‘તારક મહેતા…’ના લેખકની આત્મહત્યા, સ્યુસાઇડ નોટે બધાને સ્તબ્ધ કરી દીધા!

લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના રાઈટર્સમાંથી એક અભિષેક મકવાણાએ પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. અભિષેકના પરિવારનો દાવો છે કે તે સાઈબર ફ્રોડનો ભોગ બન્યો હતો અને તેને બ્લેકમેલ કરવામાં આવતો હતો. અભિષેક મકવાણાની એક સુસાઈડ નોટ પણ સામે આવી છે.

સુસાઈડ નોટ ગુજરાતીમાં લખવામાં આવી છે. અભિષેકે સુસાઈડ નોટમાં કહ્યું હતું કે તે છેલ્લા કેટલાક મહિનાથી અંગત જીવન તથા આર્થિક સમસ્યાનો સામનો કરતો હતો. તેણે પરિવારની માફી માગી હતી. તેણે પરિસ્થિતિ સામે લડવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે હારી ગયો. સમસ્યાઓ ઘટવાને બદલે વધતી જ જતી હતી.

અભિષેક મકવાણા 27 નવેમ્બરે પોતાના કાંદિવલી આવેલા ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા અને ચારકોપ પોલીસે આ મામલે એક્સિડેંટલ ડેથનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.

પરિવારે એવો પણ દાવો કર્યો છે કે તેને ધમકીભર્યા ફોન આવતા હતા અને લોનની બાકી રકમ ચૂકવી દેવાનું કહેવામાં આવતું હતું. અભિષેકના ભાઈને અભિષેકના મોત બાદ આ મુદ્દાની ખબર પડી હતી. તે જ્યારે અમદાવાદમાં હતો ત્યારે તેના ભાઈના મોતના સમાચાર મળ્યા હતા. ભાઈના મોબાઈલ પર સતત લોન ચુકવણી માટેના ફોન આવતા હતા. તેણે એવું કહ્યું હતું કે ભાઈ હવે આ દુનિયામાં નથી અને એ સમયે પરિવાર પણ કંઈ કહેવાની સ્થિતિમાં નહોતો. જોકે પછી ફોન પર તેને ધમકી આપવામાં આવતી હતી.

Loading...