રમ યોજાયો

ગુરૂવારઆરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીની ઉપસ્‍થિતિમાં જાફરાબાદ તાલુકાના વઢેરા ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતુ.

આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીએ કહ્યું કે, રાજય સરકાર જળસંચયના કાર્યો માટે સતત ચિંતિત છે. રાજય સરકારે જળસંગ્રહ માટેની યોજનાઓનું અમલીકરણ કરાવી સમૃધ્‍ધિ માટેની દિશાના દ્વાર ખોલી આપ્‍યા છે. તેમણે કચ્‍છના સૂકા વિસ્‍તારમાં જળસંગ્રહની વાત જણાવી ત્‍યાં કરવામાં આવતી કેરીની ખેતી અને તેની નિકાસનું પ્રેરણાદાયી દ્રષ્‍ટાંત આપ્‍યું હતુ.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, રાજય સરકારે તળાવ ઉંડા કરવાની સાથોસાથ તળાવ રિપેર કરવાની કામગીરી પણ હાથ ધરતા જળસંગ્રહ ક્ષમતામાં ચોક્કસ વધારો થવાનો છે. રાજય સરકારે જળસંગ્રહ માટેનું નક્કર આયોજન કર્યુ અને લોકભાગીદારી-દાતાશ્રીઓનો સહયોગ સાંપડતો ગયો. આથી જળ અભિયાન જન અભિયાન બની ગયું. જળસંગ્રહ માટેનું રાજય સરકારનું વિઝન હવે મિશન બની ગયું છે.

Img 8752મંત્રીશ્રી કાનાણીએ કહ્યું કે, સુજલામ સુફલામ જળ અભિયાનમાં શ્રમેવ જયતે સૂત્ર સાકાર થયું છે. જળ અભિયાન અંતર્ગત હાથ ધરેલી પ્રવૃત્તિ ધરતીને હરિયાળી બનાવવા માટેનું માધ્‍યમ બનશે.

સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ કહ્યું કે, રાજય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કર્યુ છે જે ખેતી અને ખેડૂતોના ફાયદામાં છે. પરંતુ પાણીનો યોગ્ય રીતે સંગ્રહ કરવો અને પાણીનો દુરૂપયોગ ન કરવો, પર્યાવરણ તેમજ સ્‍વચ્‍છતા જાળવીને સહભાગી થવું તે સૌ નાગરિકોની ફરજ છે. શ્રી કાછડીયાએ, વઢેરામાં રૂ.૧૦ લાખના ખર્ચનો એક નવો કૂવો મંજૂર કરવામાં આવ્‍યો હોવાનું જણાવ્યું હતુ.

Img 8710

કલેકટરશ્રી આયુષ ઓકે શાબ્દિક સ્‍વાગત કરતા કહ્યું કે, ગુજરાત રાજયના સ્‍થાપના દિનથી શરૂ કરવામાં આવેલા આ જળ અભિયાનને અમરેલી જિલ્‍લામાં દાતાશ્રીઓના સહયોગથી સારો પ્રતિસાદ મળ્યો છે. મનરેગા યોજના અંતર્ગત થયેલી કામગીરીને કારણે નવી રોજગારીનું સર્જન થયું છે. તેમણે સુજલામ સુફલામ જળ અભિયાનમાં શ્રમદાન, આર્થિક સહયોગ અને મશીનરીઓ પૂરી પાડવા સહિત વિવિધ રીતે પોતાનું યોગદાન આપનાર દાતાશ્રીઓનો આભાર પણ આ તકે વ્‍યક્ત કર્યો હતો.

Img 8735આભારવિધી જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી યોગેશ નિરગુડેએ કરી હતી.

સમાપન કાર્યક્રમમાં મંત્રીશ્રીએ નર્મદા જળ પૂજન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહીને નર્મદા કળશ અર્પણ કર્યો હતો. માહિતી કચેરી દ્વારા યોજવામાં આવેલ જળ અભિયાન પ્રદર્શન મંત્રીશ્રી, મહાનુભાવો અને ગ્રામજનોએ નિહાળ્યું હતુ. કાર્યક્રમમાં માહિતી કચેરી દ્વારા નિર્મિત જળસિંચન અંગેની ફિલ્‍મ દર્શાવવામાં આવી હતી.

આ પ્રસંગે રાજયમંત્રીશ્રી તથા મહાનુભાવોએ સુજલામ સુફલામ જળ અભિયાનના દાતાશ્રીઓને શાલ ઓઢાડી સન્‍માનિત કર્યા હતા. મંત્રીશ્રી કાનાણી અને મહાનુભાવોએ મા અમૃત્તમ યોજનાના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કર્યુ હતુ.

Img 8849

પ્રગતિશીલ ખેડૂતોએ સુજલામ સુફલામ જળ અભિયાનના પ્રતિભાવો વ્‍યક્ત કર્યા હતા. બાળાઓએ વિવિધ સાંસ્‍કૃત્તિક કૃત્તિઓ રજૂ કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે મંત્રીશ્રી અને મહાનુભાવોનું કઠોળ-ફળની ટોપલીથી સ્‍વાગત કરવામાં આવતા તેમણે તે આંગણવાડીના બાળકો માટે અર્પણ કરેલ.

Img 8719કાર્યક્રમમાં પૂર્વ મંત્રી સર્વશ્રી બાવકુભાઇ ઉંધાડ, શ્રી વી.વી. વઘાસીયા, પૂર્વ સંસદીય સચિવશ્રી હિરાભાઇ સોલંકી, રાજુલા-જાફરાબાદ વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી અમરિશભાઇ ડેર, માર્કેટ યાર્ડ ચેરમેન સર્વશ્રી જીજ્ઞેશભાઇ પટેલ, શ્રી ચેતનભાઇ શિયાળ, પ્રભારી સચિવશ્રી સંદિપકુમાર, પ્રાંત અધિકારી સર્વશ્રી ડાભી, શ્રી સતાણી, શ્રી ઓઝા, જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરા, અગ્રણી સર્વશ્રી મયુરભાઇ હિરપરા, શ્રી કૌશિકભાઇ વેકરીયા, શ્રી કમલેશભાઇ કાનાણી, શ્રી રવુભાઇ ખુમાણ, શ્રી રિતેષભાઇ સોની, શ્રી મહેશભાઇ કસવાળા, શ્રી નારણભાઇ બારૈયા, શ્રી કાળુભાઇ વિરાણી, વઢેરાના સરપંચશ્રી લક્ષ્‍મીબેન કાનાભાઇ તથા પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ અને વઢેરાના ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.